- અમીરગઢમાં ચોરોનો તરખાટ.
- એક માસમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ.
ગુજરાત: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શિયાળામાં લોકો મધ્યરાત્રે મીઠી નિંદ્રા અવસ્થામાં સુતા હોય છે. પરંતુ લોકોની આ શિયાળાની મીઠી નિંદ્રા ઊડતી અને ચિંતા માં ફેરવતી જણાઇ રહી છે. અને સહીત અમીરગઢ પોલીસની રાત્રી દરમિયાન થતી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
અમીરગઢમાં એક બાદ એક ચોરીના પ્રયાસોમાં વધારો. છેલ્લા એક જ માસની અંદર અમીરગઢમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સૌ પ્રથમ અમીરગઢનાં જુના પોલીસસ્ટેશન નજીક આવેલા સત્યનારાયણનાં મંદિર માં ચોરી થઈ હતી. એના અંદાજીત પાંચ દિવસ બાદ સોની જગદીશભાઈની મેઈન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ચોરીનાં પ્રયાસો થયા હતા. અને હજુ એ વાતને માંડ આંઠ દિવસ થયાને ગઈ કાલે રાત્રીએ અમીરગઢ પોલીસલાઈનથી માત્ર 100 મીટર દૂર આવેલી પોસ્ટ ઑફિસમાં ચોરીનો ફરી પ્રયાસ થયો હતો.
પોસ્ટઓફિસની પાછળનાં ભાગમાંથી કાચની સ્લાઈડ હટાવીને ચોરોએ પોસ્ટઓફિસમાં પ્રવેશ મેળાવ્યો હતો. અંદર પડેલી તિજોરી ને ભીતમાંથી ખોદી ને બહાર લાવી તોડવાના પ્રયત્નો કર્યા. પરંતુ તિજોરી ન તૂટતા તમામ પ્રયાસો નિષ્ફળ નિવડતા ચોરોએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એક જ માસમાં ત્રીજી વખત ચોરીના નિષ્ફળ પ્રયાસ છતાં અમીરગઢ પોલીસનાં હાથે કાંઈજ આવ્યું નથી. ચોરીઓનાં સિલસીલા યથાવત રહેતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈ રાત્રીની ચોરી પોલીસલાઈનની એકદમ નજીક આવેલ પોસ્ટઓફિસમાં ચોરી થતા અમીરગઢ પોલીસની રાત્રીનાં પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થયા છે.