સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણની વાતો પાન-માવાનાં ગલ્લાથી લઈને સંસદ સુધી ચર્ચાઈ છે. પણ તકલીફ એ પડી છે કે એમાનું ઘણું ખરું ચર્ચા કર્યા સુધી જ સીમિત રહ્યું છે. ઘણીવાર સ્ત્રી અને પુરુષને એકબીજાને સમજવા એ ઘણો અઘરો કોયડો બની જતો હોય છે. શારીરિક અને માનસિક એમ બંને સ્તરે.
સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ અંગેના ઓશોનાં વિચારો જાણવા સમજવાં જેવાં છે. તો જોઈએ આ બાબતે રજનીશ શું કહે છે?

સમાજે સ્ત્રીને પરાધીન બનાવી યાતનાઓમાં જકડીને નગણ્ય બનાવી છે. તે કુરૂપ બની છે. જ્યારે પણ સ્વભાવને તેની આંતરિક જરૂરિયાતો મુજબ વિકસવા દેવામાં આવતો નથી તો તે કડવો-ઝેર બની જાય છે. તે મુરઝાઇ જઈ, પાંગળો, વિકૃત અને નિષ્પ્રાણ બની જાય છે. વિશ્વમાં તમને જે સ્ત્રી જોવા મળે છે, તે પણ સાચી સ્ત્રી નથી કારણ કે સદીઓથી તેને ભ્રષ્ટ બનાવવામાં આવી છે. અને જ્યારે સ્ત્રીને ભ્રષ્ટ બનાવાય તો તે જન્માવનાર સંતાનોને સ્વાભાવિક આદમી કેવી રીતે બનાવે છે કારણકે આખરે સ્ત્રી જ પુરુષને જન્મ આપે છે. જો તે સ્વાભાવિક નથી તો તે નર કે માદા જે કોઈ બાળકની માતા બનશે તે બાળકો પણ સ્વાભાવિક રીતે જ માનતા મેળવી શકશે નહિ.

સ્ત્રીને બેશક એક મોટી મુક્તિની જરૂર છે. પરંતું મુક્તિના નામે જે કંઈ બની રહ્યું છે તે મૂર્ખતા છે, તે નકલ છે, તે મુક્તિ નથી. અહીં મારી સાથે ઘણી સ્ત્રીઓ છે જેઓ મુક્તિ આંદોલનમાં રહી ચૂકી છે અને પહેલીવાર જ્યારે તેઓ અહીં આવી ત્યારે તેઓ ખૂબ જ આક્રમક હતી. હું તેમની આક્રમકતાને સમજી શકું છું: સદીઓ પર્યંતના આધિપત્યે તેમને ઉગ્ર બનાવી દીધી છે. જે તેનો સીધો સાદો પ્રતિકાર છે. તેઓ બાવરી અને વિવશ થઈ અંતે પાગલ બને છે. આ માટે પુરૂષ સિવાય બીજું કોઈ તે માટે જવાબદાર નથી. પરંતું હવે સ્ત્રી ધીમે ધીમે નરમ બનતી ગઈ છે. તેઓ લાવણ્યમય બની છે, તેમની આક્રમકતા અદ્રશ્ય થતી જાય છે. તેઓ પ્રથમ વખત સ્ત્રી-સહજ બની છે. સાચી મુક્તિ સ્ત્રીને વાસ્તવિકતા બક્ષે છે- પુરુષની નકલ નહિ. જ્યારે હમણાં ઉલટું બની રહ્યું છે. સ્ત્રીઓ બિલકુલ પુરુષો જેવી બનવા પ્રયત્ન કરે છે. જો પુરુષો સિગરેટ પીતા હોય તો સ્ત્રીઓએ પણ સિગરેટ પીવી જોઈએ. જો તેઓ પેન્ટ્સ પહેરતાં હોય તો સ્ત્રીઓ પણ પેંટ્સ પહેરવા જોઈએ. જો તેઓ અનોખું વર્તન કરે છે તો તેણે પણ તેવું જ કરવું જોઈએ. સ્ત્રી ઠીક ઠીક દ્વિતીય દરજ્જાનો પુરૂષ બની રહી છે.

આ મુક્તિ નથી પણ વધુ ઊંડી ગુલામી છે – ઊંડી એટલાં માટે કે પ્રથમ ગુલામી પુરુષો દ્વારા લાદવામાં આવી હતી, આ બીજી ગુલામી સ્ત્રીઓ દ્વારા જ ઊભી કરવામાં આવી છે. અને જ્યારે કોઈ બીજું, તમારી ઉપર ગુલામી લાદે છે ત્યારે તમે તેની સામે વિદ્રોહ કરી શકો છો. પરંતું તમે જ મુક્તિના નામ પર તમારી જાત ઉપર જો ગુલામી લાદો છો તો પછી વિદ્રોહની કોઈ સંભાવના શક્ય નથી.

હું ઈચ્છીશ કે સ્ત્રી ખરેખર સ્ત્રી બને. કારણ કે તેનાં ઉપર બહુ મોટો મદાર છે. તે પુરૂષ કરતાં ઘણો વિશેષ છે. કારણ કે, તે તેનાં ગર્ભમાં સ્ત્રી અને પુરુષ બંનેને ધારણ કરે છે. તે છોકરા અને છોકરી બન્નેની માતા છે. તે બંનેનું પોષણ કરે છે. જો તે ઝેરીલી બને તો તેનું ધાવણ પણ ઝેરીલું બનશે. બાળકોને ઉછેરવાની તેની રીતો પણ ઝેરીલી બનશે.

જો સ્ત્રી ખરેખર સ્ત્રી બનવા માટે મુક્ત ના હોય તો પુરુષ પણ ખરેખર પુરુષ બનવા માટે ક્યારેય મુક્ત બની શકશે નહિ.

પુરુષની આઝાદી માટે પણ સ્ત્રીની મુક્તિ અનિવાર્ય છે; પુરુષની આઝાદી કરતાં વધુ પાયાની જરૂરિયાત તેની છે. અને જો સ્ત્રી સદીઓથી જે રીતે ગુલામ રહી ચૂકી છે તેમ જ રહેશે તો તે પુરુષને પણ ખૂબ જ ચતુરાઈપૂર્વક ગુલામ બનાવશે. તેની રીતો ચતુરાઈ ભરેલી છે. તે તમારી સાથે સીધી લડાઈ કરશે નહિ. તે આડકતરી રીતે તમારી સાથે લડશે. તે સ્ત્રી- સહજ લડાઈ હશે. તે આક્રંદ અને રુદન કરશે. તે તમને મારશે નહિ પણ પોતાની જાતને મારશે, અને પોતાની જાતને મારી, આક્રંદ રુદન કરી મજબૂતમાં મજબૂત પુરુષને પણ હેન-પેક્ડ – જોરૂકા ગુલામ બનાવી દેશે. ખૂબ જ દુર્બળ સ્ત્રી ખૂબ જ સશક્ત પુરુષ ઉપર પ્રભુત્વ જમાવી શકે છે. સ્ત્રીને સંપૂર્ણ આઝાદીની જરૂર છે જેથી તે પુરુષોને પણ આઝાદી આપી શકે. આ એક પાયાની વાત યાદ રાખવાની છે કે જો તમે કોઈનેય ગુલામ બનાવશો તો આખરે તમે જ ગુલામીમાં સરી પડશો. આખરે તમે મુક્ત રહી શકશો નહીં. જો તમે મુક્ત રહેવા ઈચ્છતા હો તો બીજાને પણ આઝાદી આપો, એ જ એકમાત્ર મુક્તિનો રાહ છે.

મુક્તિ આંદોલન એ થોડું ઘૃણિત છે – હું જાણું છું કે એ માટે પુરુષ-વર્ચસ્વવાદીઓ જવાબદાર છે. તેઓ યુગોથી સ્ત્રીઓનું એટલું નુકસાન કરતાં આવ્યાં છે કે હવે સ્ત્રીઓ બદલો લેવા ઇચ્છે છે. પરંતું તમે જેવો બદલો લેવાનું શરૂ કરો છો તેવા જ તમે વિધ્વંસક બની જાવ છો. ભૂતકાળના ઘાવને વાગોળ્યા કરવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળને કારણે બદલો લેવાનો કોઈ અર્થ નથી. વ્યક્તિએ ક્ષમા આપતાં અને ભૂલી જતા શીખવું જોઈએ. હા, એ ખોટું હતું – તે માન્યું – સ્ત્રીઓ સાથે યુગોથી જે કંઈ થયું છે તે તદન ખોટું હતું. પુરુષે સ્ત્રીઓને ગુલામ બનાવી દીધી, તેથી પણ વિશેષ તુચ્છ, તેણે તેને એક ભોગવવાની ચીજ, એક મિલકત બનાવી દીધી. પરંતું બદલો લેવાનો શો અર્થ? તેથી તો તમે બદલો લેનાર બનો છો અને પુરુષ બદલાનો ભોગ બને ત્યારે નવા પ્રકારની સમસ્યા આકાર અને રૂપ ધારણ કરે છે. પછી સ્ત્રી આધિપત્યવાદી જન્મે છે જેથી કશું સુધારવાનું નથી. પછી સ્ત્રી પુરુષને નુકશાન પહોંચાડવાનું શરૂ કરશે. અને વહેલાં-મોડાં પુરુષો જરૂર બદલો લેશે. આ ક્યાં જઈને અટકશે? આ એક વિષચક્ર છે. અને મને લાગે છે કે આ વિષચક્રમાંથી બહાર આવવા પુરુષ આ બંધ કરે એ કરતાં સ્ત્રીઓ આ વધુ સહેલાઈથી બંધ કરી શકે તેમ છે. કારણ કે તેઓ વધું પ્રેમાળ, વધું અનુકંપાવાળી છે. પુરુષો વધુ આક્રમક અને હિંસક છે. મને સ્ત્રીઓ પાસેથી આશા છે. એટલે હું સ્ત્રી-મુક્તિ આંદોલનના આક્રમક વલણ અને અભિગમની તરફેણમાં નથી.

જીવનની સમસ્યાઓ પ્રેમથી ઉકલી શકે. તે હિંસક અભિગમથી ઉકેલી શકાય નહીં. પુરૂષ અને સ્ત્રી બે અલગ અલગ હસ્તી છે. આથી એકબીજાને સમજવાં મુશ્કેલ છે. અને ભૂતકાળ ગેરસમજણોથી ભરેલો છે. પરંતું ભવિષ્ય પણ અપરીવર્તી રહે તે કંઈ જરૂરી નથી. આપણે ભૂતકાળમાંથી બોધપાઠ શીખી શકીએ છીએ. અને એકમાત્ર બોધપાઠ એ છે કે પુરુષ અને સ્ત્રીને એકબીજા પ્રત્યે વધુ સમજદાર બનીને, એકબીજાની ભિન્નતાને વધુ સ્વીકારતા થવું જોઈએ. આ ભિન્નતાઓ મૂલ્યવાન છે. તે કોઈ ઘર્ષણ ઉભુ કરે તે જરૂરી નથી. વાસ્તવમાં તે તેમની વચ્ચેના આકર્ષણનું કારણ છે.

જો પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની તમામ ભિન્નતાઓ દૂર થઈ જાય તો તેઓ એક જ પ્રકારની માનસિકતા ધરાવતાં હશે તો પ્રેમ પણ અદ્રશ્ય થઈ જશે. કારણ કે, ત્યાં ધ્રુવત્વ નહિ હોય. પુરૂષ અને સ્ત્રી વિદ્યુતના ઋણ અને ધન ધ્રુવો સમાન છે. તેઓ એકબીજા પ્રત્યે ચુંબકત્વની જેમ ખેંચાય છે. તેઓ અસમાન ધ્રુવો છે. આથી ઘર્ષણ સ્વાભાવિક છે. પરંતું સમજદારી દ્વારા, અનુકંપા દ્વારા, પ્રેમ દ્વારા એકમેકના જીવનને નિહાળીને અને તેના પ્રત્યે સહૃદય બનીને તમામ સમસ્યાઓ ઉકેલી શકશે. વધુ ઘર્ષણ ઉત્પન્ન કરવાની જરૂર નથી, બહું થયું, આટલું પૂરતું છે.

પુરુષને પણ સ્ત્રી જેટલી જ મુક્તિની જરૂર છે. બન્નેને મુક્તિની જરૂર છે, ખુલ્લા મને મુક્ત થવા માટે એકબીજાને સહકાર અને મદદ આપવા જોઈએ. એ જ સાચું મુક્તિ આંદોલન હશે!

તણખો:


પુરૂષ અને સ્ત્રી હોવાનો વિચાર જ પડતો મૂકો. આપણે બધાં જ મનુષ્યો છીએ. પુરૂષ કે સ્ત્રી હોવું તે કેવળ ઉપરછલ્લી બાબત છે એ અંગેની વાતનું ઝાઝું વતેસર ના કરો. તે કંઈ બહું અગત્યની બાબત નથી. તેને મોટી બાબત ના બનાવો!
~ઓશો રજનીશ


-ડો.ભાવિક આઈ. મેરજા

Related posts

Leave a Comment