નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની આજે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે

નેશનલ: પ્રખર રાષ્ટ્રવાદી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની આજે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે આજે સાંજે યોજાનાર ખાસ સમારંભમાં નેતાજીના હોલોગ્રામ સ્ટેચ્યુનું અનાવરણ કરશે. નેતાજીની ગ્રેનાઈટની પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે અને આ પ્રતિમા તૈયાર થતાં તેની સ્થાપના હોલોગ્રામ સ્ટેચ્યુના સ્થળે કરાશે. આ સાંજે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે વર્ષ 2019થી 2022 સુધીના નેતાજી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર અર્પણ કરાશે.

કુદરતી આપત્તિ વખતે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર સેવાને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા આ પુરસ્કારની રચના કરાઈ છે, જેમાં વિજેતા સંસ્થાને 51 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર જ્યારે વ્યક્તિને પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

દરમિયાન ફિલ્મ ડિવીઝન દ્વારા નેતાજીની જયંતિ નિમિત્તે તેમના જીવન કાર્યનો પરિચય આપતી બે દસ્તાવેજી ફિલ્મો આજે દર્શાવવાનો નિર્ણય લીધો છે. દર્શકો આ ફિલ્મો ફિલ્મ ડિવીઝનની વેબસાઈટ અને યુ-ટ્યૂબ ચેનલ પરથી જોઈ શકશે.

Related posts

Leave a Comment