રાજચરાડી ગામે આર્થિક રીતે પછાતને 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

  • અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને પ્લોટ અને સાંથણીની જમીન મળે તેવી રજૂઆત
  • સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડાએ જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ. ને આવેદનપત્ર આપી કરી રજૂઆત
  • 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી

ગુજરાત: સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને મફત 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની ખેતીની જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને છેલ્લા ઘણા વર્ષોથી મફત 100 ચો. વારના પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. સાથે સાંથણીની ખેતી કરવા લાયક જમીનની ફાળવણી કરવામાં આવતી ન હોવાથી સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી.

જેમાં રાજચરાડી ગામના અનુસૂચિત જાતિ, દેવીપૂજક અને અન્ય અતિ-પછાત વર્ગના લોકોને મફત 100 ચોરસ વારના ઘરથાળ પ્લોટ અને સાથણીની ખેતી લાયક જમીન મળે તેવી લેખિતમાં રજૂઆત સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

અગાઉ પણ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. પરંતુ આગળ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતાં ફરીથી રજૂઆત કરવાની નોબત પડી હતી. ત્યારે આર્થિક રીતે પછાત લોકોનું કહેવું છે કે, “જો 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે”. ત્યારબાદ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા “8 દિવસમાં યોગ્ય પગલા હાથ ધરવામાં આવશે” તેવું જણાવ્યું હતું.

Related posts

Leave a Comment