ગુજરાત: બુધવારનાં રોજ ધ્રાંગધ્રાનાં મોટી માલવણ ગામનાં પટેલ અને ભરવાડ સમુદાય વચ્ચે મારામારી થઈ હતી. ઘટના એમ હતી કે, મોટી માલવણનાં જીતેન્દ્રભાઈ પટેલે કૃષ્ણનગર ગામ ખાતે ભાડે રાખેલી જમીનને ફરતે કાંટાળા તારની ફેન્સિગ કરી હતી. જેને તોડી પાડી, જીતેન્દ્રભાઈને પૂછ્યા વગર તેમના જ ગામના મલાભાઈ ભરવાડ અને મુનાભાઈ ભરવાડ પોતાના ઢોરોને ખેતરમાં ચરાવતાં હતાં. જેથી જીતેન્દ્રભાઈએ ‘અમારા ખેતરમાં શું કામ ચરાવો છો’ તેમ પૂછતાં ભરવાડે ‘ ચરાવવાના જ છે, થાય તે કરી લેવું’ કહી માર માર્યો હતો અને ‘જો પોલીસ ફરીયાદ કરી છે તો જીવતા નહિ રહેવા દઈએ’ કહી જાનથી મારી નાખવાની ઘમકી આપતા જીતેન્દ્રભાઈએ બંન્ને પિતા-પુત્ર સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
ધ્રાંગધ્રા તાલુકાનાં મોટી માલવણ ગામના જીતેન્દ્રભાઈ સવજીભાઈ પટેલ ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત બુધવારના રોજ સવારનાં અગિયારેક વાગ્યે જીતેન્દ્રભાઈ અને તેમના પિતા સવજીભાઈ બન્ને તેમની કૃષ્ણનગર ગામની સીમ ખાતે ભાડા પટ્ટાની રાખેલી જમીનનાં કામ અર્થે ગયા હતા. ત્યારે જીતેન્દ્રભાઈને ખેતરની ચારેબાજુ કાંટાળા તારની બાંધેલી ફેન્સિગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. આ દરમિયાન તેમના ખેતરમાં સોથી દોઢસો જેટલી ગાયો-ભેંસો ચરતી હાલતમાં જોતા, તે ગાયો-ભેંસો તેમના જ ગામના મલાભાઈ જહાભાઈ ભરવાડની જણાઈ હતી. મલાભાઈ ભરવાડ અને તેમનો દિકરો મુનાભાઈ ભરવાડ જીતેન્દ્રભાઈના ખેતરમાં તેમને પૂછ્યા વગર પશુઓને ચરાવતા જોવા મળ્યાં હતા. જેથી જીતેન્દ્રભાઈએ ‘અમારા ખેતરમાં પશું કેમ ચરાવો છો’ તેમ પૂછતા મલાભાઈ અને તેમનો દિકરો મુનાભાઈ એકદમ ઉશ્કેરાઈને અપશબ્દો બોલવા લાગ્યાં હતાં અને ‘ આ ઢોર ચરાવવાના જ છે, થાય તે કરી લેવું’ તેમ કહેલું.
જીતેન્દ્રભાઇએ તેઓને અપશબ્દ બોલવાની ના પાડતા મલાભાઈ તેમની સાથે મારામારી કરવા લાગ્યા અને ત્યાં ઉભેલા મુનાભાઈ ભરવાડે તેના હાથમાં રહેલી લાકડીથી જીતેન્દ્રભાઈનાં શરીરના ભાગે માર મારવા લાગેલાં. આથી જીતેન્દ્રભાઈ બુમાબુમ કરતાં તેમના પિતા સવજીભાઈ ત્યાં આવતાં તેમને પણ પેટના ભાગે અને શરીરે લાકડીઓ વડે માર માર્યો હતો. જેથી જીતેન્દ્રભાઈ અને સવજીભાઈ ત્યાંથી ભાગી વધુ મારમાંથી બચ્યાં હતાં. આ દરમિયાન મલાભાઈ અને મુનાભાઈ ભરવાડે ‘જો પાલીસ ફરીયાદ કરી છે તો જીવતા નહિ રહેવા દઈએ’ કહી જીતેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
જીતેન્દ્રભાઈ અને સવજીભાઈ સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. પરંતુ ત્યાંથી તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર જવાનું કહેતા ટીબી હોસ્પિટલ જઈ સારવાર લીધી હતી. જેની જીતેન્દ્રભાઈ પટેલે બંન્ને પિતા-પુત્ર સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.