ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને સરકાર પણ પોતાનાથી થતાં દરેક પ્રયત્નો કરી રહી છે.
હેવ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ડીઆરડીઓના સહયોગથી અમદાવાદમાં યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પીટલ ઉભી કરાશે.
કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને વધુ સારી સારવાર આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના સહયોગથી આગામી બે સપ્તાહમાં આ હોસ્પીટલ કાર્યરત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પીટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ 900 બેડની કોવિડ કેર હોસ્પીટલમાં 150 આઈસીયુ બેડ હશે, જ્યાં 150 વેન્ટીલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામ 900 બેડ ઓક્સીજન સુવિધા સાથેના હશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાના દર્દીઓને સારી સારવાર અપાય તે હેતુથી કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. મુખ્યમંત્રીએ આ અભૂતપૂર્વ પહેલ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.