ગુજરાત: સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દીક્ષાંત સમારોહ વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ ગયો જેમાં 119 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરાયા. સરદાર પટેલ યુનિવર્સિટીએ 17 હજાર 862 વિવિધ વિદ્યાશાખાનાં સ્નાયતક-અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે કુલ ત્રણ લાખ 25 હજાર 528 પદવીએ એનાયત કરી છે.
આ સમારંભ માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ. દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ.
રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારતનાં નાલંદા અને તક્ષશિલા કાળનાં વિદ્યાવૈભવની પુનઃસ્થાપનાં માટે પ્રવૃત્ત થવા પદવીધારક યુવાઓને અનુરોધ કર્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ યુવાનોને તેમની નવીનતાઓ અને શોધ-સંશોધનો સમાજને મદદરૂપ બને તે માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો હતો. શ્રી ચુડાસમાએ જીવનમાં જે તબકકાઓ આવતા હોય છે તેમાંથી વ્યક્તિને જીવનનો નવો વળાંક મળે છે. અભ્યાસનો સમય હવે પૂર્ણ થયો છે. તો તમે સમાજની હરીફાઇનાં યુગમાં પ્રવેશ કરશો. હવે તમે સમાજ જીવનની પરીક્ષામાં પણ સર્વશ્રેષ્ઠસ પ્રદાન કરશો તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉપરાંત એમસીએમાં જ્ઞાનસાગર વિશ્વકર્માએ ૫ ગોલ્ડ મેડલ, એમ.એસસી મેથ્સમાં શ્રેયા ચૌહાણે ૪ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. સમારંભમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૧૯ ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ મેડલ આપવામાં આવ્યા હતા. જેમાં ૬૬ વિદ્યાર્થીએ એક, ૧૬ વિદ્યાર્થીએ બે અને ૨ વિદ્યાર્થીએ ત્રણ મેડલ મેળવ્યા હતા.