દિવ્ય ભાસ્કરનાં પત્રકારો સામે રાજકોટનાં હેડકોન્સ્ટેબલે કરી FIR, કોણ સાચુ પત્રકારો કે પોલીસ?

દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ.

હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે..

” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો માટે પોલીસ સ્ટેશનને ફાઇવસ્ટાર હોટેલમાં ફેરવવાનાં મિશન આડે આવવાનો ગુનો કર્યો છે. હા, અમે તમારા ‘ગુનેગાર’ છીએ, કારણ કે તમારા હૈયે એ ધનપતિઓનું હિત છે અને અમને હોસ્પિટલમાં ભડથું થઈ ગયેલા પાંચ દર્દીઓની મરણચીસો સંભળાય છે… ”

હવે એવો કેવો ગુનો કર્યો કે પોલીસ અને પત્રકાર સામસામે આવી ગયા? તો વાત એવી છે કે.. રાજકોટની હોસ્પિટલમાં આગ લાગી, પાંચ લોકો ભડથું થઈ ગયા. આરોપી તરીકે ગુનેગાર તબીબોને રાજકોટનાં પોલીસ મથકે લઈ જવાયા અને લોકઅપમાં બંધ કરવામાં આવ્યા. પરંતુ..

રાજકોટ દિવ્ય ભાસ્કરનાં સ્ટિંગ ઓપરેશન કરાયા બાદનો લેખ તારીખ ૨ ડિસેમ્બરનાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં ભાસ્કરે જણાવ્યું હતું કે તબીબોને લોકઅપમાં રાખવાને બદલે પોલીસ VIP સગવડ આપી રહ્યી છે, અને તારીખ ૨ ડિસેમ્બરનાં રોજ સમાચાર પ્રસિદ્ધ થયા કે..

” ત્રણ તબીબને અપાય છે VIP સગવડ, લોકઅપમાં પૂરવાને બદલે સ્ટાફરૂમમાં ઉંઘવા દિધા. “

૨ ડિસેમ્બરનાં રોજ સમાચાર પ્રસિદ્ધ થયા, જનતાએ જાણ્યું કે કોરોનામાં હોસ્પિટલની બેદરકારીને લીધે મૃત્યુ પામેલ દર્દીઓનાં ગુનેગારોને પોલીસ સેવા પ્રદાન કરી રહ્યી છે. હવે, આ સમાચાર સૌએ વાંચ્યા, સરકારની પોલ ઉઘડી, પોલીસતંત્રનું કામ ઉઘાડું થયું અને સોસિયલ મીડિયામાં આ સમાચાર વાયુવેગે વાયરલ થયા.

તસવીર: દિવ્ય ભાસ્કર

૩ ડિસેમ્બર ખાલી રહ્યો પરંતું ૪ ડિસેમ્બરનાં રોજ આ સ્ટિંગ ઓપરેશન કરનાર પત્રકારો સામે FIR નોંધવામાં આવી.કદાચ આ ૧ દિવસ મનોમંથનમાં લાગ્યો હશે કે શું પત્રકારો સામે ફરિયાદ નોંધાય ખરી! કે પછી કોઈ અન્ય કારણ હોઈ શકે.


આ પણ વાંચો: રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- ૩૩ દર્દીઓ હતા દાખલ


દેવેન્દ્ર ભટનાગર નોંધે છે કે…
“પોલીસે એફઆઇઆરમાં નોંધ્યું છે કે એમની ‘ગુપ્ત કામગીરી’ને ચાર રિપોર્ટરોએ ખુલ્લી પાડી છે, અમે કબૂલ કરીએ છીએ કે અમારા રિપોર્ટરો પોલીસ સ્ટેશનમાં ગયા. એમણે આરોપીઓની કડક પુછપરછ કરવાને બદલે તેમને VIP સગવડો આપવાની પોલીસ જે ગુપ્ત કામગીરી કરી રહી હતી એને નજરોનજર જોઈ. એ ગુપ્ત કામગીરીને ખુલ્લી પણ પાડી. ખરેખર તો પોલીસે જો પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવી હોત તો અમારે આ કરવું જ ન પડત. પોલીસ એફઆઇઆરમાં કહે છે કે ‘આરોપીઓ અહીંયા હોઈ તેમની જાનમાલની સલામતી માટે અમે તમને પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી નહીં કરવા દઈએ.’ અમે પણ એ જ કહીએ છીએ કે તમને આરોપીઓના જાનમાલની ચિંતા સૌથી વધુ છે! પ્રજા અપેક્ષા રાખી રહી છે કે કસૂરવાર હોસ્પિટલ સંચાલકોને સજા થાય, એ પાંચ મૃતકોને ન્યાય મળે. અમને તમારો પ્રજાદ્રોહ મંજૂર નથી. એફઆઇઆરમાં પોલીસે ટાંક્યુ છે કે રિપોર્ટરોએ કહ્યું કે ‘તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીશું.’ જો પોલીસ આરોપીઓના બચાવને પોતાનું કામ માનતી હોય તો એને ખુલ્લુ પાડવું, એક્સપોઝ કરવું એ અમારું કામ છે એટલે જ અમે અહીં ફરી કહીએ છીએ કે તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીશું જ. હોસ્પિટલ અગ્નિકાંડના આરોપીઓને સહેજપણ તકલીફ પડે તો તમારું હૃદય દ્રવી ઊઠે છે અને એ હોસ્પિટલમાં સળગેલા પાંચ જણ માટે અમારી આંતરડી કકળી ઊઠે છે. આરોપીઓને કેવી રીતે છાવરવા એને જો પોલીસ પોતાની ફરજ સમજતી હોય તો અમે એમની એ ફરજમાં રૂકાવટ કરી જ છે, આરોપીઓને વીઆઇપી સગવડો આપવી એ જો પોલીસની ફરજ છે તો એ જાહેર કરવી અને છાપવી એ અમારી ફરજ છે. અમારી ફરજ તમારી એ ‘ફરજ’ને આડે આવશે જ.”

તસવીર: દિવ્ય ભાસ્કર

ગાંધીજી પત્રકારને એવો ‘ન્યાયાધીશ’ માનતા હતા, જેને ‘સમરી ટ્રાયલ’નો અધિકાર પ્રાપ્ત થયેલો છે. તેઓ પત્રકારોને કહેતા કે જો કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં અખબારમાં સામગ્રી આવે તો સૌપ્રથમ આરોપીને બચવાની તક પ્રદાન કરવી જોઈએ. જો સંતોષકારક જવાબ ન મળે તો બંને પક્ષોની વાતોને સંપાદક પોતાની નોંધ સાથે પ્રકાશિત કરે.

બસ ત્યારે ગાંધીજીની આ વાતને વાચા આપી છે ભાસ્કરનાં પત્રકારોએ. કોરોનાનાં દર્દીઓનાં પરીવારોને એમ કે અમે અમારા પરીવારજનોને સુરક્ષિત હોસ્પિટલમાં દાખલ કરેલા છે, પરંતુ આગની ઝપેટમાં પરિવારનાં સદસ્યનું નિધન થાય એ કેટલું વ્યાજબી ગણાય?


આ પણ વાંચો: કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિને સોંપવાનો નિર્ણય


પત્રકારનો ધ્યેય માત્ર પત્રકારીતાનો ધર્મ બજાવવા પૂરતો સિમીત નથી પરંતું પત્રકારનું હ્દય પણ મનુષ્ય હ્દય છે માટે પત્રકારીતાનો મૂળ ધર્મ માનવતાનો છે માટે એ સ્વીકારવું રહ્યું કે આરોપીઓને બચાવવાએ માનવધર્મ નથી જ.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં દિવ્ય ભાસ્કરનાં પત્રકારો વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ 186, 114, જીપીએની કલમ 120 અને આઇ.ટી.એક્ટ 72(એ), 84 હેઠળ FIR નોંધવામાં આવી છે. એમનો ગુનો એ કે તેઓ પરવાનગી વગર એમના કેમેરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.

દેવેન્દ્ર ભટનાગરે પોલીસ તંત્રની FIR સામે કલમનું હથિયાર ઉગામતા કહ્યું છે કે :


” તમારી પાસે આઇપીસીની ઢગલાબંધ કલમોનું હથિયાર છે. અમારી પાસે તો હાથમાં જે એક કલમ છે એનો જ સહારો છે. અમારી કલમ તમારી કલમોની ના કદી મોહતાજ હતી, ના કદી રહેશે. અમારી કલમ તમારી કલમોની સામે ન કદી ઝૂકી હતી, ન કદી ઝૂકશે.”

Leave a Comment