ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગીની વેબસાઈટ ખુલવામાં ERROR, વિદ્યાર્થીઓ પરેશાન

  • ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ
  • પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક
  • કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષા આપવાની રહેશે. આ પ્રકારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા માટેની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. આ દરમિયાન ઓનલાઇન પરીક્ષા પસંદ કરવા માગતા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી કરવા માટેની વેબસાઇટ ખુલતી ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ તો ખુલે છે પણ વિદ્યાર્થીઓના પરીક્ષા પસંદગી માટેની વેબસાઈટ પર ક્લિક કરતા “This site can’t be reached” આ પ્રકારે એરર બતાવે છે.

પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા માટેની અંતિમ તારીખ નજીક આવી રહી છે અને હવે બે દિવસ જ બાકી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, આ વેબસાઈટ છેલ્લે 10 ડિસેમ્બરે ચાલુ રહી હતી. ત્યારબાદ વેબસાઈટમાં એરર આવતો હોવાથી ખુલતી ન હતી. અમુક વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે પરિપત્રમાં આપેલા ઇ-મેઇલ આઈડી પર વેબસાઈટ ખુલતી ન હોવા બાબતે મેઇલ પણ કરેલો છે. પરંતુ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. પરીક્ષાનાં વિકલ્પ પસંદગીમાં જો છેલ્લી તારીખ સુધી આ પ્રકારની સમસ્યા રહેશે તો વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત રહી જશે!

Related posts

Leave a Comment