- સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્ય છત્રસિંહ એસ. ગુંજારીયાએ જિલ્લાના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરી
- રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત અગરીયા લોકોને રણમાં પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી તેવી રજૂઆત
ગુજરાત: ગત ગુરુવારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્યશ્રી છત્રસિંહ એસ. ગુંજારીયા દ્વારા ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને યોગ્ય પીવાનું પાણી મળી રહે તે હેતુથી, તેઓને પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે એ માટે રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ કચ્છના નાના રણનું ધ્રાંગધ્રા-જેસડાના રણમાં કેટલાક અગરીયા સમુદાયના લોકો દ્વારા મીઠું પકવવામાં આવે છે. આમ મીઠું પકવવાની સિઝન દરમિયાન તેઓને પીવાના પાણીની ખૂબ જ અછત અને યોગ્ય પીવા લાયક પાણી મળવું મુશ્કેલ હોય છે. ત્યારે ધ્રાંગધ્રા-જેસડાના રણમાં 13 જેટલી સહકારી મંડળીઓ અને 10 એકર જમીન પર 8905 અગરિયા સમુદાયના માણસો નવેમ્બરથી મે માસ દરમિયાન મીઠું પકવવાની કામગીરીમાં જોડાયેલા હોય છે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા તેમને પાણીના ટેન્કર દ્વારા પાણી પહોચાડવામાં આવે છે. પરંતુ અપૂરતી સુવિધાના કારણે તેઓને ઘણા લાંબા અંતરે પીવાનું પાણી મેળવવા જવું પડે છે.
ઉપરાંત આ રણ વિસ્તારમાં ક્યાંય પાઇપ લાઈનની યોજના ન હોવાના કારણે તેઓને પીવાના પાણી માટે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્યશ્રી છત્રસિંહ એસ. ગુંજારીયા દ્વારા આ રણ વિસ્તારમાં જરૂરી જણાતી લંબાઈની પાઈપ લાઈન, ઓવર હેડ ટાંકી અને જરૂરી પ્લાન અંદાજ મુજબ પીવાના પાણી માટે ટેન્કર વ્યવસ્થાને બદલે રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત આ વિસ્તારના ગામોનો સમાવેશ કરવામાં આવે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરી હતી.