થાનગઢના ચાંદ્રેલિયાથી વેલાળાના રસ્તામાં એક ગુમનામ ઓટો રીક્ષામાંથી ₹ 12000નો વિદેશી દારૂ પકડાયો

  • પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં રીક્ષા ઝડપી પડાઈ, પરંતુ રીક્ષાની આજુબાજુ કોઈજ જણાયું ન હતું.
  • રીક્ષાના માલિકને પોલીસની આવવાની જાણ થતાં પહેલાથી રફુચક્કર…

ગુજરાત: ગત સોમવારના રોજ થાનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાંદ્રેલિયાથી વેલાળા તરફના ઓકળામાં બજાજ કંપનીની એક કાળા કલરની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં રેઇડ મારી હતી. પોલીસ તપાસ કરતાં રીક્ષામાંથી કુલ 40 નંગ રૂ.12000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતાં ફરિયાદ નોંધી છે.

થાનગઢ પોલીસ સ્ટાફના માણસો રાત્રીના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. પેટ્રોલીંગ દરમિયાન ચાંદ્રેલિયા ગામે બાતમી મળી હતી કે, ચાંદ્રેલિયાથી વેલાળા તરફ જતા કાચા માર્ગમાં આવતા ઓકળામાં બજાજ કંપનીની એક કાળા કલરની ઓટો રીક્ષા વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોય છે. જેથી પોલીસ સ્ટાફના માણસોને સચોટ અને ભરોસાપાત્ર બાતમી મળતાં તેઓ ત્યાં ઉપસ્થિત બે વ્યક્તિનું પંચનામું કર્યા બાદ બાતમી મુજબની જગ્યાએ પહોંચ્યાં હતાં. આમ બાતમીમાં જણાવેલ કાળા કલરની ઓટો રીક્ષા ત્યાં જણાઈ આવી હતી. પરંતુ ઓટો રીક્ષાની આજુબાજુ કોઈ શખસ મળી આવ્યો ન હતો.

ત્યારબાદ પોલીસ દ્વારા ઓટો રીક્ષાની ઝડતી કરતા રીક્ષામાંથી વિદેશી દારૂની શીલબંધ બોટલો જોવા મળી હતી. જેમાં 750 એમ. એલ. વોડકાની બોટલના 28 નંગ અને વિસકીની બોટલના 12 નંગ સહિત કુલ 40 નંગ રૂ.12000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો અને ઓટો રીક્ષા સહિત કુલ મુદ્દામાલ રૂ. 62000 પકડી રીક્ષાની માલિકી ધરાવતા અજાણ્યા શખસ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

Related posts

Leave a Comment