ભારતે અત્યાર સુધી લગભગ 34 દેશો સાથે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત કાનૂની સંધી કરી છે.
તાજેતરમાં જ ત્રણ-ચાર દિવસ પહેલાં જ શ્રીનગરમાં આંતકીઓએ નિઃશસ્ત્ર પોલીસ જવાનો પર હુમલો કર્યો અને તેમાં બે પોલીસ જવાનો શહીદ થયાં. અને જે જગ્યા પર હુમલો થયો તે જગ્યા હાઈ સિક્યુરિટી એરપોર્ટ રોડ પર આવેલી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા, અગણિત સૈન્ય અભિયાનો દ્વારા આંતિકીઓનો ખાત્મો બલાવવાની ધરખમ કોશિશ બાદ ય આતંકી હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે.
આતંકવાદ એટલે મોટા ભાગે નિર્દોષ, નિઃશસ્ત્ર અને સરકાર વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ડર ફેલાવવા માટે પોતાનાં રાજકીય, સૈદ્ધાન્તિક અથવા ધાર્મિક સ્વાર્થી હેતુઓ સિદ્ધ કરવા માટે જાણી-જોઈને આચરવામાં આવેલી હિંસા અથવા હિંસાની ધમકી/ભયને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે.
સત્તરમી સદીમાં ફ્રેન્ચ રિવોલ્યુશન વખતે જેકબિયનો નામનાં ક્રાંતિકારોનાં અંતિમવાદી જૂથે ફ્રાન્સમાં નવી સમાજ વ્યવસ્થાનાં નિર્માણ માટે સત્તા આંચકી લીધેલી અને ભયંકર હિંસાનો ઉપયોગ કરેલો. એ પછી ટેરરિસ્ટ (Terrorist) અને ટેરરીઝમ (Terrorism) જેવા શબ્દો અસ્તીત્વમાં આવ્યા. પરંતું ઇસ.1970માં ઉત્તર આયર્લેન્ડ, બાસ્ક રાષ્ટ્ર (Basque) અને પેલેસ્ટાઇન વચ્ચે રાજકીય અને શસ્ત્ર વખતે આતંકવાદ મુખ્ય પ્રવાહમાં એકદમ ઉભરી આવ્યો. અને પછી આતંક ફેલાવીને સ્યુસાઇડ એટેક કરવાની પણ આખી રમત ચાલી.
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડે કરેલા વિશ્વ આતંકવાદનાં ડેટા મુજબ વર્ષ 2000થી વર્ષ 2014 વચ્ચે 61,000 કરતાં પણ વધારે ઘટનાઓ આતંકવાદની પૂરાં વિશ્વમાં ઘટી ચૂકી છે. અને જેમાં દોઢેક લાખ લોકોને જીવ ગુમાવવો પડ્યો!
તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ એન્ડ પીસ દ્વારા પ્રકાશિત થયેલાં ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્ષ-2020માં ભારત વર્ષ 2019માં આતંકવાદથી સૌથી વધારે પ્રભાવિત થયેલાં દેશોમાં આઠમાં ક્રમાંકે રહ્યો છે. પહેલાં ક્રમાંકે અફઘાનિસ્તાન છે અને સાતમા ક્રમાંકે પાકિસ્તાન. ભારતમાં વર્ષ 2019માં આતંકવાદનાં લીધે અંદાજિત 277 હત્યા, 439 ઘાયલ અને 558 જેટલી ઘટનાઓ બની છે.
આપણાં દેશમાં જમ્મુ અને કાશ્મીર આતંકવાદથી સૌથી વધું પ્રભાવિત થનાર ક્ષેત્ર રહ્યું છે. અંદાજિત 165 જેટલાં હુમલાઓ અને 103 જેટલાં મૃત્યુ થયું છે. વર્ષ 1979માં પાકિસ્તાને બે સંસ્થા બનાવી: 1) આઈએસઆઈ ટ્રેન્ડ અને 2) આઈએસઆઈ કંટ્રોલ, કે જેને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ પણ કહે છે. અને એમાંની બે સંસ્થા એટલે લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મહંમ્મદ! અને બીજી તરફ અફઘાનિસ્તાનમાં રશિયન તાકાત પ્રભાવી થતી જતી હતી. જે અમેરિકાને ખટક્યું. તેનાં લીધે વર્ષ 1980ની આસપાસ અમેરિકા- રુસને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાનું નક્કી થયું, જેમાં પાકિસ્તાન અમેરિકાનું સહયોગી હતું. અને ત્યાં અમેરીકન એજન્સી સીઆઇએ (CIA) એ રેડિકલ ઇસ્લામિક ગ્રુપની સહાય લીધી. જેમાંથી બે સંસ્થા બનાવી. જેનું નામ હતું: તાલિબાન અને અલ-કાયદા!
ભારતીય સંસદથી લઈને લાલ કિલ્લો,જમ્મુ કાશ્મીર વિધાનસભા, ગાંધીનગરનું અક્ષરધામ, રઘુનાથ મંદિર, સમજોતા એક્સપ્રેસ, જયપુર, દિલ્હી અને મુંબઈમાં બોમ્બ ધડાકા, ઉરી એટેક, અને પુલવામાં એટેક જેવી ગોઝારી આતંકવાદી ઘટનાનું ભારત સાક્ષી રહ્યું છે. જ્યારે વૈશ્વિક સ્તરે અમેરિકામાં વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર હુમલો, પેશાવરમાં અને રુસમાં સ્કુલ પર હુમલો, મોસ્કોનાં થિએટરમાં હુમલો, અને પેરિસ હુમલો જેવી કરુણ ઘટનાઓ લોકોએ ભોગવવી પડી છે. લગભગ સો કરતાં પણ વધારે દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આતંકવાદી પ્રવૃત્તિથી અસરગ્રસ્ત છે.
એક પ્રશ્ન ઉપસ્થિત છે કે માણસો આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાય છે કેમ? ગરીબી, અશિક્ષા, સામાજિક રીતે પછાત, જેહાદ કે ધર્મનાં નામ પર, શાશનમાં હસ્તક્ષેપ, મહત્વાકાંક્ષા, તણાવ કે ગુસ્સો, અને પ્રતિસ્પર્ધી રાષ્ટ્રનાં વિકાસને તોડવો એ મુખ્ય પરિબળો છે.
ભારત સરકારે- આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (TADA) કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ-2000, આતંકવાદ નિવારણ અધિનિયમ-2002 અને ગેર કાનૂની પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ-1967 (કે જેને છેલ્લે 2019માં સંશોધિત કરવામાં આવ્યો.) દ્વારા આતંકવાદને પરિભાષિત કરી, તેનાં અંતર્ગત કાયદા-કાનૂન બનાવી આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવાની કોશિશ કરી. વર્ષ 2000માં લો કમિશને પણ આતંકવાદને નીપટવા માટે આવશ્યક કાનૂન બનાવવાની ટકોર કરી હતી. અને 2008નાં મુંબઈ આતંકવાદી હુમલાઓ પછી ભારતની આંતરિક સુરક્ષામાં વ્યાપક પ્રમાણમાં સુધારાઓ કરવામાં આવ્યા. ખાસ કરીને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), રાષ્ટ્રીય ગુપ્ત ગ્રીડ (NATGRID) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)માં ધરખમ સુધારા કરવામાં આવ્યા. પરંતુ આ બધાં પગલાંઓ લેવાં છતાંય આતંકવાદની સમસ્યા હલ થઇ શકી નહીં.
ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓ પરનો રાજકીય હસ્તક્ષેપ ક્યારેક સુરક્ષા એજન્સીઓનાં કાર્યમાં વિઘ્ન લાવવાનું કાર્ય કરે છે. રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ વચ્ચે સરખો અને પ્રભાવી તાલમેલ હોય એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે- સુરક્ષા એજન્સીઓ રાજકીય હસ્તક્ષેપ વગર મુક્ત અને સ્વતંત્ર રીતે કાર્ય કરે. ખાલી પાકિસ્તાન સરહદને સુરક્ષિત રાખવા પર રહેલું વધુ એક તરફી ધ્યાન પૂર્વોત્તર રાજ્યોમાં નવી સમસ્યાઓ પેદા કરી શકે છે. કેમ કે બાંગ્લાદેશનું આતંકવાદી સંગઠન જમાતુલ મુજાહિદ્દીન દીવસે ને દિવસે વધું સક્રિય થતું જાય છે. આસામ, મણિપુર અને નાગાલેન્ડની બોર્ડર ખુલ્લી કહી શકાય એવી બોર્ડર છે, જ્યાંથી આતંકવાદીઓ ઘૂસી શકવાની સંભાવના છે. આ જ બોર્ડર પરથી હાલમાં મોટાં પ્રમાણમાં ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. ઉપરાંત, પૂર્વોત્તર બાજું સમુદ્રી સીમા વધારે છે. અને પઠાણકોટમાં થયેલાં આતંકવાદી હુમલામાં હુમલાખોરો નદી માર્ગે પ્રવેશ્યા હતાં! નદી ઉપર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફેસિંગ અને નદીની નીચે સેન્સર લગાવવાનું કામ થવાનું હતું એ હજું બાકી જ છે. ફાઇનાન્સીયલ ઇન્ટેલિજન્સ એટલે કે આતંકવાદી સંગઠનને ફંડ ક્યાંથી મળે છે અને હથિયારો ક્યાંથી આવે છે તેનાં પર વધું ધ્યાન રાખવાની જરૂર છે. ભારતને ભૂમિ અને સમુદ્રી અને બન્ને સીમા લાગુ પડતી હોય વધું આધુનિક ટેકનોલોજીની આવશ્યકતા છે. મરીન પોલીસ હજું પણ અસક્ષમ છે. જહાજ, ઉપકરણ, અધિકારીઓ અને આર્થિક બાબતમાં! તો સામે તીવ્ર ગતિથી મુકદમા ચલાવવાં માટે સ્પેશિયલ કોર્ટની પર એટલી જ આવશ્યકતા છે. પરંતું આટલું ય પૂરતું નથી!
કોઈ એક રાષ્ટ્ર આતંકવાદ અટકાવવા ગમે તેટલાં પગલાં લેશે, પરંતુ આતંકવાદ જેવી વૈશ્વિક અને જટીલ સમસ્યા એમ ઉકેલી શકાશે નહીં. વૈશ્વિક લેવલ પર ભારત હંમેશાં આતંકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધ બોલતું રહ્યું છે, અને બીજાં દેશો સાથે સાથ-સહકાર આપતું અને મેળવતું રહ્યું છે. આતંકવાદ વિરોધી- ઝીરો ટોલરન્સની નીતિ એ ભારતની નીતિ છે. ભારતે અત્યાર સુધી લગભગ 34 દેશો સાથે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત કાનૂની સંધી કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી મુકાબલો કરવા માટે ‘સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ નિરોધક સમન્વય પ્રભાવ’ની રૂપરેખા તૈયાર કરી છે. કે જે સભ્ય દેશોની જરૂરિયાતને વધુ સારી રીતે પૂર્ણ કરવા છત્રીસ જેટલી સંસ્થાઓ સાથે ઇન્ટરપોલ અને વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન વચ્ચેનો કરાર છે. માનવ વિકાસ, રાષ્ટ્ર વિકાસ અને વૈશ્વિક વિકાસની આડે આવતી આતંકવાદની સમસ્યાને હલ કરવા આખા વિશ્વએ એક મંચ પર આવી ખભેથી ખભા મિલાવી લડવું પડશે!