કવિયિત્રીવિશ્વમાં વૈશ્વિક કાવ્યો : જુદા જુદા રાજ્યનાં કવિયિત્રીનાં કાવ્યોનો આસ્વાદ

કવિયિત્રીવિશ્વનાં સંપાદનની પ્રસ્તાવનામાં કવિ સુરેશ દલાલે લખ્યું છે કે સૌ પહેલી કવિતા લખનાર કદાચ કોઈ સ્ત્રી જ હશે. માનવકુળમાં પુરુષ જરા જડ, કઠોર, વિચારપ્રધાન, રાજસી, અને દોડધામમાં વ્યસ્ત. બીજી તરફ સ્ત્રી નાજુક, સંવેદનશીલ, લાગણીપ્રધાન અને પ્રમાણમાં થોડાં નિરાંતવા જીવવાવાળી. હાલરડાં, મંગળગીતો, લગ્નગીતો, લોકગીતો અને આખરે મરસિયા ગાવાનું સ્ત્રીને ભાગે જ આવે છે. આથી હલક અને લય માટે સ્ત્રીનાં કાન ઘડાયેલા છે. એનો કંઠ પણ ઝીણો ને મીઠો. આશા, આકાંક્ષા, ઝંખના, ઉમંગ, ચિંતા, પીડા, યાતના આ બધી લાગણીઓથી સ્ત્રીનું જીવન પુરુષ કરતાં વધારે સભર છે. પછી કવિતા લખનાર પહેલી સ્ત્રી કેમ ન હોય?

આ સંપાદન કરીને સુરેશ દલાલે આપણું એક કામ આસાન કરી દીધું છે. વૈશ્વિક સ્ત્રી કવયિત્રીનાં કાવ્યો ફાંફાં માર્યા વગર જ વાંચી શકાય તેમ છે.

આ પહેલાં લેખમાં આપણે ભારતની જ અલગ-અલગ રાજ્યની કવિયિત્રીઓ એ લખેલાં કાવ્યોનો આસ્વાદ માણીએ.

અસમિયા ભાષાની કવયિત્રી રીતા ચૌધરીએ (અનુ: જયા મહેતા) લખ્યું છે કે:


નગ્ન શરીરની પીડા હું સમજુ છું
અંધારામાં
સાપની આંખોના નિષપ્રેમ પ્રકાશમાં
બળી જાય છે માટીની કોમળતાં
કેટલો કઠિન, કેટલો કઠિન
આ રાતનો પ્રેમ!
આગળ એક પંક્તિમાં લખે છે:
થોડું થોડું શરીર
થોડો થોડો આત્મા
અજગરના નિર્દય બાહુપાશમાં બરબાદ!

લક્ષ્મી કન્નાન નામની એક કવયિત્રીએ અંગ્રેજીમાં દ્રૌપદી નામની (અનુ:મહેશ દવે) નાનકડી કવિતા લખી છે:


તેણે તો મોટું કામ કર્યું,
સર્વોત્તમ પુરૂષજાતને
પોતાની વિકરાળ નગ્નતાથી
તેણે અપમાનિત કરી
હિણપતભરી ચુપકીદીમાં જડી દીધી છે!

સરોજિની નાયડુ એ એક કવિતા લખી છે:
પ્રીતમ, તારો પુકાર સુણી, મારું
હાય, હડી કાઢે કાળજું એવું!
વાંસે રિયે ઓલી વનની મૃગલી,
હાંફતું પાછળ ક્યાંય પારેવું!

કોઈ મદારીની મોરલી ઉપર
જાય સરી જેમ સાપનો રેલો,
સાદ કરે તું, સાજન આવું હું
સાવ ઘોળ્યો કરી જીવડો ઘેલો!

જિંદગીનાં ઘનઘોર મોજાં હો કે
મોતની ઉંડેરી ખાઈ વચાળે,
પ્રીતમ, તારે પુકારે હું આવીશ
આવીશ, છો ગળે હાડ હિમાળે!

હિમાની બેનરજી પત્ની નામની કવિતામાં (અનુ: નીતા રામૈયા) લખે છે કે:


મારા જીવનના સમ ખાઈને કહું કે મને તે દેખાતી નથી
દેખાતી નથી મને તે
કોઈ એક સ્ત્રી એક વ્યક્તિ
હવામાંથી જાદુમંતર કરીને
બોલાવું ત્યારે
‘પત્ની, હાજર થા?’
મને કહેવા દો કે
જે મને દેખાય છે તે
માનવ નથી જ
પણ છે એક સ્મારકની શીલા
ગ્રેનાઈટની આકૃતિ.

પ્રસિદ્ધ હિરોઈન મીના કુમારીએ ઉર્દૂમાં ‘વાદળ અને મેદાન’ (અનુ. કંવલ કુંડલાકર) કવિતા લખી છે:


તમે લોકો તો વાદળ જેવા છો
હવાઓની સાથે આવ્યાં
થોડીક વાર આકાશ પર છવાઈ રહ્યા
વરસ્યા
અને ક્યાંક દૂર દૂર નીકળી ગયાં
અમે મેદાનો જેવા છીએ
પોતાની જગ્યા ઉપર સ્થિર
અને અમને ખબર છે કે
જનારા ફરી પાછા આવતાં નથી!

ઉડિયા ભાષાની કવયિત્રી સુજાતા ચૌધરી ‘માં અને પ્રુથ્વી’ (અનુ:સુશી દલાલ) કવિતામાં લખે છે:


માએ કહ્યું હતું એ દિવસે
પૃથ્વીની જેમ સહનશીલ થવા માટે
પૃથ્વી પાસે કંઇક શીખો
પણ હું કહીશ પૃથ્વી
માં પાસેથી કંઇક શીખે!

આંસુનો સાગર
એને ઘેરી રહ્યો હોવા છતાં પણ
બચાવે છે માં પોતાનાં બાળકોને
મગરમચ્છના મોઢામાંથી
બાંધી રાખે છે
પોતાનાં આં
એ લહેરોને,
વહેવા નથી દેતી
બાળકોના ઘરને.

મામલો હદથી વધી જાય ત્યારે
ફરી પડે છે પૃથ્વી
સમાવી લે છે
એ કેટલાંય બાળકોને
પણ માં
બધું જ સહન કરી લે છે
આવવા નથી દેતી ભૂકંપ ઘરમાં!

જો પૃથ્વીએ માતા પાસેથી
આટલું શીખી લીધું હોત તો
ન મર્યા હોત આટલાં લોક
આ રીતે ગુજરાતમાં!

લલિતા નાયક ‘પરચુરણ’ (અનુ: જયા મહેતા) નામની કવિતામાં બળાપો કાઢતા કહે છે:


મને આશ્ચર્ય થાય છે કે
જીવનને ઉછેરવા દૂધથી છલકાતા મારાં સ્તનો કરતાં
તારી મૂછના ઠોભિયાંનું તારે મન વધું મૂલ્ય છે.
હું રાહ જોઉં છું, રાહ જોઉં છું, ઈચ્છું છું
તારા કાનમાં ગણગણવા
કે જો તારું પિતૃત્વ તારા જીવનનો એક અંશમાત્ર છે.
તો મારા માતૃત્વનું પણ એમ જ છે!

કાશ્મીરી કવયિત્રી અમર્યી માલ લખે છે:
મેં જામ પર જામ ભર્યા છે મારા પ્રિયતમ માટે
સખી તું જા એને અહીં બોલાવી લાવ
એ સાવ નાદાન છે, બાળક જેવો
દોડી જાય છે હરણની જેમ
મારી તમામ પ્રાર્થનાઓ એને માટે છે
લીલાંછમ મેદાનોમાંથી અને પર્વતના ઢાળ પરથી
સખી તું જઈ એને અહીં બોલાવી લાવ!

તો આપણા ગુજરાતી કવયિત્રી અનિલા જોષી ગાય છે:
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણીયો
ને પાંપણમાં છે વરસાદ
સૈયર, શું કરીએ?

ઊંઘમાં જાગે ઉજાગરો
ને સમણાની સોગાત
સૈયર, શું કરીએ?

મુંગામતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું
ને સાસરિયાનો સ્વાદ
સૈયર, શું કરીએ?

પગમાં હિરનો દોર વિંટાયો
ને ઝરણાનો કલનાદ
સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?

અને કુમુદ પટવા પ્રશ્ન પૂછે છે કે:
આંસુઓનાં પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિનાયે સઘળું સમજે
એવા સગપણ ક્યાં છે?

મધુમતી મહેતાએ વિષાદની ક્ષણોને વ્યક્ત કરતાં લખ્યું છે:


સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી;
સૂર્યનો આભાસ છે અજવાશ જેવું કંઈ નથી!

તે નકાર્યું જ્યારથી રંગો ભર્યા અસ્તિત્વને;
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી!

મીરાંબાઈએ ગાયું છે ને:
મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારું સાચું રે.

બંગાળી ભાષાની કવયિત્રી અનુરાધા મહાપાત્ર લખે છે:
મેં ઈશ્વરને જોયો નથી.
મંદિરને જોઉં કે તરત મને
ઈશ્વર અને તેના પાશવી અવતારોનો વિચાર આવે છે.
મૂર્તિપૂજા જોઉં ત્યારે
હું જાણું છું કે ઘરની દીકરી
વેચી નાંખવામાં આવશે, રોકડા પૈસા માટે
એક નિસ્તેજ જિંદગી બીજી નિસ્તેજ જિંદગી માટે.
આ છેલ્લી રમૂજ છે, જેમનું લોહી વહી ગયું છે
એમનાં મુખમાંથી લોહી ઓકાતું જોવું એ!

વલ્લના નામની સંસ્કૃત કવયિત્રી કહે છે:


મારા વસ્ત્રો ઉતાર્યા પછી
પોતાનાં પાતળા હાથથી
એ મારાં સ્તનોને ઢાંકી ન શક્યો.
હું મારાં વસ્ત્રોને વળગતી હોઉં
એમ એની છાતીને વળગી પડી.
પણ જ્યારે એનો હાથ
મારા નિતંબની નીચે સરતો ગયો
ત્યારે લજ્જના સમુદ્રમાં ડૂબતાં
કામદેવ સિવાય બચાવે પણ કોણ?
જેણે અમને શીખવ્યું છે બેહોશ થતાં!
(અનુ: પન્ના નાયક)

અમૃતા ભારતીએ હિંદીમાં એક કવિતા લખી છે:


એ સ્ત્રીનું હૃદય હતું
જે બોલતું હતું,
બોલ્યા જ કરતું હતું યુગોથી!
એ સ્ત્રીનું હૃદય હતું
જે ચૂપ હતું,
ચૂપ રહ્યાં જ કરતું હતું સદીઓથી!

અને એની વચ્ચે એક પહાડ હતો
એક પુરુષ હતો
એક ઉંદર.
જે કરડ્યા કરતો હતો.
આત્મીય ક્ષણોમાં પણ
ચિત્કાર કરતાં અવાજને
સૂમસામ થયેલી જબાનને
પહેલાં જ દિવસથી!

તણખો:


સખીઓ તમે તો નસીબદાર છો
કે તમે તમારા પ્રેમીની
વાત કરી શકો છો.
સંવનનની કઈ યુક્તિ-પ્રયુક્તિ
હાસ્ય, શબ્દો,
નિરતિશય આનંદ.
મારા પ્રિયતમે તો
જ્યાં મારી
નીવીબંધ પર હાથ મૂક્યો
ત્યાં તો સોગંધ ખાઈને કહું છું
કે હું બધું જ ભૂલી ગઈ!
~વિદ્યા
(મૂળ સંસ્કૃતમાં. અનુવાદ: પન્ના નાયક)


વધું આવતાં લેખમાં.

-ડો.ભાવિક આઇ. મેરજા

Related posts

Leave a Comment