ગુજરાત: ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે તથા ગાંધીજીનાં રેંટિયાની ખરી શક્તિ લોકો સુધી પહોંચાડવા માટે 3જી ઓક્ટોબર, 2021નાં રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, એક્ટ ફાઉન્ડેશન તથા સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘સ્વ-અધ્યયન’ નામનાં એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી.
ગાંધીજીનાં સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનાં વિચારને ચરિતાર્થ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ચરખો કાંતીને તેના થકી સ્વ-અધ્યયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કાર્યક્રમમાં આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ચરખા કાંતણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ એક્ટ ફાઉન્ડેશન અને સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સહપાઠીઓને ચરખો કેવી રીતે કાંતવો, તે શીખવાડવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત વિદ્યાપીઠનાં મહાદેવભાઇ દેસાઇ સમાજસેવા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્વઅધ્યયન પ્રોજેક્ટનાં સહિયારા પ્રયાસ થકી જે લોકો ચરખાથી પરિચિત નથી, તેવા લોકો ચરખા થકી સ્વઅધ્યયન કરે, તેવા બીજા પણ કાર્યક્રમો યોજવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું.