- પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર લખતરના રહેવાસી પતિ-પત્ની સામે નોંધી FIR
- ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી આરોપીએ હેડ કોન્સ્ટેબલનું ગળું જાલ્યું
- આરોપીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારતાં બે ટાંકા આવ્યાં
ગુજરાત: લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ફરજ દરમિયાન લખતરના રહેવાસી પતિ-પત્ની દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને હેડ કોન્સ્ટેબના કામમાં રૂકાવટ કરી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અપશબ્દો બોલવાની ના પાડતા, ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી પતિ-પત્નીએ હેડ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈંટ મારી માથું ફોડી નાખ્યું હતું. પોલીસે બંને પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગત ગુરુવારે લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ઝાલા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતાં. ત્યારે સાંજના સાડા નવ વાગ્યે લખતરના રહેવાસી અનિલભાઈ મહેન્દ્રભાઈ વાઘેલા અને તેમના પત્ની પો.સ્ટેશનમાં આવતાં જયદીપસિંહએ કાંઈ રજૂઆત હોવાનું પૂછ્યું હતું. તેવામાં ‘તું ઉભો રે’ તેમ કહી અનિલભાઈ ગાળો બોલવા લાગેલા. જેથી જયદીપસિંહએ ગાળો બોલવાની ના પાડતા ‘આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી અનિલભાઈએ જયદીપસિંહનું ગળું જાલ્યું હતું. જયદીપસિંહએ જેમતેમ કરતાં ગળું છોડાવ્યું. ત્યારબાદ અનિલભાઈ પોલીસ સ્ટેશનની બહારથી ઈંટ લઈ આવીને જયદીપસિંહને માથાના ભાગે ઘા કર્યો હતો. પછી અનિલભાઈ અને તેમના પત્ની બંને મળી જયદીપસિંહને માર મારવા લાગ્યાં હતાં.
જયદીપસિંહને માથા ભાગે વાગતા લોહી વધુ નિકળેલું. જેથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં સેજલબહેન અને અન્ય માણસો આવીને જયદીપસિંહને વધુ માર માંથી છોડાવ્યાં બાદ સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયાં હતાં. જ્યાં ડૉક્ટરે માથાના ભાગે બે ટાંકા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ કરનાર અને હેડ કોન્સ્ટબ ઈજા પહોંચાડનાર લખતરના રહેવાસી બંને પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી હતી.