- મારી પાસે ઘણું વેસ્ટેજ લાકડું પડ્યું છે
- તમે અડધા રૂપિયા આપજો ને કટર મશીન પણ હું જ લાવીશ
- આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને ?
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા આ અંતિમ સંસ્કાર યજ્ઞમાં સહુ કોઈએ પોતાની શક્તિ મુજબ તન , મન કે ધનના યોગદાનની અંજલિ આપી રહ્યા છે એવામાં ભુજનું સ્મશાન એટલે ખારીનદીને જેમણે લગભગ ઘર બનાવી લીધું છે એવા ભૂતનાથ ટ્રસ્ટના અજીતભાઈએ છેલ્લા 10 દિવસના સ્વઅનુભવ વાગોળ્યા હતા,
મારા પર એક મુસ્લિમ ભાઈ નો ફોન આવ્યો , કહે
ભાઈ મારો લાકડાનો નાનો બેનસો છે . મારી પાસે ઘણું વેસ્ટેજ લાકડું પડ્યું છે , એકાદ યુટીલિટી ભરાય તેમ છે . મોકલી આપું છું ..
મેં કહ્યું ;-
મોકલો ને ભાઈ ,અત્યારે જે મોકલો એ ઉપયોગી. કેટલા રૂપિયા થશે ? વાહન ખર્ચ અને મજૂરી કેટલી થશે ? એ કહેજો અમે ચૂકવી દઈશું.
એ ભાઈ કહે ….
એની કશીય જરૂર નથી , બસ આવતીકાલે સવારે તમને લાકડું મળી જશે..
આવા સમયે લાકડાના કટિંગ માટે મજૂરો મળવા મુશ્કેલ હોય, એમાંય કટિંગ મશીન હેન્ડ કટર ચલાવે એવા મજૂર તો મળવા જ મુશ્કેલ હોય અને આવા સમયે એક મુસ્લિમ ભાઈના નંબર મળ્યા.
મેં ફોન કર્યો :
ભાઈ તાત્કાલીક લાકડાનું કટિંગ કરવું છે … કરી આપશો ? કેટલા રૂપિયા લેશો ?
મેં બીજા બે ત્રણ જણ પાસેથી પણ જાણી લીધું હતું કે કેટલી મજૂરી થાય
એ ભાઈ એ કહ્યું
રોજની આટલા રૂપિયા તારીખ ચાલે છે.
પણ તમે અડધા રૂપિયા આપજો ને કટર મશીન પણ હું જ લાવીશ.
અને કચ્છીમા કહ્યું
હેવર ત હી સેવા વડી ચોવાજે આંઈ હેડો કયો તા ત અંસી ઍતરો ત કૈયું .
( અત્યારે આ મોટી સેવા કહેવાય … તમે આવડું બધું કરો છો તો અમે આટલું તો કરીએ)
અંતિમ વિધિ પછી અસ્થિ સાચવવા માટે નાની માટલીની જરૂર પડે. આમ તો વર્ષોથી એક કુંભાર ભાઈ અહીં એ પહોંચાડે છે.પણ આકસ્મિક જરૂરીયાત ઉભી થતા માટલીની પણ અછત ઉભી થઇ.
કેટલાય સ્વયંસેવક મિત્રો અલગ અલગ સ્થળે થી થોડી થોડી માટલીઓ લઈને આવ્યા. હું પૂછું તો કહે, ભાઈ ડબલ ભાવ આપતા માંડ મળે છે.
હું જે રેગ્યુલર અહીં માટલી મોકલે છે એ કુંભારભાઈની પાસે ગયો. કહ્યું …
ભા .. માટલી ગચ જ ખપધી
( માટલી ઘણી જોઈશે ) કેમ કરશું ?
તે કહે
મલી વેંધી
( મળી જશે )
મેં પૂછ્યું
એક નંગ ના કેટલા રૂપિયા ?
તે કહે
તમે પહેલા આપતા હતા એનાથી પણ 3 રૂપિયા ઓછા
મેં કહ્યું ..
હેં ? એમ કેમ ? ગામમાં તો ડબલ ભાવ ચાલે છે હમણાં
બાજુમાં એના વૃદ્ધ મા બેઠા હતા … તરત જ બોલ્યા …
સે .. ભા … મથેવારે જે ઘરે આંકે ને અસાંકે બૉય કે હસાબ ડીણો પોન્ધો કે ન ?
ને ડબલ રૂપિયા ગની ને રખણા પણ કેડા ?
હી મડે વનેતા સે ક્યા મથે ખણી વનેતા.
અસાંકે વધુ ન ખપે ભા . ને હી 3 રૂપિયા ઓછા ગનુતા સે મથેવારે વટે અસાંજા જમા ત થીંધા ને !! બસ ઍતરો ઘણે આય.તે .. ભાઈ … માથેવાળાને અમને અને તમને બન્ને ને હિસાબ તો આપવો પડશે ને કે નહીં
ડબલ રૂપિયા લઈને રાખવા પણ ક્યાં ?
આ બધા જે માથે જઈ રહ્યા છે તેમાંથી કોણ શુ માથે ભેગું લઈ ગયું ??!!
અમને વધુ ન જોઈએ ભાઈ … ને આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને ?! બસ એટલું અમને ઘણું
આટલા 10 દિવસમાં શહેરમાંથી કેટલાય મુસ્લિમ મિત્રો ટ્રેકટર કે નાનો ટેમ્પો ભરીને લાકડા આપી ગયા. એ પણ ક્યાંય નામ ન લખવા કે ન આપવા નું કહી ને !
કેટલાય મજૂરો ઓછી મજૂરી લઈ ગયા તો કેટલાકે સાવ જ ન લીધી , કેટલાય ટેમ્પો વાળા ભાડું લીધા વગર ગયા તો કેટલાકે માત્ર ડીઝલના રૂપિયા લીધા.
માનવતાનો આવો દાખલો શીખવા જેવો આપણે સૌએ. આપણાથી થાય એટલી મદદ પહોંચાડીએ એ જ સાચો માનવધર્મ.