કહેવાતાં સાધુઓનાં સ્ત્રીઓ સાથેના શારીરિક અડપલા કે શારીરિક ચેષ્ટાથી લઈને સજાતીય સંબંધ સુધીનાં કિસ્સા હવે આપણાથી જરાય અજાણ્યાં નથી. આભાર આ સોશીયલ મીડિયાનો કે કહેવાતાં ઉચ્ચ પવિત્ર ભદ્ર વર્ગનાં આવા બધાં કાંડ આપણી સમક્ષ ખોલી નાખ્યાં. સોશીયલ મીડિયા નહોતું ત્યારે આવા કિસ્સાઓ નહોતાં બનતાં એવું નહોતું પણ એનાં આવ્યા પછી આં બધુંય જન સામાન્ય સુધી પહોંચવા લાગ્યું.
હવે તો LGBTQ એ ગુનો પણ નથી. સેક્શન-૩૭૭ ને નાબૂદ કરીને વૈક્તિક સ્વતંત્રતા કહો કે અંગત સ્વતંત્રતા કહો કે જાતીય સ્વતંત્રતા કહો એ દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. પણ..પણ કોઈની મરજી વિરુદ્ધ કોઈપણ જાતનું આચરણ કરવું એ દુષ્કૃત્ય છે.. એ બળાત્કાર છે. અમુક બળાત્કારના કિસ્સઓમાં તો લોકો ઉછળી-ઉછળીને બોલતાં હોય છે પણ આવા કિસ્સામાં મૌન રાખી લે છે. કેમ? સમાજમાં એને અભદ્ર માની લેશે એવો છુપો ડર છે? અધાર્મિક વ્યક્તિ તરીકે ગણાય જશે એનો ડર? મોટી સંસ્થાઓ સામેનાં કેસમાં પોલીસ પણ તપાસ સરખી રીતે નથી કરતી કે નથી કરી શકતી એવા પણ કિસ્સાઓ બહાર આવ્યા છે.
હમણાં જ ગઢડા સ્વામિનારાણ મંદિરનાં બે સાધુઓને તડીપાર કરવામાં આવ્યાં!!! સાધુ અને તડીપાર! થોડાં સમય પહેલાં એક કિસ્સો વડતાલ મંદિરનો ય બહાર આવ્યો હતો એ એકલાં વાંચતાં-વાંચતાં ય શરમ આવે અને ધૃણા ઉપજે એવો કિસ્સો છે. અને આવી ઘટનાઓ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહિ પણ ઘણાં બધાં સંપ્રદાયોમાં બને છે. આવા કિસ્સાઓ વારંવાર બન્યા કરે છે એ બધાં પાછળનું કારણ શું છે? કુદરતી રીતે જ મળેલી જાતીય વૃત્તિ? કે બ્રહ્મચર્ય?
પણ જાતિય વૃત્તિ તો કુદરતી છે. તો બ્રહ્મચર્ય?
બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મ જેવું આચરણ જે કરે એને બ્રહ્મચર્ય પાડ્યું એમ કહી શકાય અથવા તો જેના વડે બ્રહ્મ મળે એવી ચર્યા એટલે બ્રહ્મચર્ય, એવી સામાન્ય વ્યાખ્યા છે. ખાલી ને ખાલી સ્ત્રીસંગ ના કરવો એને જ જો આપણે બ્રહ્મચર્ય માનતા હોઈએ તો એ આપણી અજ્ઞાનતા છે. બ્રહ્મચર્ય એ માનસિક કે શારીરિક સ્ત્રીસંગની આપણી સંકુચિત માન્યતાથી ઘણું વધારે છે. આપણે બનાવી નાખેલી બ્રહ્મચર્યની આવી કુંઠિત વ્યાખ્યા પર ફરી એક વખત વિચાર કરવો પડશે. સેક્સ જેવી પવિત્ર વસ્તુને આપણે એટલી વિકૃત બનાવી દીધી કે હવે આપણાથી ભૂલથી પણ એ શબ્દ ઉચ્ચારાઇ જાય તો અભદ્રમાં ગણતરી કરી લેવામાં આવે!
સંસ્કૃતિની બેફામ બડાશો ફૂંકતા કહેવાતાં અમુક સાધુઓનાં જીવનમાંથી વિકૃતિની ગંદી બૂ આવે છે. અને કાં તો એ લોકો સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો ફરક ભૂલી ગયાં હશે! અને છતાંય આવા જ કહેવાતા ઘણાં સાધુઓ તો એવી ડંફાસો મારે છે કે સાધુનો એટલો મહિમા હોવો જોઈએ કે સાધુ એક હજાર નગ્ન સ્ત્રીની વચ્ચેથી નગ્ન પણ બહાર નીકળે તો એમનાં ચારિત્ર્ય પર શંકા માત્ર પણ ના થવી જોઈએ!
જીવનનાં બધાં જ આયામોમાંથી પસાર થયાં વગર આધ્યાત્મિક અનુભૂતિ કઈ રીતે થઇ શકે? યાદ કરો.. કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર, જિસસ કે પયગમ્બરને! અપવાદ વિવેકાનંદ જેવાં મહાન વિરલ વિશ્વવિભૂતિ તો ભાગ્યે જ મળે!
એ તો ઠીક ભાઈચારો અને બંધુતાનાં જાહેર પ્રવચનો કરતાં સાધુઓને એક વખત પૂછવું જોઈએ કે એક જ સંપ્રદાયમાંથી અનેક ફાંટા પડી ગયા છે એમાં કેમ ભાઈચારો નથી લાવી શકતાં? અને કેમ ફરી બધાને એક નથી કરી શકતાં? ભાઈચારો તો દૂરની વાત રહી, પણ એનાં વચ્ચેની કટ્ટરતાની પણ કોઈ સીમા નથી!
જાતિય વૃત્તિઓ પર કેટલો અંકુશ હોવો જોઈએ કે પછી બ્રહ્મચર્ય સાચું છે કે ખોટું એમાં અત્યારે નથી પડવું. પણ સંસ્કૃતિની આધુનિક વ્યાખ્યા ફાડતાં લોકોને જો સ્ત્રીસંગ કે જાતીય વૃત્તિ પ્રત્યેની સુગ કે આ બધું ક્ષુલ્લક અને નાખી દીધા જેવું લાગતું હોય તો યાદ રાખવું જોઈએ કે કામદેવ એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીદેવીના સંતાન હતાં. આપણાં મહાકાવ્યો રામાયણ કે મહાભારતના અમુક પ્રસંગો યાદ કરી લેવાં જોઈએ. કે પછી ખજૂરાહોના કે કોર્ણાક સૂર્ય મંદિરના શિલ્પો..અને બીજાં હિન્દુ મંદિરોના શિલ્પો જોઈ લેવા જોઈએ. અથવા તો વાત્સ્યાયનનું કામસૂત્ર કે પછી કાલિદાસનું મેઘદૂત કે ઋતુસંહાર વાંચી લેવું જોઈએ!