ગાંધીજીને ગાળો દેનારાઓ માટે!

હમણાં જ સ્વતંત્રતા દિવસ ગયો. ચુમોતેર વર્ષ પૂરા કરીને આપણે પંચોતેરમાં વર્ષમાં બેઠાં. ભુતકાળનાં બનાવો અને ભૂતકાળની ભૂલોથી શીખીને- એ ભૂલ ફરીથી ના થાય એ સરવૈયું કાઢીને ભવિષ્યને ઉજ્જવળ કરવાની યોજનાંઓ બનાવવામાં સૌ લાગી ગયાં.

પરંતું રાષ્ટ્ર પર્વ નિમિતે જ્યારે ‘દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ!’ જેવું આ ગીત વાગે છે કે યુવાનો પ્રશ્ન ઉઠાવે છે કે શું ચરખાથી આઝાદી મળી? ગાંધીજી ના હોત તો આઝાદી ના મળી હોત? શું ક્રાંતિકારીઓનો કાઈ રોલ નહોતો? અને પછી એક દમ હિન કહી શકાય એવું કૃત્ય- ગાંધીજીને બેફામ ગાળો દેવાનું ચાલું થાય છે. રાષ્ટ્રપિતાને ગાળો દેવામાં મહાનતા સમજતાં બુદ્ધિહીન મુરખાઓનો આપણે ત્યાં પાર નથી.

કોણ હતાં મોહનદાસ કરમચંદ ગાંધી? ગોડસે પુજકો માટે થોડી માહિતી:

અને પછી ગાંધી આવ્યાં. એ તાજી હવાના એક જબરદસ્ત જોકા જેવા હતાં અને અમે ઊંડા શ્વાસ લીધા. એ પ્રકાશના કિરણ જેવાં હતાં, જેને અમારી આંખોના પડળ ઉખાડી નાખ્યાં. એક તોફાન જેણે ઘણી વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી નાખી, લોકોનાં દિમાગો હલાવી નાખ્યાં. એ આસમાનથી ઉતાર્યા ન હતાં, એ હિન્દુસ્તાનના કરોડો લોકોમાંથી પ્રગટ્યા હતાં! આ શબ્દો હતાં પંડિત જવહરલાલ નેહરુના!

અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે: એ હજારો મુફલિસોનાં ઝુંપડા સામે ઊભો રહ્યો, એમનાં જેવા જ વસ્ત્રો પહેરીને, એણે એમની સાથે એમની જ ભાષામાં વાત કરી. અંતેં તો એ જીવંત સત્ય હતો, પુસ્તકોમાનું એક અવતરણ ન હતો. મહાત્મા, એ જ એનું સાચું નામ હતું.. ગાંધીએ આહ્વાન કર્યું અને હિંદુસ્તાન ખીલી ઉઠ્યું! એ નૂતન મહાનતામાં, પ્રાચીન કાલની જેમ, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભાતૃત્વનું સત્ય કહ્યું હતું!

જે સુભાષચંદ્ર બોઝ સાથે ગાંધીજીને વિચારભેદ થયો, અને જે સુભાષબાબુ દેશ છોડીને કામ કરવા બહાર નીકળી પડ્યાં, એ સુભાષબાબૂએ સિંગાપુરથી રેડિયો સ્ટેશન પર ગાંધીજીને ‘ફાધર ઑફ ધ નેશન’ કહ્યાં હતાં!

વીસમી સદીના મહાનતમ વૈજ્ઞાનિક ડૉ.આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજીના સિતેરમાં જન્મદિવસે અંજલિ આપી હતી: આવનારી પેઢીઓ ભાગ્યે જ એ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તની બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે!

ચોવીસ કલાક ખુલ્લી કિતાબ જેવી જેની જિંદગી હતી એ ગાંધીજી. બીજા એકેય નેતાની જિંદગી મહાત્મા ગાંધી જેટલી ખુલ્લી હોવાનું ધ્યાનમાં નથી. કદાચ આ જ કારણ છે કે ગાંધીજીને ગાળો દેવાની પૂરી સામગ્રી મળી રહે છે, જે ગાંધીજીએ પોતે જ તૈયાર કરીને આપી છે! પોતાનાં દોષોનું- પોતાની ભૂલોનું પૂરેપૂરું ભાન હોવું અને એક દમ કડક રીતે સ્વ-નિરીક્ષણ કે સ્વ-પરીક્ષણ કરવું તેમજ ભૂલોને- દોષોને- ડર્યા વગર કે શરમ વગર દુનિયા સમક્ષ રજૂ કરવાં કે કોઈ ખાવાનાં ખેલ નથી. હિમ્મત જોઈએ. જીગર જોઈએ. જે મોહનદાસ ગાંધી પાસે હતી. આપણામાંથી કેટલાં પાસે છે એવી હિમ્મત? અને ગાંધીજીની આત્મકથાનું નામ છે: સત્યનાં પ્રયોગો! અને એમાં સત્ય સિવાય બીજું કશું જ નથી!

રેબન ટાપુમાં સત્યાવીસ વર્ષ સુધી જેલમાં રહેનારા દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલાનાં જીવન પર ગાંધીજીની અસર હતી. નેલ્સન મંડેલાની આત્મકથા ‘લોંગ વોક ટુ ફ્રીડમ’માં મહાત્મા ગાંધી વિશે ઉલ્લેખ છે! મંડેલા લખે છે: અમને એ શાંતિપૂર્ણ વિરોધયાત્રાની યાદ આવી. 1913માં મહાત્મા ગાંધીએ ઇન્ડિયનોના એક જબરદસ્ત જુલુસનું નેતૃત્વ લઈને નાતાલથી ટ્રાન્સવાલમાં ગેરકાનૂની પ્રવેશ કરીને કાયદો તોડ્યો હતો!
આગળ બીજી એક જગ્યા એ લખે છે: અમે કહ્યું કે આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતાઓમાં કાનૂન તોડવાની હિમ્મત હોવી જોઈએ અને જરૂર પડે તો પોતાની માન્યતાઓ માટે જેલમાં જવાની હિંમત હોવી જોઈએ, જેવી ગાંધીમાં હતી! અને નેલ્સન મંડેલાના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો છે!

અને ગાંધીજીનો એવો જ પ્રભાવ નિગ્રો અમેરિકનન પ્રજાના દેવતાં સમાન માર્ટિન લુથર કિંગ પર હતો! એમને ગાંધીજીની રણનીતિથી અશ્વેત આંદોલન અમેરિકામાં શરૂ કરું હતું!

ન્યુયોર્કનાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે થોડાં વાક્યો લખ્યા છે, એમાં એક વાક્ય મોહનદાસ ગાંધીનું છે!

ઈઝરાયલનાં સ્થાપક ડેવિડ બેનગુરિયોના બેડરૂમમાં દીવાલ પર એક ફોટો છે અને એ ગાંધીજીનો છે!

અમેરિકન ટાઇમ સાપ્તાહિકે મેન ઓફ ધ મિલેનિયમ કે એક હજાર વર્ષના મહાપુરુષોની સૂચિમાં જે એક ડઝન નામો મૂક્યાં હતાં એ : જ્યોર્જ વોશિંગ્ટન, મહાત્મા ગાંધી, કોલંબસ, ચર્ચિલ, હિટલર, સિગ્મંડ ફ્રોઈડ..! અને 1930માં ‘ટાઇમ’ એ ગાંધીજીને ‘મેન ઑફ ધ યર’ ગણ્યા હતાં અને એમનો ફોટો સાપ્તાહિકના મુખપૃષ્ઠ પર મૂક્યો હતો!

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગાંધીજી ગયાં ત્યારે બે વિશ્વવિભૂતી ગાંધીજીને મળવા આવી હતી: જ્યોર્જ બર્નાર્ડ શો અને ચાર્લી ચેપ્લીન!

વાંચો મુંબઈ પ્રાંતના ભૂતપૂર્વ ગવર્નર બેરન લોઈડ ઑફ ડોલોબ્રાએ ગાંધીજીની દાંડીકૂચ વિશે શું કહ્યું હતું: ગાંધીએ અમને ખરેખર ધ્રુજાવી નાખ્યાં! દુનિયાના ઇતિહાસમાં આ સૌથી વિરાટ પ્રયોગ હતો અને એ પ્રયોગ સફળતાથી થોડાં જ ઇંચો દૂર સુધી આવી ગયો હતો!

‘ઇનસાઈડ એશિયા’નાં લેખક જ્હોન ગંથરે ગાંધીજી વિશે લખ્યું: એ માણસે કિસ્મત સામે યુદ્ધ કર્યું.. અને કે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું! 6

લોર્ડ માઉન્ટબેટને 1946નાં ભીષણ હિન્દુ મુસ્લિમ મહાસંહાર વખતે કહ્યું હતું: (પંજાબમાં) પચાસ હજારનું લશ્કર કોમી રક્તપાત રોકી શકતું નથી. (બંગાળમાં) ગાંધી એ વન મેન સીમાસુરક્ષા સેના છે જે સંપૂર્ણ શાંતિ લાવી શકે છે!

ફિલિપાઇન્સમાં સરમુખત્યારશાહી ખતમ થઈ જવાનું એક નિમિત્ત ગાંધી હતાં! ફિલિપાઇન્સથી અમેરિકા ભાગી ગયેલાં નીનોય એકવિનોએ ગાંઘી ફિલ્મ જોઈ અને ફિલિપાઇન્સ પાછા જવાનું નક્કી કર્યું. એ આવ્યા, અને મનિલા એરપોર્ટ પર જ સરમુખત્યાર માર્કોસે એમનું ખૂન કરાવ્યું! ક્રાંતિ થઈ ગઈ અને સરમુખત્યાર માર્કોસ ખતમ થઈ ગયો!

ચર્ચિલે ગાંધીજીને ‘અર્ધનગ્ન ફકિર’ કહ્યાં હતાં. અને હિટલરે ‘વિદૂષક તાંત્રિક’ કહ્યાં હતાં!

નોબેલ પ્રાઈઝ વિનર લેખિકા પર્લ બકે કહ્યું હતું કે: એ મનુષ્યજાતિ સર્વકાલીન મહાન મનુષ્યમાં સ્થાન પામે છે અને માનવ ઇતિહાસના પૂરા કાલખંડમાં એમનાં જેવા બહું ઓછા આવ્યાં છે!

ગાંધીજીની હત્યાનાં પચાસ વર્ષ પછી હોંગકોંગના એશિયાલિક સાપ્તાહિકે તંત્રીલેખ લખ્યો: પચાસ વર્ષ પછી મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મરણોપરાંત આપીને નોબેલ કમિટીએ પોતાની વિરાટ ભૂલનો પશ્ચાતાપ અને તર્પણ કરી લેવું જોઈએ!

અમેરિકન પત્રકાર લૂઈ ફિશરે લખ્યું હતું કે: હું લેનિન, ચર્ચિલ, રૂઝવેલ્ટ, સ્ટાલિન, એટલી, આઈન્સ્ટાઈન ને મળ્યો છું. પણ ગાંધી કરતાં વધારે ચમત્કારિક માણસને હું મારી જિંદગીમાં મળ્યો નથી!

1981માં પાકિસ્તાનનાં પ્રથમ વડાપ્રધાન લિયાકતઅલી ખાન મરહુમની વિધવા રાના લિયાકતઅલી એ એક વાત ચંદ્રકાંત બક્ષીને કહેલી: પ્રોફેસર બક્ષી! તમને લોકોને ઈંડિયામાં ખબર નથી, ગાંધીએ તમારે માટે શું કર્યું છે? ગાંધીએ 1919માં મુંબઈમાં સારા ઘરની સ્ત્રીઓને રસ્તા પર લાવી હતી, દેશની આઝાદીના સંગ્રામ માટે! આજે (1981માં) પાકિસ્તાનમાં સ્ત્રીઓની હોકી ટીમને અમે ઓલમ્પિકમાં મોકલી શકતાં નથી! હિન્દુસ્તાનના ઇતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!

અને મોહનદાસ કરમચંદ ગાંધીએ કહ્યું હતું: મારી બધી જ શક્તિ ઈશ્વર છે. આખી દુનિયા મારી વિરૂદ્ધ હોય, આખી દુનિયા એની ના પાડે, તો પણ હું જાણું છું કે એ સત્ય છે, તો હું એકલો ઊભો રહીશ!

લખી રાખો. ગોડસેપૂજકો કે અક્કલહિન બદમાશો ગમે એટલી મહેનત કરી લે, પરંતુ મહાત્મા ગાંધીની પ્રતિભાને સહેજ ય આંચ નહિ આવે. મોહનદાસ કરમચંદ ગાંધી ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ છે!

તણખો


સ્વર્ગમાં ઈશ્વરે ગાંધીની હત્યાનો અવાજ સાંભળ્યો. બુઢ્ઢા ઈશ્વરે ચશ્મા ઉતાર્યા અને એક આંખમાંથી એક આંસુ ખરી ગયું…!
~ગાંધીજીની હત્યાં થઈ ત્યારે બ્રાઝિલની એક કવિયિત્રીએ લખેલી અંજલિકડી.


© ડૉ.ભાવિક આઈ. મેરજા

Related posts

Leave a Comment