..તો કોરોનાની સેકન્ડ વેવ આવી, આવવાની જ હતી!

વૈજ્ઞાનિકો એ આગાહી કરી જ હતી. કોરોનાની સેકન્ડ વેવ આવશે. મોટાં ભાગનાં વાઇરસ મ્યુટેટ થાય. અને મ્યુટેટ થયેલા વાયરસ પર-જૂની દવાઓ વધું અસરકારક કામ કરી શકે નહિ, એટલે નવો મ્યુટેટ થયેલો વાયરસ વધું તારાજી સર્જી શકે, એવી સામાન્ય વૈજ્ઞાનિક સમજ આપણે ધ્યાને લીધી નહિ. સરકારે અને તંત્રએ પણ આંખ આડા કાન કર્યા. કોરોના જતો જ રહ્યો એવાં ભ્રમમાં લોકો રાચવા લાગ્યાં.

ચૂંટણીઓ કરી. મેળાવડા કર્યા. જંગી બહુમતિઓ ય મેળવી. અને કોરોનાને સાઈડલાઈન કરી દીધો! પણ કોરોના આપણો બાપ નીકળ્યો. એ આવ્યો. બમણી તાકાત લઈને. ઘાયલ સિંહની જેમ. અને આપણને બધાને એનાં સકંજામાં લઈ લીધાં.

છેલ્લાં દોઢ મહિનામાં આખા દેશમાં કટોકટીનું વાતાવરણ ઊભું થઈ ગયું. કોરોના સિવાય બીજી કોઈ વાત કોઈ પાસે નથી, એટલાં લોકો આની અંદર સપડાયાં. પહેલી વેવ કરતાં બીજી વેવ ઘણી ઘાતક પુરવાર થઈ. પહેલી વેવનાં અનુભવ પછી ય એટલી આંતર-માળખાકીય સુવિધા ઊભી કરવામાં સરકાર અને તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું.

પણ આપણા લોકપ્રિય નેતાઓ આશ્વાસન આપી રહ્યા છે કે આપણી પાસે બધું ઉપલબ્ધ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરિસ્થિતિ કંટ્રોલમાં છે વગેરે વગેરે… જાનવરોને નાક કાન જેવું હોય છે, પણ રાજનેતાઓને નાક-કાન કે આંખો હોતાં નથી. એટલે ગ્રાસ-રૂટ લેવલ પર શું બની રહ્યું છે એ ના તો કંઈ દેખાય છે, ના તો કંઈ સંભળાય છે!

આપણા માટે- આપણા સ્વજનો માટે હોસ્પીટલમાં બેડ શોધવા, ઓકસીજન શોધવા, વેન્ટિલેટર શોધવા, દવા-ઇંજેક્શન શોધવાં- આપણે કેટલાં કોલ ઘુમાવ્યા છે, કેટલું રખડ્યા છીએ, કેટલું કરગરિયા છીએ, કેટલાં હેરાન થયાં છીએ, એ આપણે બહું સારી રીતે જાણીએ છીએ. આપણા સ્વજનો કે આડોશી-પાડોશીમાંથી કોઈ ‘ને કોઈ- આપણી નજરે મરતાં જોયા છે. જે માણસ કલાક પહેલાં આપણી સાથે હતું, જેનાં માટે દોડ-ધામ કરતાં હતાં આપણે એ આપણને છોડીને જતું રહ્યું હોય એવું બન્યું છે. કોઈ પણ વ્યક્તિની નિયતિ નક્કી હોય છે એવું આપણા શાસ્ત્રો કહે છે, પરંતુ સુવિધાના અભાવે કોઈ વ્યક્તિ હેરાન થાય કે મૃત્યુ પામે એ ભાગ્ય કે નિયતિમાં ના લેખાય, પરંતુ એ બેદરકારીમાં લેખાય. પણ સતાં પક્ષ સ્વીકારશે નહિ. પોતાની ભૂલને સતા પક્ષો સ્વીકારી શકે નહિ. ખાસ તો સતા પક્ષનાં નેતાઓ અહંકારથી ગંધાતા હોય ત્યારે.

બીજી વેવ આવી ત્યારે ગુજરાતનાં ઘણાં બધાં હેલ્થ સેન્ટરોમાં રેપિડ ટેસ્ટ કીટ ય નહોતી! મોરબીથી ખાલી રેપિડ ટેસ્ટની કીટ લેવાં માટે લોકોએ રાજકોટ સુધી ધક્કા ખાધેલા છે. તદન બેઝિક કહેવાય એવી વસ્તુની અછત એ તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે.

પહેલી વેવ વખતે આપણાં માનનીય મુખ્યમંત્રી અમેરિકાને દવા એક્ષપોર્ટ કરવાની મોટી-મોટી વાતો કરતાં હતાં. અને બીજી વેવમાં દવાઓ અને ઇંજેક્શનની ભયંકર અછત થઈ. ફિઝીસિયનો તો ઠીક સરકાર પાસે ય ઇંજેક્શન નહોતાં મળી રહ્યાં ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પાંચ હજાર જેટલાં ઇન્જેક્શનનો મેળ કરી લાવેલાં! રેપિડ ટેસ્ટ કીટની ભારે અછત ગામડાઓનાં હેલ્થ સેન્ટરોમાં હતી, પણ ભાજપનાં કેટલાક કાર્યાલયે ડોમ નાખીને રેપિડ ટેસ્ટ થતાં હતાં!

આખો દેશ કોરોનાનાં ભરડામાં છે. અને હમણાં સુધી આપણાં વડાપ્રધાનશ્રી અને બીજાં કેન્દ્રિય મંત્રીશ્રીઓને પશ્ચિમ બંગાળની ચુંટણીની પડી હતી. રેલીઓ , સભાઓ અને રોડ-શોની પડી હતી! સાહેબ, ચોખ્ખું કહી દો ને કે લોકો જીવે-મરે એની સાથે અમારે કોઈ સંબંધ નથી, અમારે સંબંધ અમારી સતા માટે છે.

તાત્કાલિક નિર્ણયો ના લઈ શકવાની અણ-આવડતને લીધે વાહિયાત કહી શકાય એવાં ઘણાં નિર્ણયો સરકારે લીધાં. નિર્ણયો સરકારે લોકોને સહાયભૂત થવાં માટે લીધાં, પણ દીર્ઘ-દૃષ્ટિનાં અભાવે લેવાયેલાં નિર્ણયોનાં લીધે લોકોની સ્થિતિ પડ્યાં પર પાટું મારવા જેવી થઈ. લોકોની હેરાનગતિ એનાથી ઓર વધી ગઈ. સરકાર પાસે સલાહકાર સમિતિનાં સચિવો પણ અભણ અને નિરક્ષર છે કે શું?

ચુંટેલા ધારાસભ્ય તો ઠીક એમનાં પી.એ પણ કોઈનાં ફોન ઉપાડતાં નથી, અને સ્વીચ ઑફ કરીને બેસી ગયાં છે. હદ તો ત્યારે થાય કે જ્યારે આપણા જિલ્લાના કલેકટરશ્રી અને પ્રાંત અધિકારી ય પોતાનાં મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતાં હોય! કરે તો કરે ક્યાં? જેવી સ્થિતિ નાગરિકોની થઈ ગઈ છે.

અચાનક આવી પડેલી વિપત્તિ સામે કોઈ નાગરિક તો શું કોઈ દેશ પણ તૈયાર હોતો નથી. પરંતુ, આફત આવ્યાં પછી એને નિવારવા માટે આપણે શું પગલાંઓ લીધાં? કેટલાં પગલાંઓ અસરકારક રહ્યાં અને આફત એના થકી કેટલી નિવારી શકાઈ- એ મહત્વનું છે. આપણી- દેશની કટિબદ્ધતા એનાથી નક્કી થતી હોય છે. અણધારી આવી પડેલી વિપત્તિ સામે આપણે કેટલાં કટિબદ્ધ બની શક્યા છીએ? એ સવાલ પર હર એક માણસે વિચાર કર્યા જેવો છે.

મોટી આફત વખતે માત્ર સરકારનાં કે તંત્રના જ છબરડાઓ નથી દેખાતાં. આપણી નાગરિક તરીકેની ભૂલો-મૂર્ખામીઓ પણ દેખાય છે! એ તરફ પણ નજર કરવી એટલી જ આવશ્યક છે.

પણ, મિત્રો આ બધું ભૂલતાં નહીં. આપણે વેઠેલી હેરાનગતિઓ, આપણને ભ્રમમાં રાખવા બતાવેલા ખોટાં આંકડાઓ, દવા-ઇન્જેક્શન માટેની દોડ-ધામ, હોસ્પીટલમાં બેડની- ઓકસીજનની- વેન્ટિલેટરની અછત, સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે લાઈનો. આ બધું જ નજરે-નજર રાખજો. અને યાદ કરજો આ વખતે આપણા નેતાઓ-અધિકારીઓ શું કરતાં હતાં? ચૂંટણીનાં તાયફાઓ, સતા ટકાવી રાખવા પ્રયત્નો, આપણને ઉલ્લું બનાવવાના નુસ્ખાઓ, ખિસ્સા ભરવાના કારસ્તાનો! સામાન્ય નાગરિક તરીકે સરકારનાં નિર્ણયો લેવા એ આપણા હાથમાં નથી. પણ કેવી સરકારને ચૂંટવી- કેવાં નેતાઓને ચૂંટવા, એ આપણા હાથમાં છે. મારા અને તમારા હાથમાં એક મતનું મૂલ્ય છે! મતદાન કુટિરમાં બટન દબાવતાં પહેલાં એક વાર આ બધું જ યાદ કરી લેજો.

તણખો


નગ્ન_રાજા!

બધાં જુએ છે કે રાજા નગ્ન છે,તો પણ
સહુ તાળીઓ પાડે છે
અને જોરશોરથી બોલે છે, શાબાશ,શાબાશ!
કોઈના મનમાં સંસ્કાર, કોઈના મનમાં ભય;
કોઈએ તો વળી પોતાની બુદ્ધિ અન્ય પાસે
ગીરવે મૂકી છે;
કોઈ વળી સામાને ફોલી ફોલીને ખાનારા
કોઈક કૃપાપ્રાર્થી,આશાવાદી-ઉમેદવાર, ધૂર્ત;
કોઈક વિચારે છે,રાજનું વસ્ત્ર ખરેખર ખૂબ જ
પાતળું છે,
નજરે ચડે એવું નથી પણ છે ખરું,
આખરે, વસ્ત્ર છે એમ માનવું ખોટું નથી.

આ વાર્તા બધાં જાણે છે.
પરંતુ આ વાર્તામાં
નર્યા વખાણ કરનારાં કેટલાંક
નખશિખ ડરપોક,ખટપટિયાં કે અણસમજુ
ભાટાઈ કરનારાં જ નહોતાં.
એક બાળક પણ હતું.
સત્યવાદી,સરળ, સાહસિક એક બાળક.

વાર્તાનો રાજા વાસ્તવ જગતના જાહેર રસ્તા પર
ઉતરી આવ્યો છે.
ફરી પાછી વારંવાર પડતી તાળીઓ,
ભાટાઈ કરનારાઓનાં ટોળેટોળાં
પણ એ બાળકને
આજે આ ભીડમાં હું ક્યાંય જોઈ શકતો નથી.
ક્યાં છે એ બાળક? શું કોઈયે એને પહાડની
કોઈ અજાણી ગુફામાં સંતાડી રાખ્યું છે?
કે પછી પથ્થર-ઘાસ-માટી સાથે
રમતાં રમતાં
સુઈ ગયું છે
કોઈક દૂર
નિર્જન નદીને કિનારે કે કોઈક
વૃક્ષની છાયામાં?
જાઓ,ગમે ત્યાંથી શોધી લાવો,
આવીને એકવાર એને નગ્ન રાજાની સામે
નિર્ભયતાથી ઊભું રહેવા દો,
આવીને એકવાર એને તાળીઓ પાડતાં પાડતાં
ઊંચે સાદે પૂછવા દો;
રાજા, તારા કપડાં ક્યાં છે?

 

બંગાળી કવિ- નીરેન્દ્રનાથ ચક્રવર્તી
અનુવાદ: નલિની માડગાંવકર


ડો.ભાવિક આઇ. મેરજા

Related posts

Leave a Comment