કુરિવાજો:વિકાસશીલ સમાજમાં રહી ગયેલો સડો

રિવાજ શબ્દ બહું ભયાનક છે. રિવાજોની સમાજ પર જેટલી હકારાત્મક અસરો છે એટલી જ ભયાનક અસરો પણ છે. રિવાજોને સમજ્યા વગર મુર્ખ બનીને અનુસરવા એ આપણી આદત થઇ ગઈ છે.

બ્રાહ્મણ દ્વારા લગ્નવિધી કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એનાથી કોઇ વિરોધ નથી પણ એ વિધી શા માટે? આ પ્રશ્નનો જવાબ આપણામાંથી અને ખાસ કરીને જે લગ્નગ્રંથી જોડાય રહ્યા છે એની પાસે છે? જો જવાબ ના હોય તો એ વિધીનો કોઇ અર્થ સરે એ માની શકાય એવું છે?

એક સમયમાં દરિયાપાર ના જવાનો રિવાજ હતો. જો એ રિવાજ હજુંય ચાલું હોત તો અત્યારે આપણે કઇ હાલતમાં જીવતાં હોત એની કલ્પના કરી શકીએ છીએ?
કુરિવાજોનું વલણ હજુંય એટલું જ અકબંધ છે! એકાદ-બે ઉદાહરણ આપું?

સરદાર વલ્લભભાઈ પટેલે એમના બાપુના મૃત્યોપરાંત દાળાપ્રથા નાબુદ કરવાની હિમાયત કરેલી અને એના માટે ભાઈઓ અને નાતનો વિરોધ પણ સહન કરવો પડેલો. એની એકાદ સદી વિતી ગઇ હોવા છતાંય હજુંય આપણે એને નાબુદ કરી શક્યા છીએ?

હિંદુ ધર્મમાં શિતળા સાતમે હજુંય શિતળામાતાની કથા કરીને ચુલો ઠારવાનો રિવાજ મોજુદ છે. અને એ પણ ગામનાં ગોરબાપા આખા ગામને બધું સમય ‘ને એવું નક્કી કરીને આપે!(કે મોટે ભાગે જેને ધર્મ કે શાસ્ત્રોનું પાંચીયાનુંય જ્ઞાન નથી હોતું.) હજુંય અમુક ગોરબાપાના મોઢે અમુક વિધીમાં,’પૃથ્વી શેષનાગની ફેણ પર ટકેલી છે અને જ્યારે પાપ વધી જાય ત્યારે એ પોતાની મરજી મુજબ નરસંહાર કરે છે.’ આવી કથાઓ સાંભળી છે! પોતાની પંડિતાઇનો દંભી દાવો કરતાં આવા લોકોની આપણે ત્યાં કમી નથી!

રિવાજો પર પ્રશ્નો ઉઠાવવાનારા લોકોને અસભ્ય માની લેવામાં આવે છે! અને ઘણાંખરાને તો ડર છે કે પ્રશ્ન કરવાથી ભગવાન,અલ્લાહ,જીસસ કે જેમને પણ માનતા હોય એ નારાજ થઇ જશે તો? ભગવાનને આટલા નાના માની લેવા કે ખાલી એ આપણા પ્રશ્નાર્થથી નારાજ થઈ જાય એ આપણી સંકુચિત માનસિકતા દર્શાવે છે.અને ભક્તના પ્રશ્નોનું સમાધાન જો ભગવાન ના આપી શકે તો બીજું કોક્ણ આપવાનું? ડરના લિધે(કુટુંબના, સમાજના કે કોઇપણ) કુરિવાજોને અનુસર્યા કરવા એ આપણાં નમાલા હોવાની સાબિતી છે.

રિવાજો ઘણેખરે અંશે તર્કશુન્ય જ હોય છે. રિવાજો સ્વૈચ્છીક હોય તે જ સ્વિકાર્ય છે. રિવાજો બંધન બને તો એ અસ્વિકાર્ય છે.કોઇ રિવાજને વ્યક્તિગત રીતે મુક્તપણે અનુસરવામાં આવે એમાં જ એનું સાતત્ય રહેલું છે. ખાલી ‘ને ખાલી રિવાજોમાં અટવાઇ ગયેલા માણસની વિકાસ ક્ષીતિજ બહું લાંબી બની શકતી નથી. જો રિવાજ માણસના વ્યક્તિત્વ વિકાસમાં આડખીલી રૂપ બને તો એ રિવાજને અનુસરવો કે કેમ એ પ્રશ્નાર્થ પોતાને કરી લેવો જોઇએ! ક્યાંક વાંચેલું કે,’કોઇ રિવાજ એટલા માટે સાચો ના હોય શકે કે એ વર્ષોથી ચાલ્યો આવે છે કે વર્ષોથી અનુસરાય રહ્યો છે.’ આ બળવતર વાક્ય પર નિરાંતે વિચાર કરવાં જેવો છે!

કુરિવાજો એ ચૈતસિક વિકાસની આડે આવતું મહાન અવરોધક પરિબળ છે એ આપણે જેટલું વહેલું સમજી જાય એટલું આપણા માટે ફાયદાકારક છે. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે આપણો ચૈતસિક વિકાસ થવા દેવા ઇચ્છીએ છીએ કે નહી?

તણખો


શિક્ષિત વ્યક્તિ ભાગ્યનું અસ્તિત્વ સ્વીકાર કરી શકે નહીં!
~ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર


© ડો.ભાવિક આઇ મેરજા

Related posts

Leave a Comment