અચ્છા ખાસા બૈઠે-બૈઠે ગુમ હો જાતા હૂં; અબ મેં અક્સર મેં નહીં રહતા,તુમ હો જાતા હૂં!

આ સરોવર કાંઇ તારી પ્રેયસી છે? તો તું ક્યારનો એને નિષ્પલક તાકી રહ્યો છે? અહીં આવીને,મને મુકીને- સરોવરની સામે તાક્યા કરવાનું અને મારો એક હાથ તારા હાથમાં લઇને એની ઉપર સતત આંગળી ફેરવ્યા કરે છે એનું કારણ મને આજ સુધી સમજાતું નથી’,તું મારી આંખ આગળ તારો હાથ ફેરવીને પુછે છે.

પણ હું શું જવાબ આપું? તું જ કહે છે ને કે,’અમુક અનુભુતિને વર્ણવવાનું કૌશલ્ય ઇશ્વરે તને નથી આપ્યું.અને આ બાબત માટેની મારી શિકાયત હંમેશા રહેશે!’

પણ, મને ખબર છે હવે તું મને બોલાવીશ નહી. બેસવા દઇશ મને એમ જ. પણ હું ઇચ્છું છું કે જ્યારે હું આમ આંતરમનમાં ખોવાઈ જાઉ ત્યારે તું મને એમાંથી જગાડે.
આંતરમનમાં ખોવાઇ જવાનું કારણ તને જ- તારાં જ-આપણાં જ- સ્મરણોને વાગોળ્યા સિવાય બીજું શું હોય શકે? પણ, જ્યારે સાથે તું છે જ તો સ્મરણોને વાગોળ્યા કરવાનું કારણ શું?આ જ તો માયા છે મીરા!

હું વારંવાર કહું છું ખબર છે ને કે,’ જેટલી વખત આપણે અહી બેસ્યા છીએ એટલી વખત મને લાગ્યું છે કે શાંત પાણીમાં આપણાં આંતરજગતને શાંત કરી દેવાની અદભુત તાકાત છે. એ આપણી અંદરના અવકાશને સંપુર્ણ પણે ખોલી નાખે છે.’ ફરી હું મારો એ જ જુનો ડાયલોગ મારીશ કે,’ અને એ અવકાશમાં તું જ ભરાય જાય છે, આખે આખી તું!’ અને તારો ચહેરો હંમેશાની જેમ થોડીક શરમથી ગુલાબી થઇ જશે! આ દ્રશ્ય મને કેટલું ગમે છે!

મને ખબર છે, હવે તું કશું નહી બોલે. આપણું મૌન ચીખશે. એ આજુંબાજુંના આખા વાતાવરણને ઢંઢોળી નાખશે. અને પુછશે કે, ‘શાશ્વત સંબંધની નિયતી શું હોય છે? કે પછી શાશ્વત સંબંધની કોઇ જ નિયતી નથી?’ આ પ્રશ્ન કેટલો બેહુદો લાગે છે નહીં!?

આ સંબંધોનું ગણિત તને કે મને ક્યારેય સમજાયું જ નથી! આ બાબતની ચર્ચા વખતે આપણા બંનેનો એક સાથે એક જ ઉદ્ગાર નિકળે છે નહીં કે,’સંબંધમાં તે કાંઇ થોડું ગણિત હોતું હશે!’

‘તને વર્તમાનમાં જીવતાં આવડે છે કે નહીં?’ અચાનક જ તું મને ખીજાઈને પુછે છે.
હું નીંદરમાંથી જાગી જાઉં છું. સફાળો બેઠો થઇ જાઉં છું. અને જોઉં છું તો મારી બાજુંમાં તું નથી.

અચાનક આંખ સામે આવે છે એ દિવસ.આપણી ખુશીનો એ દિવસ કે જ્યારે આપણી શાશ્વતીને પ્રમાણપત્ર મળવાનું હતું! પણ એ ના થઇ શક્યું. અને એમાં તે તારું પણ જીવન ગુમાવ્યું.

‘હાં, મને વર્તમાનમાં જીવવાનું ફાવ્યું જ નહી!’
તું મને કહેતી કે,’ભવિષ્યકાળ એ ભ્રમણામાં રચ્યાપચ્યા રહેવાનો કાળ છે!’ એ આજે કેટલું સાચું લાગે છે!

કેટલાં વર્ષો વિતી ચુક્યા છે આ વાતને.હું નોકરીમાંથી નિવૃત થઇ ગયો એનાય પાંચેક વર્ષ થવા આવશે. પણ હું તો હજુંય ત્યાંનો ત્યાં જ છું!

મીરા તું વર્તમાનમાં જીવી શકી. મે તને કેટલી વાર એક ‘ને એક જ પ્રશ્ન પુછ્યા કર્યો છે કે,’તારે ભવિષ્ય સાથે કોઇ સંબંધ જ નથી કે શું?’ હજુંય આ સવાલનો કોઇ જવાબ નથી! હું તો હજુંય ભુતકાળમાં જીવું છું. આ પૃથ્વી પર કોઇ ‘ને કોઇ સ્વરૂપે તું પાછી આવીશ જ એવી ઇચ્છા આજે ય રહ્યા કરે છે!

કાલ આખી રાત વરસાદ વરસ્યો છે. આપણા જુનાં પત્રોને વાંચતાં-વાંચતાં જ હું સુઇ ગયેલો!

હવે હું જાઉ છું.એ જ સરોવરને કાઠે. આજે ફરી હું પેલો બેહુદો લાગતો સવાલ કરીશ કે,’શાશ્વત સંબંધની નિયતિ શું હોય છે? કે પછી શાશ્વત સંબધની કોઇ જ નિયતિ નથી?’
અને એક છેલ્લી વાત કહું,મીરા? ત્યાં મેં એક બાંકડો મુકાવ્યો છે, જ્યાં આપણે બેસતાં. અને એનાં પર અક્ષરો કોતરીને મેં લખાવ્યું છે,”મીરા હજુંય જીવે છે!”

-ડો.ભાવિક_મેરજા

(ટાઇટલમાં મુકેલો શેર અનવર શઉરનો છે.)

Related posts

Leave a Comment