- સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજનાં આચાર્ય તરીકે સેવા આપી છે
- ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પણ લખ્યા છે
ગુજરાત: રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતનાં આચાર્ય ડો.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરવામાં આવી છે.
ડો.મધુકર પાડવીનો જન્મ.03-03-1961નાં રોજ તાપી જિલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતેથી કરેલ છે. તેઓ એમ.ટી.બી.આર્ટસ કોલેજ, સુરતમાં લેકચરર તરીકે તા.01-03-1986થી હિંદીનાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતાં. અને તેઓ 1997થી હિંદી વિભાગનાં અધ્યક્ષ અને પી.જી.ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી હતી. નવે. 2009થી એમ.ટી.બી. કોલેજ, સુરતનાં આચાર્ય તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.
ડો. મધુકર પાડવીએ ‘નિર્મલ વર્મા કી કહાનીઓ કા આલોચનાત્મક અધ્યયન’ અને ‘નિર્મલ વર્મા ઔર મધુરાય કી કહાનીયોં કા તુલનાત્મક અધ્યયન’ વિષય પર મહાશોધ નીબંધ લખીને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તે સાથે જ તેઓએ હિંદી તથા ગુજરાતી ભાષામાં પુસ્તકો પણ લખ્યા છે.
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ઓકટોમ્બર-2017થી વોકેશનલ ટ્રેનિગ સેન્ટરનાં મકાનમાં રાજપીપળા ખાતે કાર્યરત છે.