આપણે સત્યને આધાર આપવા અસત્ય અને અસત્યને બળવાન બનાવવા સત્ય બોલીએ છીએ!

જીવન એક રહસ્ય છે. વારે-વારે જીવનમાં નવા-નવા રહસ્યો ઉમેરાતા રહે છે. શેક્સપિયરનાં હેમ્લેટની જેમ ‘To Be Or Not To Be!’ આ કે પેલું? આમ કે તેમ? એવા પ્રશ્નો સતત ઉદ્દભવતા રહે છે. આપણે સૌ આ રહસ્યને પામવાની મથામણમાં હોય છીએ. આપણે તો અગમ રસ્તા પરનાં મુસાફિરો છીએ. બશીર બદ્રએ લખ્યું છે ને કે મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી! અને આમ જ આપણે સૌ અલગ અલગ રસ્તેથી આવીને એક મંઝિલ પર ભેગા થઈ જશું!

તાજેતરમાં જ અલગારી જીવ એવાં આદરણીય સુભાષ ભટ્ટનાં ત્રણ પુસ્તકો ‘જીવનનામા’, ‘અનહદ બાની’, અને ‘બેહદ બાની’નું વિમોચન નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરવામાં આવ્યું. સુભાષ ભટ્ટનાં અલગ-અલગ લેખોનો એમાં સંગ્રહ કરેલો છે. સુભાષ ભાઇની જીવનની ખોજ આ લેખોમાં ઉપસી આવે છે. આ ત્રણેય પુસ્તકો વસાવવા, વાંચવા, જીવવા જેવાં પુસ્તકો છે. સુભાષ ભાઈના થોડાંક ચિંતન સ્ફૂલિંગો વાંચીએ.

જીવન એટલે જાતને શોધવી અને ઘડવી. જીવન તો એક અંતહીન સ્વધ્યાયપોથી છે:


દરેક દિવસ એક પ્રશ્ન છે,
દરેક પ્રસંગ એક ઉતર છે.
દરેક પળ કશુંક ચીંધે છે,
દરેક પગલું ક્યાંક દોરી જાય છે,
દરેક બ્રેકઅપ, હુકઅપ એક પાઠ છે.
દરેક સંબંધ એક કસોટી છે!

જેમ ગાંધીજી એ કીધેલું કે આ પૃથ્વી બધાની જરૂરિયાત સંતોષવા માટે છે, લાલચને પૂરી કરવા માટે નહીં. એમ સુભાષ ભાઈ કહે છે કે આ જગતમાં દરેકની જરૂરિયાત જેટલું તો છે જ પણ દરેકની જંગલી ઈચ્છાઓ સંતોષાય તેટલું નથી. જીવનનો આધાર સ્પર્ધા નથી, સહિષ્ણુતા છે. સંઘર્ષ નથી, સમન્વય છે. જીવન સત્વ, સહયોગ અને સહસ્તિત્વમાં વસે છે. અહીં કોઈ-કોઈનું વિરોધી અને વિપરીત નથી, પણ સંગી-સાથી છે. એક અને બે એ પ્રતિસ્પર્ધી નથી, પરીપુરક છે અને તે બંન્ને સમતોલ ત્રાજવા છે!

કેટલી સટિક વાત! પણ અઘરું છે, સાથે ચાલવું!

આપણે એમ સમજીએ કે સહયાત્રી મળે પછી યાત્રા આરંભીશું, ખરી વાત તો એ છે, જીવનયાત્રા દરમિયાન સહયાત્રી જડી આવે છે!

સચ્ચાઈથી- સમગ્રતાથી, સજાગતાથી- સહજતાથી જીવીએ તો દરેક સંબંધ એક ઋચા બની જાય છે!

અસ્તિત્વવાદી ફિલસૂફ સોરેન કિર્કેગાર્ડ કે જે નાસ્તિક હતો, એને એના જીવનના અંત ભાગમાં કહ્યું કે આ ભૌતિક જગત પૂરતું નથી, કશુંક માનવીય હોવું જોઈએ! કદાચ આપણાં સુખનો આધાર આપણે શું જાણીએ છીએ એનાં પર ઓછો છે પણ શું ફીલ કરીએ છીએ એનાં પર વધારે છે! આ પૃથ્વી પર માનવબુદ્ધિથી વધારે ગહન, ભવ્ય અને મહાન કશુંક છે. જીવનની અનુભૂતિ એટલે એક ચૈતન્ય અન્ય ચૈતન્યને સ્પર્શે એ.

આપણે જીવનભર આપણી ધારણાઓ, માન્યતાઓ, વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, સ્વપ્નો, ઈચ્છાઓ, સ્મરણો, પૂર્વગ્રહો, અપેક્ષાઓ, ઇરાદાઓની કેદમાં રહીએ છીએ. પરિણામે આપણે ક્યારેય અન્યને ખુલ્લાં મન સાથે મળી શકતાં નથી. અને હા, આપણે સ્વને- પોતાને પણ નથી મળી શકતાં. જેમ કોઈ પાગલ માણસ જીવનભર ખાધેલા ફળો અને શાકભાજીની છલો રસોડાનાં કબાટમાં રાખે એમ આપણે પણ દરેક નકારાત્મક અનુભવની કડવાશ અને ગુસ્સો ચિતમાં ભરી રાખીએ છીએ.

કોઈના વ્યવહારનો જવાબ તેના સ્તરે ઉતરીને નથી દેવાનો, પણ આપણી ભૂમિકા અને અવસ્થાએ ઉભા રહીને દેવાનો છે. અને હા, ઉતર દેવો અનિવાર્ય નથી.

આપણી વર્ચ્યુઅલ સભ્યતા એક અપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહી છે. એણે બધી વ્યાખ્યાઓ બદલી નાખી છે: જ્ઞાન એટલે ગૂગલ, ડહાપણ એટલે અભિપ્રાયો અને અવતરણો, બુદ્ધિ એટલે માન્યતા અને મંતવ્યો, સંબંધો એટલે લાઈક્સ અને ડિસ્લાઇક્સ, સત્ય એટલે સંખ્યા અને જીવન એટલે ઓફ લાઈન અને ઓન લાઈન રમતો. આપણે સત્યને આધાર આપવા અસત્ય અને અસત્યને બળવાન બનાવવા સત્ય બોલીએ છીએ!

આપણા જગતનાં અને જીવનના અભ્યાસો અને અનુભવો ઉતાવળા, એકાંગી, ખંડ-ખંડ, આક્રમક, હિંસક અને ગેરમાર્ગે દોરનારા હોય છે. જીવનનું અંતિમ સત્ય કે વાસ્તવિકતા એ બે વતા બે બરાબર ચાર જેવી ફલશ્રુતિ નથી. ક્યારેક જીવનમાં બે વતા બે બરાબર પાંચ કે ત્રણ પણ થાય છે, કારણકે જીવન અતર્ક છે! અંશનો અનુભવ એ સમગ્રનો અનુભવ નથી.

જીવન કોઈ રંગમંચ નથી કે પડદો ખૂલે અને સમગ્ર જોઈ શકાય. જીવન તો પળ-પળ ઊઘડે છે અને આપણે એક બાળકની જેમ વિસ્ફારિત નેત્રે આ ક્રમબદ્ધ ઉઘાડ નીરખવાનો છે અને જીવન સાથે ભાગીદારી કરવાની છે. આ ક્રમબદ્ધ સરકતી ઘટનાઓનો કોલાજ એટલે જીવન!

જીવન તો યાત્રા છે, બે વિકલ્પો છે: એકઠું કરવું છે કે વહેંચવા નીકળવું? આ અધિકાર અને અવસ્થભેદ છે. અંદરથી હિન, રિક્ત, ઓછપ, અધૂરપ, અને ખાલીખમ હશે તે એકઠું કરશે… તેવી જ રીતે સતા, સંપતિ, સંબંધ, નામના અને કામનાની દોડ ચાલે છે. અંદરથી છલોછલ અને સભરતાથી ઉભરાતા, છલકાતાં લોકો વહેંચવા નીકળી પડે છે. નદી મીઠાસ તો દરિયો ખારાશ વહેંચે છે, પંખી ગીતો – પતંગિયું રંગો, કવિ ટાગોર ગીતો – જિસસ પ્રેમ બુદ્ધ મૌન તો શ્રીકૃષ્ણ સુર વહેંચે છે!

કોઈ ઉદાસ છે તો તેને હસાવીએ,
કોઈ અસ્વસ્થ છે તો તેને એકાદ કાવ્ય સંભળાવીએ,
કોઈ હતાશ છે તો તેને એકાદ પ્રેમપત્ર લખીએ,
કોઈ થાકેલા એકલવાયા પ્રવાસી સાથે એક પડાવ સુધી સાથે ચાલીએ!

તણખો:


જીવનથી વિખૂટી પડેલી વ્યવસ્થા એટલે શિક્ષણ અને જીવન સાથે ઓતપ્રોત હોય એ કેળવણી. એક એમ માને છે કે તરતા ન આવડે ત્યાં સુધી નદીમાં ન પડાય અને બીજો એમ માને છે કે નદીમાં ન ઝંપલાવીએ ત્યાં સુધી તરતાં ન આવડે. જીવન સાથે અપ્રસ્તુત અને વિસંગત હોય એ શિક્ષણ નિરર્થક છે!
-સુભાષ ભટ્ટ


-ડો.ભાવિક આઇ. મેરજા

Related posts

Leave a Comment