આત્મહત્યા કરવાનાં વિચારો કરતાં ક્રાંતિકારી સુખદેવને ભગતસિંહનો પત્ર!

કોરોના આપણા માટે મહામુશ્કેલીઓ લઈને આવ્યો. શારીરિક, આર્થિકથી લઈને માનસિક મુશ્કેલીઓ આપણે સહન કરી અને હજું ય કરી રહ્યાં છીએ. હતાશા, તાણ, ચિંતા જેવી લાગણીઓ લગભગ આપણે બધાં અનુભવી રહ્યાં છીએ. રોજ એક જ વાત થઈ રહી છે: હવે ક્યારે પતશે આ બધું? જલ્દી પુરુ થાય તો સારું. આવાં વાક્યો ક્યાંક આપણે બધાં જ આનાથી થાકી ગયાં છીએ એવું દર્શાવે છે.

ડોકટરો, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, અધિકારીઓ, રાજનેતાઓ, અને આપણે આમ જનતા બધાં જ થાકી ગયાં છીએ. માળખાકીય સુવિધાના અભાવે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને તે અભાવનાં લીધે થયેલાં આપણા ઘણાં સ્વજનોના મૃત્યુએ આપણને હલબલાવી મૂક્યાં છે. કદાચ આપણે ભાંગી જવાની કગાર પર આવીને ઊભા છીએ. એવાં સમયે આપણે મજબૂત બનીએ એ ઇચ્છનીય છીએ.

કેસની સુનવણી પૂરી થઈ અને આજીવન કેદની સજા થતાં માનસિક રીતે ભાંગી પડેલાં સુખદેવ આત્મહત્યા કરવાનો વિચાર કરે છે અને ભગતસિંહને એ બાબતે પત્ર લખે છે. અને ભગતસિંહ સામે જવાબ આપે છે, તે પત્ર આપણને માનસિક રીતે મજબૂત કરવામાં સહાયભૂત થઈ શકે એમ છે. તો વાંચો ભગતસિંહ શું લખે છે પત્રમાં.

પ્રિય ભાઈ,
તારો પત્ર હું વારંવાર ધ્યાનપૂર્વક વાંચી ગયો. મને સમજાય છે કે બદલાયેલા સંજોગોએ આપણાં ઉપર અલગ અલગ અસર કરી છે.

એક વખત તારી સાથે મેં આત્મહત્યા અંગે ચર્ચા કરી હતી એ તને કદાચ હજું યાદ હશે. તે સમયે મેં તને કહ્યું હતું કે અમુક સંજોગોમાં આત્મહત્યાને વાજબી ઠેરવી શકાય પરંતુ તે મારા મુદ્દાનો વિરોધ કર્યો હતો. તે જોશપૂર્વક કહ્યું હતું કે આવાં કાયર કૃત્યને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહિ તે કહ્યું હતું કે આવા પ્રકારનાં કૃત્યો ભયાનક અને ધૃણાપાત્ર હોય છે. પણ હું જોઉં છું કે આ વિષય પર તે સાવ ઉલટું જ વલણ અખત્યાર કર્યું છે! તે જે કંઈ કર્યું છે તે સહન કરવાનો હવે સમય છે. બીજો મુદ્દો એ છે કે સમગ્ર પ્રજાની આગેવાની લેવાનો બરાબર આ જ સમય છે.

આપણને કેદની સજા થઈ તે સમયે આપણા પક્ષનાં રાજકીય કેદીઓની હાલત અત્યંત ખરાબ હતી. તે સુધારવાનો આપણે પ્રયાસ કર્યો. હું તને અત્યંત ગંભીરતાપૂર્વક કહું છું કે આપણે એમ માનતા હતાં કે આપણે ઘણાં ટૂંકા ગાળામાં જ મૃત્યુ પામીશું. આપણે તો મૃત્યુ માટે તૈયાર હતાં. શું તું એમ કહેવા માંગે છે કે આપણો ઈરાદો આત્મહત્યાનો હતો? ના, કોઈ શ્રેષ્ઠ હેતું માટે લડવું અને બલિદાન આપવું તેને કદી આત્મહત્યા કહી ના શકાય.

આ ઉપરાંત આપણા સાથીદારો છે જે માને છે કે તેમને મૃત્યુદંડની સજા થશે તેમણે સજાની જાહેરાત અને વાસ્તવમાં ફાંસી આપવામાં આવે તે દિવસની રાહ જોવી પડશે. આ મૃત્યુ પણ સુંદર હશે પરંતુ આત્મહત્યા કરવી અને એ રીતે કોઈ દુઃખ ઓછું કરવા જીવન ટુંકાવી દેવું એ કાયરતા છે. હું તને કહેવા માંગુ છું કે અવરોધોથી માણસ વધારે સુસજ્જ બને છે. તું કે હું કે પછી આપણામાંથી બીજા કોઈએ હજુ સુધી કોઈ વેદના સહન કરવી પડી નહોતી. જીવનનો એ તબક્કો તો હજું હવે શરૂ થયો છે. વ્યક્તિ માટે સ્વ-અભ્યાસનો શ્રેષ્ઠ માર્ગ જાતે પીડા ભોગવવાનો છે.

વાસ્તવમાં તને જો લાગતું હોય કે જેલનું જીવન અપમાનજનક છે તો તે સુધારવા માટે તું આંદોલન શાં માટે નથી કરતો? કદાચ તું એવું કહીશ કે આવો કોઈ સંઘર્ષ નિરર્થક રહેશે તો પછી મને કહેવા દે કે બરાબર આ જ દલીલ કરીને નબળાં લોકો દરેક ચળવળમાં ભાગ લેવાનું ટાળતાં હોય છે. આપણે એક અઘરી કામગીરી હાથમાં લીધી છે અને ચાલું રાખવી જોઈએ. મુશ્કેલીઓથી બચવા આપણે આત્મહત્યા કરી લઈશું તો પ્રજાને માર્ગદર્શન નહિ મળે, પણ તેથી વિરુદ્ધ એ ઘણું પ્રત્યાઘાતી પગલું સાબિત થશે. વાસ્તવમાં વ્યક્તિએ પોતાની માન્યતાઓને વળગી રહેવા ભારે પ્રયાસ કરવો જોઈએ.

જેલના નિયમોને કારણે આપણે જે નિરાશા, દબાણ અને હિંસાનો સામનો કર્યો અને તેમ છતાં આપણી કામગીરી ચાલું રાખી. આપણે કામ કરતાં હતાં ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરવામાં આવતી હતી. એટલે સુધી કે જે લોકો ક્રાંતિકારીઓ તરીકે પોતાને ઓળખાવતા હતા તેઓ પણ આપણાથી દૂર થઈ ગયા. આ તમામ સ્થિતિ શું અસાધારણ નહોતી? તો પછી આપણું આંદોલન અને પ્રયાસો ચાલું રાખવા પાછળનું કારણ શું છે?

શું આ એક સાદી દલીલ આપણા વિચારોને વધુ મક્કમ બનાવવા માટે પૂરતી નથી? આપણી પાસે આપણા ક્રાંતિકારી ભાઈઓના એવા પણ દાખલા છે જેમણે તેમનાં જેલવાસ દરમિયાન ભારે દમન સહન કર્યું હોય અને તેમ છતાં ત્યાંથી બહાર આવીને હજું પણ કામગીરી કરતાં હોય. બકુનીને જો તારા જેવી દલીલ કરી હોત તો તેણે તો શરૂઆતના ગાળામાં જ આત્મહત્યા કરી લીધી હોત!

આપણી બોમ્બ ફેક્ટરીઓમાં કેટલાક દ્રવ્યો અને ઝેર રાખવા જોઈએ તેવી આપણે ચર્ચા કરતા હતા ત્યારે તે જ એ બાબતનો સખત વિરોધ કર્યો હતો એ તને યાદ છે? તે સમયે આવો વિચાર જ તને ધિક્કારજનક લાગ્યો હતો. તે સમયે તને આ બાબતમાં વિશ્વાસ નહોતો તો પછી હવે એવું શું થયું કે આવા વિચારો કરવાં પડે? વાસ્તવમાં મને તો આ પ્રશ્નની ચર્ચા કરવાનું પણ યોગ્ય લાગતું નથી. તે સમયે તો તું આત્મહત્યાનો વિચાર કરનારની માનસિકતાને પણ ધિક્કારતો હતો!

ક્રાંતિ વિના આશ્ચર્યજનક પરિવર્તનો અશક્ય છે. એકધારા પ્રયાસો, સંઘર્ષ અને બલિદાનો મારફત જ ક્રાંતિનો ધ્યેય હાંસલ કરી શકાય છે. અને તે ધ્યેય હાંસલ કરવો જોઈએ!

છે ને કેટલી મજબૂત વાત. એ વાત આપણે બધાય સમજીએ જ છીએ કે જ્યારે પિક પોઇન્ટ પર હોય ત્યારે બસ થોડી વખત જ રાહ જોવાની હોય, પછી બધું સમુ-સુતરું પાર પડી જાય. પણ એ થોડી વાર રાહ જોવી એ જ કઠિન હોય છે. તો બસ, હવે વિતાવવાનો થોડોક જ સમય છે.

તણખો:


कैसे आकाश में सूराख़ नहीं हो सकता;
एक पत्थर तो तबीअ’त से उछालो यारो!
(અર્થાત્, આકાશમાં છિદ્ર કઈ રીતે ના હોય શકે?
યારો, એક પત્થર તો સરખી રીતે ઉછાળી જોવો!)
-दुष्यंत कुमार


ડો.ભાવિક આઈ. મેરજા

Related posts

Leave a Comment