કલોલથી મુંદ્રા માલ ભરીને જતાં ટ્રકમાંથી રૂ. 96,939 કિંમતનો માલ ગાયબ

  • ડ્રાઈવર માલવણથી ધ્રાંગધ્રા-હળવદ હાઈવેથી જતાં રસ્તામાં સોલડી ટોલનાકા પાસેની કિટલીએ ચા પીવા રોકાયેલો
  • સોલડી ટોલનાકાના સી.સી.ટી.વી કેમેરા ચકાસતાં ટ્રક પરની તાળપત્રી કાપેલી અને માલ ચોરી થયો હોવાનું જણાયેલું

ગુજરાત: અંજારના શેઠનો ડ્રાઈવર કલોલથી ટ્રકમાં માલ ભરીને મુંદ્રા ખાતે ટ્રક ખાલી કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પરના રસ્તામાં માલવણ ટોલનાકા બાદ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સોલડી ટોલનાકા વચ્ચે ચોરી થયાનું સી.સી.ટી.વી. તપાસમાં જણાયું હતું. ટ્રકમાં ભરેલાં માલ પર બાંધેલી તાળપત્રી કાપીને તેમાંથી રૂ. 96,939 કિંમતનો માલ કોઈ અજાણ્યા શખ્સે ચાલુ ગાડીમાંથી ચોરી કર્યાંની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી ગેનારામ ડુંગરારામ ચૌધરી ડ્રાઈવિંગની નોકરી કરે છે. ગેનારામ અંજારમાં આવેલ જીનામ લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટમાં છેલ્લા દોઢ વર્ષથી ટ્રક ચલાવાની નોકરી કરે છે. 15 એપ્રિલના રોજ ગેનારામ અદાણી વિરમાળ મુંદ્રાથી ટ્રકમાં તેલ ભરીને હિંમતનગરમાં ટ્રક ખાલી કરેલી. ત્યારબાદ 17 એપ્રિલના રોજ કલોલ ખાતે આવેલ અગન એગ્રોટેક એક્સપોર્ટ લી. કંપની માંથી ઇફકો બ્રાન્ડના પી.પી. વુવેન બેગસ બંડલના 250 નંગનો માલ ટ્રકમાં ભર્યો હતો. ડ્રાઈવર ટ્રકમાં માલ ભરીને ત્યાંથી મુંદ્રા રવાના થયેલો. આમ બીજા દિવસે જણાવેલ સ્થળે ટ્રક પહોંચતા કંપનીના મજૂરો ગાડીમાંનો માલ ખાલી કરવા ઉપર ચડ્યા હતાં. આ દરમિયાન ગાડી ઉપર ઢાંકેલી તાળપત્રી ફાટેલી અને ટ્રકમાંથી માલ ઓછો થયાનું જણાતાં ડ્રાઈવરે તેના શેઠ માવજીભાઈ જેસાભાઈ વરચંદ (રહે.અંજાર) ને ફોન કરી માલ ચોરી થયાની જાણ કરેલી. જેથી માલની ગણતરી કરતાં કુલ 250 બંડલ માંથી 9 બંડલ કિંમત રૂ. 96,939 નો માલ ગાયબ થયો હતો. જેથી શેઠે ડ્રાઈવરને પૂછતાં જણાવ્યું, હું ગાડીમાં માલ ભરીને આવતાં રસ્તામાં માલવણ ચોકડી પરની હોટેલમાં જમવા રોકાયો હતો. ત્યાંથી રાત્રીના બે વાગ્યે ટ્રક લઈને મુંદ્રા રવાના થતાં વચ્ચે સોલડી ટોલનાકા પાસે ચા પીવા રોકાયો હતો. પછી મોરબી એક હોલ્ડ કરી આગળ ભચાઉ ખાતે ટ્રકમાં ડીઝલ પુરાવી સીધો મુંદ્રા પહોંચ્યો હતો. જ્યાં મજૂરોએ ટ્રકમાં જોતા માલ ચોરી થયાનું જણાયું હતું.

જેથી શેઠ દ્વારા માલ હાઇવેના રસ્તામાં ચોરી થયાની મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મુદ્રા પોલીસે આ કેસ સુરેન્દ્રનગર અને ત્યારબાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કર્યો હતો. જેથી પોલીસ દ્વારા માલવણ અને સોલડી ટોલનાકાના સી.સી.ટી.વી. ફોટો તપાસમાં ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સોલડી ટોલનાકા વચ્ચે ટ્રક પરની તાળપત્રી કાપેલી જણાઈ હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

Leave a Comment