જ્યારે સામ્રાજ્યવાદીઓએ ૨૩ માર્ચ,૧૯૩૧ના રોજ આપણા મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી એ જ વર્ષમાં માત્ર છ મહિના પછી જ લિબિયાના મહાન ક્રાંતિકારી ઉમર મુખ્તારને ફાંસી આપવામાં આવી અને ક્રાંતિકારીઓનો એક યુગ આથમી ગયો! અને એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ માનવતા માટે, પોતાના માટે, જળ-જંગલ-જમીન બચાવવા માટે લુંટારાઓ વિરુદ્ધ કરવામાં આવેલા યુદ્ધનું ઈનામ હતું.
યુરોપે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો પર પોતાની રાજસત્તા સ્થાપવા છલ-કપટથી કબ્જો જમાવવાનો શરૂ કરી દિધો હતો, ગુલામ બનાવવા માટેની ક્રૂર માં ક્રૂર નીતિ યુરોપિયનો વાપરી રહ્યા હતાં એવામાં અનેક યોદ્ધા એની સામે લડવા માટે ઊભા થયા. એમાંનો એક મહાનતમ યોદ્ધો એટલે લિબિયાના શહીદ ઉમર મુખ્તાર!
જન્મ ઈ સ.૧૮૫૯માં. અને પછી સ્કુલ શિક્ષક બન્યાં. ઇસ.૧૮૯૫માં સુદાન ગયાં. ત્યાં સામ્રાજ્યવાદી વિરુધ્ધમાં ચાલી રહેલું આંદોલન મેહદી સુદાનીમાં ભાગ લીધો. પરંતુ આંદોલન નિષ્ફળ જતાં ફરી લિબિયા પાછા ફર્યા.
ઇ સ.૧૯૧૧માં ઇટાલી એ ઉસ્માની શાસન સાથે યુદ્ધ કરીને લિબિયાને પોતાના શાસન તળે લઈ લીધું અને એની સામે જ ઉમર મુખ્તારે લિબિયાના કબિલાઓમાં જાગૃતિ ફેલાવીને સશસ્ત્ર સંઘર્ષ આદર્યો અને નાઝીવાદની વિરુદ્ધમાં વીસ વર્ષ સુધી અવિરત સશસ્ત્ર સંઘર્ષ કર્યો!
એક વખત ઇટલીના બે સૈનિકોને પકડ્યા ત્યારે એમના સાથીદારો એને મારવા માટેની કોશિશમાં લાગી ગયા. ત્યારે ઉમર મુખ્તાર એ કહ્યું કે, ‘આપણે બંદીઓને મારતા નથી.’
તેમના સાથીદારોએ કહ્યું કે, ‘એ તો આપણા બંદી બનાવેલા સાથીઓને મારે છે.’
અને એ વખતે ઉમર મુખ્તારે આપેલો જવાબ કાબિલે તારીફ છે!
મુખ્તારે કહ્યું કે, ‘એ લોકો જાનવર છે, આપણે નથી!’
અને કદાચ એ એક જ વાક્યે પૂરા વિશ્વના ક્રાંતિકારીઓ નો ઉદ્દેશ અને દિશા ચીંધી દીધી! એ કદાચ કહેવા માંગતા હતા કે અમે અમારી આત્મરક્ષા, અમારું અસ્તિત્વ, અને અમારી જમીન-પાણી માટે લડી રહ્યા છીએ, અમે ખુની નથી! (ક્રાંતિવીર ભગતસિંહે બોમ્બ/વિસ્ફોટકો બનાવવામાં માહેર જતીન દાસ ને પણ ક્રાંતિકારી હોવાનો મતલબ આવી જ એક રીતે સમજાવેલો!)
ઇ સ.૧૯૨૯માં જ્યારે લિબિયા પર કબ્જો કરવાની કોશિશ કરી રહ્યા હતાં ત્યારે લિબિયાના આ બાગી સરદાર ઉમર મુખ્તારે ઈટાલીની સેનાને હંફાવી દીધેલી. અને સરમુખત્યાર મુસોલીનીને ચાર વખત મીલીટરી જનરલ બદલાવવા પડેલાં. અને અંતે એનો સૌથી ક્રૂર જનરલ ગ્રાજાનીને લિબિયામાં મૂકવામાં આવ્યો.
જનરલ ગ્રાજાનીની આધુનિક તોપો અને હથિયારોથી સજ્જ પ્રશિક્ષિત સેનાને ઉમર મુખ્તાર અને એના સાથીઓ બહુ સફળ રીતે પાછી ખદેડી દેતાં હતાં! મુસોલીનીના સાથીઓ દિવસમાં શહેરો પર કબ્જો કરતાં અને રાત થવામાં આવે ત્યાં જ ઉમર મુખ્તાર ને એના સાથીઓ એ શહેરને ફરી આઝાદ કરાવી લેતાં! આ કમાલ હતો ઉમર મુખ્તાર અને એના સાથીઓએ અપનાવેલી ગોરિલ્લા યુદ્ધ પદ્ધતિનો!
એવામાં જનરલ ગ્રાજાનીએ એક ખતરનાક ચાલ રમી. તેના એક સિપાહીને ઉમર મુખ્તાર સાથે લિબિયાની આઝાદી માટે સમજોતો કરવા માટે મોકલ્યો. મુખ્તારે એની બધી માંગો સિપાહી સામે રાખી અને સિપાહીએ એની બધી જ માંગો નોટમાં ટેકવી લીધી અને કહ્યું કે આ બધી જ માંગો મુસોલીનીને ઇટાલી મોકલવામાં આવશે, તેમજ એમનો સંદેશો આવે ત્યાં સુધી રાહ જોવી. ઉમર મુખ્તાર ઇટાલિયન સૈનિકો સાથેની લડાઈ રોકી દે છે.
પણ…પણ.. માંગોનો સ્વીકાર થવાની કે જવાબ આવવાની બદલે ઇટાલીથી થોડાં જ સમયમાં તોપો, બોમ્બ, ટેન્ક કે જેનાથી આખા શહેરો તબાહ કરી શકાય એવાં આધુનિક હથિયારો આવ્યા! અને મુખ્તાર ને પછી સમજાયું કે સમય હથિયારો મોકલવા માટે માંગવામાં આવ્યો હતો, નહિ કે એમની માંગો સ્વીકારવા માટે! આ નવા હથિયારોથી લિબિયાના કેટલાય શહેરોને ઉજ્જડ-વેરાન કરી દીધા!
નાઝી કર્નલ એક વખત કહે છે કે ઉમર મુખ્તાર ને આજે આપણે મારી નાખીશું! પહેલાં પુલ કબ્જે કરીને પછી ટેન્ક અને મશીનગનથી હુમલો કરીશું. પણ બીજો અફસર એ જોઇને હેરાન થઈ ગયો કે બાગીઓએ પુલ કેમ ના તોડ્યો? ત્યારે કર્નલ કહે છે કે ઉમર મુખ્તાર ને ખાલી લડતાં જ આવડે છે! દિમાગ ચલાવતા નહિ! એને તમારી કોઈની જેમ મીલીટરી સ્કૂલમાં તાલીમ લીધી નથી!
અને ઇટાલિયન સૈનિકોની આવી જ બેવકૂફીના લીધે એનાં કેટલા બધા સૈનિકો મોતને ભેટી ગયા! કેમ કે ઉમર મુખ્તાર અને એમના સાથીઓ એમની ગોરિલ્લા યુદ્ધ પદ્ધતિથી મોટામાં મોટા સૈન્યને ગોઠણ પર લાવી દેવા મજબૂર કરી દેતા હતાં!
બે વર્ષ સુધી મેદાને જંગ માં ઇટાલિયન સૈનિકોને માત આપીને ૧૧ સપ્ટેમ્બર,૧૯૩૧ના રોજ એ મુઠભેડમાં ઘાયલ થયા અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશે ઉમર મુખ્તારને પૂછ્યું,
ન્યાયાધીશ: શું તમે માનો છો કે તમે બળવો કર્યો છે?
ઉમર મુખ્તાર: હા
ન્યાયાધીશ: શું તમે જાણો છો કે તેની સજા શું હશે?
ઉમર મુખ્તાર: હા
ન્યાયાધીશ: અફસોસ થી કહેવું પડે છે કે તેનો અંજામ મૃત્યુ છે.
ઉમર મુખ્તાર: મને કોઈ અફસોસ નથી! કેમ કે મારા જીવનનો આ શ્રેષ્ઠ અંત હશે!
ન્યાયાધીશ ઉમર મુખ્તારને આતંક અને મોતના ભયથી લલચાવે છે અને કહે છે કે, ‘જો તમે તમારી ક્રાંતિ રોકો અને તમારા સાથી ક્રાંતિકારીઓને કહો કે સ્વતંત્રતાની લડત છોડી દો તો તમે બચી જશો.’
પીર અલી ખાનની જેમ ઉમર મુખ્તરે પણ બહાદુરીથી જવાબ આપ્યો અને કહ્યું કે, ‘અમે શસ્ત્ર નહીં મૂકીએ, જીતીશું કે મરી જઈશું પણ આ યુદ્ધ ચાલુ રહેશે.તમારે અમારી આવનારી પેઢી સાથે પણ લડવું પડશે અને એના પછી એની પછીની પેઢી સાથે પણ… અને જ્યાં સુધી મારો સવાલ છે, હું મારા જલ્લાદ કરતા વધારે જીવીશ.. અને ઉમર મુખ્તારની ધરપકડ આ યુદ્ધ-લડાઈ બંધ કરશે શકશે નહીં!’
ન્યાયાધીશે ફરીથી પૂછ્યું, ‘તમે જીવનની ભીખ કેમ નથી માંગતા? કદાચ હું તમને આપી શકું છું!’
ઉમર મુખ્તરે કહ્યું, ‘મેં તમારી પાસેથી જીવનની કોઈ ભીખ માંગવા માટે પૂછ્યું નથી. વિશ્વના લોકોને એમ ના કહેતા કે આ ઓરડાના એકાંતમાં મેં જીવનની ભીખ માંગી હતી!’
આ પછી, ઉમર મુખ્તર મૌન સાથે ઓરડામાંથી બહાર નીકળી ગયા.
૧૬ સપ્ટેમ્બર,૧૯૩૧ના રોજ ઇટાલી સામ્રાજ્યવાદ વિરુદ્ધ લિબિયા રાષ્ટ્રના સંઘર્ષ વચ્ચેના મહાન ક્રાંતિકારી નેતા ઉમર મુખ્તાર ને એમનાં જ લોકોની વચ્ચે ફાંસી દેવામાં આવી. અને એ વર્ષે એમની ઉંમર હતી ૭૩ વર્ષ! આ ઉંમરે લોકો નિવૃત્તિ લઈને એશ-ઓ-આરામ સિવાય કશું નથી કરતાં એટલે વર્ષે તો ઉમર મુખ્તાર રાષ્ટ્ર માટે સશકત લડત લડી રહ્યા હતાં! જે નીડરતાથી ઉમર મુખ્તાર ફાંસીના ફંદા તરફ આગળ વધતાં હતા એ માત્ર એક મજબૂત વૈચારિકતાથી પ્રતિબદ્ધ કોઈ મહાન ક્રાંતિવીર-રાષ્ટ્રવીર જ એવું કરી શકે!
તણખો:
જે લોકો પ્રશ્નો નથી ઉઠાવતા, તે પાખંડી છે!
જે લોકો પ્રશ્નો નથી કરી શકતાં, તે મૂર્ખ છે!
અને જે લોકોનાં મનમાં પ્રશ્નો જ ઉભા થતાં નથી, તે ગુલામ છે!
~જોર્જ બાયરન
~ડો.ભાવિક આઇ. મેરજા