કોરોનાનાં કપરા કાળમાં RT-PCR ટેસ્ટ કિટનાં નિર્માણમાં 6 મહિલાઓ આપી રહી છે મહત્વનું યોગદાન

ગુજરાત: વિધાતાનાં નવ નિર્માણની કલાકૃતિ એ નારી: નવા યુગની મહિલાઓની નવી સાહસિકતા. એક એવી કંપની જે હાલનાં સમયે ખૂબ અગત્યની ગણાતી RT-PCR ટેસ્ટ કીટ બનાવે છે. અને તેના ઉત્પાદનનાં તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે. આ 6 મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ વ્યવસાયિક પ્રવિણતા અનુભવ નારી સહજ કોઠાસૂઝ અને કુશળતાનાં સમન્વયથી કોરોના કાળમાં ઉપયોગી માસિક 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બની રહી છે.

વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસારા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે.

વર્ષોથી સમાજમાં આવતી અડચણોનો ઉપાય લાવવામાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. રાણી લક્ષ્મીબાઈ હોય કે રાણી અહલ્યા બાઈ, તેમણે પોતાના જીવના જોખમે સમાજની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયાસો કાર્ય છે. તેમજ વડોદરા જિલ્લાની RTPCR કિટનું ઉત્પાદન કરતી એકમાત્ર કોસેરા ડાઈગ્નોસીસ સંસ્થામાં ફરજ બજાવતી મહિલાઓએ કોરોનાના કપરા કાળમાં સમાજને RTPCR કીટના નિર્માણ રૂપે સમાજને એક અગત્યની ભેટ આપી છે.

કોસારા ડાઈગ્નોસીસની સિનિયર મેનેજર ડૉ. સ્વપ્નાલી કુલકર્ણીએ આપેલી વિગતો અનુસાર તકનિકી સેવાઓ, ગુણવત્તાની ખાતરી, ઉત્પાદન, ગુણવત્તા ચકાસણી તથા સંશોધન અને વિકાસ જેવા વિભાગોમાં અગ્રણી રહી કોસેરાની મહિલા કર્મચારીઓએ અત્યાર સુધી ૧૬ લાખથી વધુ RTPCR ટેસ્ટ કીટનું નિર્માણ કર્યું છે.

ડૉ. ચૌલા શાસ્ત્રીનાં નેતૃત્વ હેઠળ કાર્યશીલ ડૉ. સ્વપ્નાલી કુલકર્ણી (સિનિયર મેનેજર ટેકનિકલ સર્વિસિસ), જુલી તહિલરામાની (કવાલિટી અસ્યુરન્સ), કેશા પરીખ (પ્રોડક્શન હેડ), કીર્તિ જોશી (ક્વોલિટી કંટ્રોલ ઓફિસર) તેમજ જુનીતા વાર્ગસી અને જાનકી દલવાડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) એ જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં RT-PCR ની કીટ બનાવવામાં ફાળો આપ્યો છે.

વૈશ્વિક મહામારી વચ્ચે પરિવારમાં આવતી મુશ્કેલીઓને અવગણી દેશની સેવા માટે સમયની ચિંતા કર્યા વગર સતત તત્પર રહેતી આ મહિલાઓએ સમાજને RT-PCR કીટનાં ઉત્પાદન દ્વારા મહત્વનું યોગદાન આપ્યું છે.

આ સ્ટાર્ટ અપ નારી તું નારાયણી નું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. ત્યારે મહિને 3.5 લાખ જેટલી કોરોના ટેસ્ટ માટે RT-PCR કીટ બનાવે છે અને ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોને પૂરી પાડે છે. આ મહિલાઓની કાર્યકુશળતા માટે ખુદ મહિલા જિલ્લા કલેકટરે ઊંચો આદર વ્યક્ત કર્યો છે.

આ લોકો આમ તો સવારનાં 9 થી સાંજનાં 5 સુધીનાં નિયમિત ઑફિસ ટાઈમમાં કામ કરે છે. પરંતુ કીટની માંગ વધે ત્યારે તેને પહોંચી વળવા સવારે વહેલા આવીને કે સાંજે મોડે સુધી રોકાઈને કામ કરવામાં કોઈને ખચકાટ થતો નથી. બધાં એક બીજાનાં કામમાં પૂરક બને છે. લોક ડાઉન એકાદ દિવસને બાદ કરતાં આ એકમને આ મહિલાઓએ સતત ચાલુ રાખ્યું હતું. તે સમયે પરિવહનની વ્યવસ્થા કરી હતી જેથી સહુ સરળતાથી આવી શકે. તેઓ સતત કોવિડથી બચવાની તમામ તકેદારીઓ લઈને કાર્યરત છે.

2 વર્ષથી અવિરત પણે દેશ સેવા માટે યોગદાન આપતી આ મહિલાઓ કોરોના સામે મજબૂત લડત આપી રહી છે અને નારી તું નારાયણી ની યુક્તિ સાર્થક કરી રહી છે.

Related posts

Leave a Comment