શું તમે ક્યારેય એકલા પડી ગયા છો??
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તન્હાઈની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’, એને આખી કહાણી સુણાવી દીધી : બેફામ
ઘણીવાર માણસ બહુ એકલો થઇ જતો હોય છે અને જાણતા અજાણતાં એ લોકો ને કહેતો પણ હોય છે કે કોઈ સાંભળો.. કોઈ વાત કરો… પૃથ્વી પરની મોટા ભાગની સમસ્યા વાત ન થઈ શકવાથી ઊભી થઈ છે એટલે વાત થવી ખૂબ જરૂરી છે.
આવો એકલો માણસ કોઈપણની સાથે પ્રેમ કરી બેસે છે, કોઈપણની સાથે મિત્રતા કરી બેસે છે પછી એ કોઈપણ સજીવ હોય કે નિર્જીવ, ઘણીવાર એકલતા માણસ પર એ રીતે હાવી થઈ ગઈ હોય છે કે એ માણસ “કોઈના” પોતાના પાસે હોવાની કલ્પના કરી બેસતો હોય છે અને બસ એની સાથે વાત કરતો હોય છે. આપણે આવા માણસને સાવ સરળતાથી ગાંડો કહી દઈએ છીએ. આવી ઘનઘોર એકલતામાં જ્યારે કોઈ કઇંક પૂછે છે ત્યારે એને વિસ્તાર થી બધુ કહી બેસે છે આ વાત કરવામાં એનો ઉદ્દેશ્ય કોઈ સહાનુભૂતિ ભેગી કરવાનો નથી હોતો એને તો ખાલી એવું જ કહેવું છે કે ‘વાત કર’.
આવો જ એક શેર કવિ મધુસૂદન પટેલે પણ જુદી જબાનમાં લખ્યો છે.
તેં જે રીતે આવ કહ્યું ને, એ કાફી છે,
શીરો બીરો રહેવા દે, બસ વાતો કરીએ
મધુસૂદન પટેલ
જ્યારે એકલતા એના ચરમ પર પહોંચવાની હોય એની થોડાક પહેલાં માણસની સ્થિતિ જે હોય એનો આ શેર મને વ્યક્તિગત રીતે બહુ ગમે છે. જ્યારે માણસ અનંત એકલતા ધરાવતો હોય અને અચાનક જાણે શૂન્યાવકાશમાં અવાજ સંભળાય એવી જ રીતે કોઈ તમને આવકારે, વાત સાંભળવા વાત કહેવા ત્યારે બીજું બધુ ઓગળી જતું હોય છે માણસ આ અવસ્થામાં ભેદ મુક્ત થઈ જતો હોય છે. એકલતા માણસને સર્વગ્રાહી બનાવી દે છે. 2012માં એક ફિલ્મ આવી હતી ‘લાઈફ ઓફ પાઇ’. ઓસ્કર વિજેતા આ ફિલ્મમાં વાર્તા નાયક 227 દિવસ સુધી એક વાઘ સાથે વાતો કરીને વિતાવે છે. આમાં વાર્તા નાયકનું નામ પાઈ છે અને pie અને એકલતા બંનેની કિમત ક્યારેક નિશ્ચિત નથી કરી શકાતી. બન્ને અનંત છે.
-ઋષિ