સોનલ માતાજી…ચારણોની પૂજનીય દેવી મા…

શું આપ જાણો છો તેમનાં વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે! તો ચાલો…લઇ જાઉં આજે આપ સૌને સોરઠનાં પ્રખ્યાત ધામમાં…જે આઈ.શ્રી.સોનલ માતાજી નામે ખૂબ જ પ્રચલિત છેજૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દુર આવેલ છે મઢડા ગામ. આ ગામમાં આઈ.શ્રી.સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, લાખો ભક્તોની આસ્થાનું  ધામ છે.  ભક્તો આ મંદિરે માનાં દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજીત આઈ.શ્રી.સોનલમાની દયામયી મૂરતનાં દર્શન કરવા માટે દરરોજ ભક્તોની ભીડ રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોનાં મનમાં વસતું ધામ છે, આ મઢડાનું સોનલમાતાજી ધામ. તેમનાં દર્શન માટે દૂર દૂર થી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ પોષ સુદ બીજનાં દિવસે આ જ ગામમાં થયો હતો. માતાજીનાં જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેમનાં ભક્તો મઢડા અચૂક આવે છે. ભક્તો આઈ શ્રી સોનલ માતાજીની ભક્તિમાં ભાવવિભોર બનીને શીશ ઝૂકાવી દર્શનનો લ્હાવો લઈને ધન્યતાનો અનુભવ કરે છે.
 
કોણ હતા શ્રી સોનલ માતા..? કેવી રીતે ઓળખાયા મઢડાવાળી માતાનાં નામે ? અને શું છે ચારણોની શક્તિપીઠ કહેવાતા આઈ શ્રી સોનલ ધામનો મહિમા ?

ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા, મહાનતા અને સિદ્ધિઓનાં અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણો એ યુગમાં પણ ભારતવર્ષનાં કેટલાંય પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ, કર્તવ્ય,પરાયણતા, સંસ્કૃતિની રક્ષા, સાહિત્ય, સેવા અને વીરતાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે! તે સમયે આઈ.શ્રી.સોનલ માતાજીએ પણ વિવિધ સમાજનાં લોકોને અનેક પરચાઓ પણ આપ્યા. ભક્તોનાં દરેક કાર્યો માતાજીનાં આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈ.શ્રી. સોનલ માતાજીને મા ભગવતીનો જ અવતાર માનતા હતા. ચારણ કુળનો મઢડા ગામનાં ઈતિહાસ પ્રમાણે  હમીરબાપુ મોડને ત્યાં પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. ચાર-ચાર પુત્રીઓ પછી પણ પાંચમુ સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં પાંચમી સંતાનમાં પણ પુત્રી આવ્યા બાદ પણ આનંદ એટલો જ હતો જેટલો અગાઉ જન્મેલ ચારેય દીકરીઓ વખતે હતો.  સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. જે આજે સોનલ માતાજી  તરીકે પ્રખ્યાત છે.

મઢડા મુકામે આઈ શ્રી સોનલ માતાજીનો દિવ્ય આત્મા અવતર્યો ત્યારે સમગ્ર ગામમાં હર્ષોલ્લાસ અને ઉમંગનો માહોલ હતો. ચારણકુળની આ દીકરી એટલી તેજસ્વી અને દિવ્ય હતી કે તેમનામાં સાક્ષાત મા ભગવતીનો વાસ હોય તેવું લાગતું. એટલા માટે જ એક કહેવત પણ લખાઈ..
પોષ શુકલ બીજ સુખ દાઈ  
ચારણ ગૃહે અંબા આઈ 
શાયં સમયે ભૂમિ સુત બારા  
શીતલ સમીર શીત અપારા

નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાન , તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા હતા. તેઓ તેમના જીવનમાં ક્યારેય સ્કૂલે ગયા ન હતા. પરંતુ સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતો સાંભળતા જ રહી જતા. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થળોએ સંતસંગ પણ કર્યા. એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યનાં પ્રખર જ્ઞાતા પણ હતા. શ્રી. સોનલ માતાજી, મા ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતા પણ અન્ય દેવી-દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા.

ભાવનગરનાં મહારાજ સાથે ગુજરાતનાં સ્થાપક રવિશંકર મહારાજ,ઠક્કરબાપા, આઝાદીકાળનાં રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ.શ્રી.સોનલ માતાજીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. આઈ.શ્રી.સોનલ માતાજી સાથે વિચાર-વિમર્શ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતનાં અવિભાગ્ય અંગ છે તેવું સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા.

આપને આ માહિતી કેવી લાગી? આપનાં પ્રતિભાવો આપવાનું ભૂલતા નહિ..! કમેન્ટના માધ્યમથી  આપનાં અમૂલ્ય પ્રતિભાવો, વિચાર તથા સૂચનો આવકાર્ય છે. આપ સૌ વાચકોનો હૃદય પૂર્વક આભાર.

Related posts

Leave a Comment