મહિલા હેલ્પલાઇન નંબર 1091ની શોધ કરનાર, સામાજિક કાર્યકર ‘રૂઝાનબેન ખંભાતા’ કોણ છે?

આજે એક એવા ઉર્જાવાન વ્યક્તિની વાત કરવી છે એમનાં પરીચયની શરુઆત કરું તો.. અત્યંત પ્રભાવશાળી પ્રતિભા ધરાવતા યુનિવર્સલ પીસ એમ્બેસેડર, યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર. તેમને સ્ત્રી સશક્તિકરણ, મહિલાબળ મિત્ર, જ્ઞાન સમાજ એવોર્ડ તેમજ એવા ઘણાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.

હું વાત કરી રહી છું, રૂઝાનબેન ખંભાતાની. જેઓએ નાની વયમાં પોતાનું બિઝનેસ શરૂ કર્યું અને આજે તેઓ મહિલા સશક્તિકરણ અને તેમને પગભર થવા અને રક્ષણ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે. તેમની સાથે કરેલ રૂબરૂ મુલાકાતનાં અમુક અંશો:
પ્રશ્ન : તમે વેલ સેટલ્ડ ફેમિલીમાંથી આવો છો છતાં પોતાનું બિઝનેસ કરવાનું જ કેમ વિચાર્યું?
પ્રત્યુત્તર: (સ્મિત આપીને) આપણા સૌની અંદર કૈંક સળવળતું હોય છે,કે.. “ખૂદ કે પેેૈર પે ખડે રેહને કા” એટલે મારામાં પણ એ સળવળાટ વધારે જાગી ગયો અને એ સળવળાટ એવો જાગ્યો કે પપ્પાની ફેક્ટરીએ હું જતી. ટ્રેનિંગ દરમિયાન, ત્યાં કેવી રીતે કામ થાય છે? એ બધું મેં જોયું અને શીખ્યું. હું ફક્ત એ.સી કેબિનમાં બેસી રહેવામાં અને મેડમ બનીને ફરવામાં નહોતી માનતી. મારા માતા-પિતાએ “સિમ્પલ લિવિંગ હાઈ થીંકીંગ” મને શીખવાડ્યું છે. નાનપણથી જ પપ્પાને મહેનત કરતા જોયા છે, એટલે જ એ લાક્ષણિકતા મારામાં પણ આવી.

પ્રશ્ન : શું તમારા ફેમિલી દ્વારા તમારા બિઝનેસને સપોર્ટ કરવામાં આવ્યો? અને કેવી રીતે?
પ્રત્યુત્તર:  હું એવા ફેમિલીમાંથી આવું છું કે જ્યાં બધાને ઇક્વલ(સમાન) સમજવામાં આવે છે. અમને એવી રીતે ઉછેરવામાં આવ્યા છે કે, સ્ત્રી-પુરુષમાં કોઈ અંતર હોતો નથી.એટલે કે, અમારા ઘરમાં દીકરા-દિકરીઓમાં કોઈ ફર્ક રખાયો જ ન હતો. પપ્પાની ફેક્ટરીએ જતી ત્યારે ઘણું શીખવા મળ્યું. તે સમયે મેં આઈ.ટી ફિલ્ડ સિલેક્ટ કર્યું,જે છોકરીઓ માટે એક ચેલેન્જ હતું. તમારી જાતને મજબૂત રાખીને આગળ વધશો, આંખમાં આંખ મિલાવીને કોન્ફિડન્સ થી વાત કરશો, બોડી લેન્ગવેજ, હેન્ડશેક વગેરે અગત્યનાં હોય છે. એ બધું જ હું નાની વયમાં જ શીખી ગઈ હતી. પપ્પા-મમ્મી સલાહ પણ આપતા અને માર્ગદર્શન પણ કરતા.

પ્રશ્ન : એક વુમન તરીકે, તમને પોતાનો બિઝનેસ સેટ કરવામાં કેવા પ્રકારનાં અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરવો પડ્યો?
પ્રત્યુત્તર: મેં આઈ.ટી ફિલ્ડ પસંદ કર્યું, જે ટેક્નિકલ ફિલ્ડ હતું. ‘જ્યાં સુધી તમે પાણીમાં નહીં કુદો ત્યાં સુધી તમે તરતા નહિ શીખો’,એ જ સિદ્ધાંત સાથે હું બિઝનેસમાં આગળ વધી. તે સમયમાં લોકોને આઈ.ટી વિશે સમજાવવું અઘરું હતું, પણ કહેવાય છે ને કે ચેલેન્જિસ મેક્સ યુ મોર સ્ટ્રોંગ.

પ્રશ્ન: બિઝનેસથી સ્ત્રીઓ તરફ..! સમાજસેવા તરફ વળવાનું કારણ?
પ્રત્યુત્તર: નિર્ભયાની ઘટનાએ મને વાંચતી કરી દીધી કે બહેનોનાં લૉ(કાયદાઓ) શું છે? વિટનેસ લૉ શું છે? હેલ્થ પોઇન્ટ ઓફ વ્યૂ શું છે? એફ.એસ.એલ. માં રિપોર્ટ જાય તો શું થાય? ટેક્નિકલ ફિલ્ડની હોવાથી મને વિચાર આવ્યો કે હું એવી કોઈ ટેક્નોલોજી કેમ ન વિકસાવું કે જે સ્ત્રીઓને મદદરૂપ થાય. તેમાં મેં ‘1091 પોલીસ હાર્ટ’ ની ટેકનોલોજી વિકસાવી. જેમાં અમે એવી સહુલિયત આપીએ છીએ કે તમે તમારા કોઈ પણ ફોનથી, તે ભલે પછી સ્માર્ટ ફોન હોય કે જનરલ-સામાન્ય ફોન હોય, તેનાથી તમે મિસકોલ પણ કરશો તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા લોકેશનની જાણકારી લેવાશે અને તરત જ ત્યાં પોલીસની એક ટિમ મદદે પહોંચી જશે. આ ટેકનોલોજીનાં ઇમ્પ્લિમેન્ટમાં ગુજરાત ગવર્નમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને ખૂબ જ સારો સપોર્ટ કરવા આવ્યો. 1091 પોલીસ હાર્ટ ઉપરાંત હલ્લાબોલ, વ્રજ ઓ ફોર્સ, ડીફેન્સ ટૂ ડાન્સ વગેરે જેવા ફાઉન્ડેશનની શરૂઆત પણ થઈ.

પ્રશ્ન: તમને નથી લાગતું કે આજનાં જમાનામાં પણ ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓ પર માનસિક, શારીરિક, આર્થિક-સામાજિક રીતે શોષણ કરવામાં આવતું હોય? તેની સામે અવાજ ઉઠાવવાની શક્તિ કે હિંમત સ્ત્રીઓમાં આવી છે ખરા!
પ્રત્યુત્તર: હા આવી છે. કોઈ ડાઉટ જ નથી.દરેક કલાકે ચાર બહેનોનાં રેપ થાય છે, દરેક દિવસે 106 બહેનોનો રેપ થાય છે. આજે આ બનાવ સામે લડત આપવાની હિંમત સ્ત્રીઓ કરી રહી છે. અમે હજું પણ આની પાછળ કામ કરી રહ્યા છીએ. જેટલી બહેનો જાગૃત થશે,તેટલી જ તેમનામાં હિંમત આવશે અને મુશ્કેલીઓનો સામનો હિંમતભેર રીતે કરી શકશે. અમે સ્ત્રીઓનું, સ્ત્રીઓ માટે કામ કરીએ છીએ, તેમને સપોર્ટ આપીએ છીએ અને સમજાવીએ છીએ કે ડરીને બેસી ન રહેવાય, સામે લડત આપવી જરૂરી છે. તેમની હિંમત કેળવીએ છીએ અને સાચી સલાહ તેમજ માર્ગદર્શન પણ પૂરું પાડીએ છીએ.

પ્રશ્ન: ભારતમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનું પોતાનું એક આગવું સ્થાન રહેલું છે. બૉલીવુડ હોય કે હોલિવુડ, એજ્યુકેશન ફિલ્ડ હોય કે બિઝનેસ, પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને એટલો સહકાર કે મહત્વ હવે આપવામાં આવી રહ્યો છે ખરા? તમને શું લાગે છે?
પ્રત્યુત્તર : પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો નીચો છે, હા..વાત સાચી! પરંતુ પહેલાની જેમ ઘૂંઘટ નથી, બહેનો ઘરની બહાર નીકળતી થઈ છે, પગભર બની છે, ઘણો બધો બદલાવ આવ્યો જ છે. પરંતુ, પુરુષ પ્રધાન સમાજનો માઈન્ડ સેટ આપણે ચેન્જ કરવો પડશે. તો જ માનસિક રીતે સ્ત્રી પુરુષની સમાનતા ઉદ્દભવશે.

પ્રશ્ન: સ્ત્રીઓ પ્રત્યે આટલો ઝુકાવ કેમ? આજનાં જમાનામાં તો પત્ની પીડિત પુરુષો પણ હોય છે. તો તેઓ માટે કોઈ સહાય કે મદદ કરવાનું કેમ ન વિચાર્યું!
પ્રત્યુત્તર: ના.. ઘણા બધા લોકોને ગલત ફેહમી છે, એ હું અહી ક્લિયર કરી દેવા માંગુ છું કે.. ભાઈઓ માટે પણ હું એટલું જ કામ કરું છું જેટલું કે સ્ત્રીઓ માટે! મારા માટે સૌથી મહત્વની વાત એ જ છે કે, કોઈને અન્યાય થયો હોય, કોઈ સાથે ખોટું થયું હોય ત્યારે તેમને સપોર્ટ કરીને માર્ગદર્શન આપીને તેમની સાથે ઉભી રહું છું. જો કોઈ બેન ગેરમાર્ગે દોરે કે સામે રહેલ ભાઈને અન્યાય થઈ રહ્યો હોય તો તેવામાં, અમે ન્યાયપૂર્ણ કાર્ય કરીને સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ..! પરંતુ, આવું માત્ર 10 ટકા કેસોમાં જ બનતું હોય છે, 90 ટકા બહેનો ખરેખર શોષિત થતી હોય છે. આ સ્ત્રી પુરુષની લડાઈ નથી. પરંતુ આ અચ્છે બુરેની લડાઈ છે. એટલે, હું પુરૂષ પાસે પણ ઊભી રહું છું. મારા મતે, નાત-જાત ધર્મ લિંગ તે મહત્વનું નથી પણ કોઈને અન્યાય ન થવો જોઈએ એ ખૂબ જ અગત્યનું છે.

પ્રશ્ન: તમે સેલ્ફ મોટિવેશન માટે શું કરો છો?
પ્રત્યુત્તર: બાળપણથી જ અમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે કોઈનાં મોટિવેશનનો આધાર આપણે રાખવો નહીં,નહીં તો જિંદગીમાં ક્યારેય ખુશ નહીં રહી શકીએ. આપણે આપણા મનનું કામ કરવું. સેલ્ફ ઇન્સ્પેકશન અગત્યનું છે ન કે અન્યનું..! તમે ગમે તે કામ કરતા હોવ,તેમાં ક્યારેક તમને ગાળો પણ પડે અને ક્યારેક તમારી વાહ-વાહી પણ થાય, પરંતુ તેનાથી વધુ પડતા ખુશ કે દુઃખી થવું ન જોઈએ. તમારી બુરાઈ થાય ત્યારે તેને પણ વખાણની જેમ સહજતાથી સ્વીકારીને તેમાં સુધારા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરાશા ક્યારેય ન રાખવી જોઈએ. તમે રાત્રે સૂતા હોવ ત્યારે તમે પોતાની જાતને પોતાનો ચહેરો બતાવી શકો તેવી સ્થિતિમાં હોવ તેવા જ કાર્યનું અનુસરણ કરવું જોઈએ. ક્યારેક એક્સરસાઇઝ કરો, ધ્યાન કેન્દ્રિત કરો, યોગા પણ કરી શકો..પણ..પોતાના મનને શાંત રાખો તથા કોઈ ખોટા માર્ગે દોરાઈ ન જાઓ તેનું ખાસ ધ્યાન રાખો.

પ્રશ્ન: (છેલ્લી વાત.. ) તમારી ફિટનેસનો શું રાજ છે?
પ્રત્યુત્તર: (મલકાતાં…) મને લાઈફમાં બે જ વસ્તુ ખૂબ ગમે. જમવાનું અને સુવાનું. પણ જો તમે જમો અને સામે એક્સરસાઇઝ ન કરો તે અયોગ્ય છે. એક્સરસાઇઝ તમારી બોડી ને જ નહીં પણ તમારા મન ને પણ હેલ્ધી રાખે છે. આ સાયન્સ છે. એક્સરસાઇઝ કરવાથી શરીર અને મગજ એક્ટિવ રહે એટલે કે મગજ અને શરીર બન્ને તંદુરસ્ત થાય એટલે જ મને એક્સરસાઇઝ કરવી ગમે છે. કારણ કે, હેલ્થ ઇસ વેલ્થ. જ્યાં સુધી પૈસા નહીં હોય તો ચાલશે.પણ જો તમારા શરીરમાં તમને કોઈ તકલીફ હશે તો નહીં ચાલે.

આપનો ખૂબ ખૂબ આભાર બેન..

Related posts

Leave a Comment