હોલિવૂડની ફિલ્મ ‘ ધ અધર એન્ડ ઓફ લાઈન’માં પાબીબેગ્સ! કોણ છે પાબીબેન રબારી?

પાબીબેન...આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું…કારણ..તેઓ કેબીસીનાં કર્મવીર એપિસોડમાં આવ્યા અને વધુ પ્રખ્યાત થયા. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે, પણ પાબીબેનએ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમનાં નામનો ડંકો વાગે છે.. તો ચાલો આજે જાણીએ પાબીબેનનાં જીવનચરિત્ર વિશે, તેમના સાહસો વિશે.

પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાનાં એક નાનકડા ગામ કુકડસરમાં થયો હતો, ગામથી જ પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમનાં ઘરનાં મોભી, તેમનાં પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા ઘરમાં સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી, માતાને આર્થિક ટેકો આપવા લાગ્યા.આ જ સમયે પાબીબેને ભરતકામ કરવાનું શરૂ કર્યું અને 18માં વર્ષે પાબીબેનનાં લગ્ન કરી દેવાયા. રબારી સમાજનાં આગેવાનોએ, કેટલાંક કારણોસર વર્ષ 1990નાં દાયકામાં ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો અને આ સમયે પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાનાં કપડાં બનાવવાનું શરૂ કર્યું જે કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવવા લાગી.

આ જ સમયે પાબીબેને ‘હરી જરી’નો ઉપયોગ કરી પોતાનાં માટે બેગ બનાવેલી અને કચ્છમાં ફરવા આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી અને તે બેગને નામ અપાયું ‘પાબીબેગ’.

વર્ષ 2003થી પાબીબેગ્સ પ્રચલિત બની. પાબીબેનની બેગ્સ હોલિવૂડની ફિલ્મ  ‘ધ અધર એન્ડ ઓફ લાઈન’માંનાં એક્ટ્રેસને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ બોલિવૂડની ફિલ્મ્સ માટે પણ પાબીબેનની બેગ્સનો ઓર્ડર મળવા લાગ્યો.

વિદેશોમાં યોજાતા ક્રાફ્ટ મેળામાં પણ ઘણી વખત ભાગ લઇ આપણા દેશનું નામ રોશન કરી ચૂક્યા છે આપણાં પાબીબેન. ખરેખર, માનવામાં ન આવે, કે એવા ગામની મહિલા કે જ્યાં પાકા મકાનો પણ ન હોય, ન હોય કોઈ ડીગ્રી કે ટેકનોલોજી સાથેનો તાલમેલ. તેવા ગામની એક મહિલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી રહી છે, એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે. સાથે જ એવા ધ્યેય સાથે કે અન્ય કારીગરોને પણ સફળતા મળે અને તેઓ આગળ આવે.

પાબીબેન પોતે તો ભણી ન શક્યા પણ પોતાના દીકરાને આજે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે જેથી તેમની આવનારી પેઢીને તેમના જેવો સંઘર્ષ ન કરવો પડે. ખરેખર, આવી મહિલા આજે સમાજની કેટલીયે મહિલાનો પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
કાર્યદક્ષતા…મહેનત… ઉમંગ…જુસ્સો.. ઉત્સાહ…અને સાહસનું સમન્વય ઍલે પબીબેન રબારી…
આપનો પ્રતિભાવ અવશ્ય આપશો. તેવી આશા સાથે, લેખ વાંચવા બદલ આપનો આભાર.

Related posts

Leave a Comment