પ્રજાસતાક દિવસ, લોકોત્સવ બની શક્યો નથી! આપણે આ તહેવાર ઉજવવામાં ક્યાં પાછા પડ્યા?

26,જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ, ગણતંત્ર દિવસ અને આપણી લોકશાહી ઉજવવાનો દિવસ!
આપણે આઝાદ થયાનાં માત્ર પંદર દિવસમાં જ એટલે કે 29, ઓગસ્ટ 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી.  કમિટીનું કાર્ય- બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરાયેલા ભારતના બંધારણના મુસદ્દાની ચકાસણી, એસેમ્બલી દ્વારા પહેલાં લીધેલાં નિર્ણયોની ચકાસણી કરવાનું અને તેને બંધારણીય રીતે અસરકારક બનાવવાનું હતું. ડ્રાફ્ટિંગ કમિટીમાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલાચારી, કે.એમ.મુનશી, મોહમ્મદ સાદુલ્લા, એન. માધવ રાવ (બી.એલ. મીતર તેની માંદગીનાં લીધે રાજીનામું આપી દેતાં તેનું સ્થાન લીધું.), ટી.ટી.કૃષ્ણામચારી (ડી.પી.ખૈતાનનું મૃત્યુ થતાં તેનું સ્થાન લીધું.) અને બી.આર આંબેડકર એમ કુલ સાત જેટલાં સભ્યો હતાં. અને ચેર પર્સન હતાં ડો.ભીમરાવ રામજી આંબેડકર.
બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની મહેનત પછી ડ્રાફ્ટિંગ કમિટીએ બંધારણનો મુદ્દો તૈયાર કરી નાખ્યો. અને 26, નવેમ્બર 1949નાં રોજ બંધારણને ફોર્મલ રીતે એડોપ્ટ કરી લેવામાં આવ્યું. પરંતુ કાયદેસર રીતે બંધારણને લાગુ કરવામાં આવ્યું 26, જાન્યુઆરી 1950થી.
બંધારણ તૈયાર થઈ ગયું હોવા છતાંય, બે મહિના મોડું લાગુ કરવાનું કારણ શું? વર્ષ 1929માં 31,ડિસેમ્બરનાં રોજ રાવી નદીનાં કિનારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં વાર્ષિક લાહોર અધિવેશનમાં પ્રમુખ જવાહરલાલ નેહરુએ ત્રિરંગો ફરકાવીને પૂર્ણ સ્વરાજની માંગ કરી અને 26, જાન્યુઆરી 1930નાં રોજ પ્રથમ વખત સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો.
ભલે બંધારણ લાગુ કરવામાં આવ્યું હોય 26, જાન્યુઆરી 1950થી, પરંતુ બંધારણનાં અમુક આર્ટીકલ 5, 6, 7, 8, 9, 60, 324, 366, 367, 379, 380, 388, 391,392 અને 393 (નાગરિકતા, ચૂંટણી, કામચલાઉ સંસદ વગેરેની કલમ) તારીખ 26, નવેમ્બર 1949નાં દિવસે જ લાગુ થઈ ગયાં હતાં.
આપણો પ્રજાસતાક દિવસ એ પુરેપૂરો લોકોત્સવ એટલે કે જન સામાન્યનો ઉત્સવ બની શક્યો નથી.કેમકે..જન્માષ્ટમી, દશેરા, મકરસંક્રાતિ, ઈદ કે પર્યુષણને જેમ લોકો હોંશે હોંશે ઉજવે છે તેમ ગણતંત્ર દિવસને ઉજવતા જોવા મળતાં નથી. ખરેખર તો જે કારણથી(લોકશાહી) આટલાં બધાં ઉત્સવો આપણે ઉજવી શકીએ છીએ એ લોકશાહીનો દિવસ આપણે ઉત્સાહથી ઉજવતાં નથી.
ગણતંત્ર દિવસ એ માત્ર સરકારી કર્મચારીઓ માટેનો જ દિવસ હોય એવું લાગે છે. જેટલું મહત્વ રાષ્ટ્રમાં લોકશાહીનું છે એટલું મહત્વ જનમાનસમાં લોકશાહી દિવસનું હોય એવું લાગતું નથી. પણ આનું કારણ શોધવું જરૂરી છે.
લોકોની માનસિકતા સરકાર પ્રત્યે તદ્દન ઉદાસીન છે. સરકારી કામ કરાવવામાં પડતી હાલાકીનું આ પરિણામ છે. ફાઈલો,કોઈ જરૂરી સામાન્ય ડોક્યુમેન્ટ કઢાવવામાં પણ ખાવા પડતાં અગણિત ધક્કાઓને લીધે સામાન્ય માણસમાં સરકારી કર્મચારીઓની છબી ખૂબ નકારાત્મક (ખાલી પગાર લઈને એશ-આરામ અને ભ્રષ્ટાચારી) રીતે ચિતરાયેલી છે. અને થોડે-ઘણે અંશે એ સાચું પણ છે. લોકોની સરકાર પ્રત્યે વધતી જતી ઉદાસીનતાનું પરિણામ સારું આવતું નથી. આઝાદીનાં અને લોકશાહીનાં આટલાં વર્ષો પછી પણ ગરીબી, ભૂખમરો, બેરોજગારી વગેરે જેવા સવાલો આપણી સામેથી હટવાનું નામ લેતાં નથી. જેમાં ક્યાંક લોકો અને સરકાર બન્ને જવાબદાર છે. સવારે ઉઠતાં વેંત જ પહેલો પ્રશ્ન રોટલીનો આવતો હોય એવા સામાન્ય માણસનાં ભૂખ્યા બળબળતા પેટમાં રાષ્ટ્રવાદનું સ્થાન કેટલું હોય એ પ્રશ્ન વિચારવા જેવો છે.
જ્યારે સરકારી ગોદામોમાં હજારો લાખો ટન અનાજ સડી જાય છે (અને અમુક વખત સાંઠ-ગાંઠ કરીને અનાજને સડાવી દેવામાં આવે છે. દારૂ બનાવવા માટે. કેમ કે સડેલું અનાજ ખૂબ જ સસ્તા ભાવે મળી જાય. એટલે દારૂ પણ સસ્તો બનાવી શકાય. પણ સરકાર દ્વારા આ બાબતને નજરઅંદાજ કરવામાં આવે છે.) ત્યારે આજે ય દેશની ચોથા ભાગની વસ્તીને પુરું ત્રણ ટંક જમવા મળતું નથી. સરકારી તંત્રના ગેર વહીવટનો આ પુરાવો છે પરંતુ તેમાં બહું ધ્યાન આપવામાં આવતું નથી.
સરકારી કર્મચારીઓ-અમલદારો એ પ્રજાના સેવકો છે. પરંતું એવું ભાગ્યે જ બને છે. મોટાભાગનાં અમલદારો પોતાનો રુઆબ કે મિજાજ બતાવવાની એક તક છોડતાં નથી. ઓફિસર હોવાનો અહંકાર ખુદને પ્રજાનાં સેવક બનવા દે નહીં. સરકારની તરડાતી છબી અંતે પ્રજા અને સરકાર બન્ને માટે નુકશાનકારક છે.
પ્રજાસતાક દિવસ, એ મંત્રીશ્રીઓને માત્ર વાયદાઓ કરવાં માટે જ નથી, પરંતુ ભારતનું બંધારણ એ વાયદાઓ પૂરાં કરવાની પણ શીખ આપે છે. (બંધારણ એ રાષ્ટ્ર દ્વારા નાગરિકને આપવામાં આવતી લેખિત ગેરંટી છે!) પરંતું કહેવાતાં લોક નેતાઓને પોતાની છબી વિરાટ બનાવવામાં સિવાય કે પોતાનો સ્વાર્થ સાધવા સિવાયનાં કોઈ જ આદર્શો કે મૂલ્યો હોતાં નથી. પોતાની સરકાર અને પોતાની છબીને બીજા કરતાં ઉત્કૃષ્ઠ બતાવવાં નેતાઓ ભાષણબાજી કરે છે અને પ્રજાના મતો પડાવે છે.
સરકાર ગમે તેવી હોય-સરકારી તંત્ર ગમે તેવું હોય પરંતુ લોકશાહી આપણી છે! અને તે ટકવી જોઈએ. પ્રજાજનોને પ્રજાસતાક દિવસ પોતાનો લાગે-પોતાની સત્તા છે એવું લાગે-સરકારી અમલદારો એ એનાં સેવકો છે એવું લાગે ત્યારે ગણતંત્ર દિવસ ખરો લોકોત્સવ ઉજવાશે. લોકમાનસ અને સરકારી તંત્ર જો એકમેક માટે ના બની શકે – ઓતપ્રોત ના થઈ શકે તો એનાં પરીણામો દેશ માટે ખૂબ હાનિકારક નીવડે. માટે બને તેટલું ઝડપથી, સરકારી તંત્ર અને પ્રજા એક તાંતણે પરોવાઈ જાય એ ઇચ્છનીય છે. જય હીંદ.

તણખો


લોકશાહીમાં ધનિક લોકો કરતાં ગરીબ લોકો પાસે વધારે શક્તિ હોવી જોઈએ, કારણ કે તે વધારે હોય છે અને બહુમતીની ઇચ્છા સર્વોચ્ચ હોય છે!

-એરીસ્ટોટલ


ભાવિક મેરજા

Related posts

Leave a Comment