“તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માવતર પાસેથી રૂપિયા લાવવા પડશે”, સાસરિયાની દહેજની માંગણી

  • ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી કરીને માનસિક- શારીરિક ત્રાસ આપતા સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ
  • માવતર ગરીબ હોવાથી યુવતી સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી, અંતે કંટાળીને નોંધાવી FIR

ગુજરાત: સુરેન્દ્રનગરમાં રહેતી યુવતીનાં વર્ષ 2018માં સમાજનાં રીતરિવાજ મુજબ ધ્રાંગધ્રાનાં યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નનાં ત્રણ મહીના બાદ સાસરિયા તરફથી અવાર-નવાર દહેજની માંગ કરીને યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી. યુવતી છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાની સાથે રહે છે. અંતે કંટાળીને યુવતીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે દહેજની માંગ કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગરમાં રહેતી 23 વર્ષની રેશ્મા(નામ બદલ્યું છે)નાં 2018માં ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડ ખાટકીવાસ ખાતે રહેતા યુવક સાથે સમાજનાં રીતરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. તેઓ પોતાના પતિ, સસરા, સાસુ અને બે નણંદ સાથે સંયુક્ત ઘરમાં રહેતા હતા. લગ્ન થયાનાં શરૂઆતમાં ઘર સંસાર સારી રીતે ચાલતો હતો. પરંતુ લગ્નના ત્રણ મહિના થયા બાદ રેશ્માનાં સાસુ અને બંને નણંદ “તું તારા માવતરને ત્યાંથી કાઈ લઈને આવી નથી, પહેરેલાં કપડે આવી છો” તેમ કહી અને પતિ પણ “જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માવતર પાસેથી રૂપિયા લાવીને મને આપવા પડશે” તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. રેશ્માનો ઘરસંસાર તૂટે નહીં તેથી તે સાસરિયા પક્ષનો ત્રાસ સહન કરતી હતી. આ દરમિયાન એક દિવસે રાત્રે જમવાનાં સમયે તેના પતિ, સાસુ, સસરા અને બંને નણંદ મળીને “જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માવતર પાસેથી રૂપિયા લાવવા પડશે” તેમ કહેલું. જેથી રેશ્માએ “મારા માવતર ગરીબીમાં જીવે છે, તેમની પાસે રૂપિયા નથી” તેમ જણાવતા સાસરિયા પક્ષે અશબ્દ બોલી, માર મારીને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ સાસરિયા વાળાએ “તારા માવતરને ત્યાંથી રૂપિયા લાવી ઘરમાં પગ મુકજે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી રેશ્માને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી રેશ્માએ તેનાં પિતાને ફોન કરીને બોલાવ્યાં હતા. રેશ્મા છેલ્લા દોઢ વર્ષથી તેનાં પિતા સાથે રહે છે. આમ સાસરિયા પક્ષ તરફથી અવાર-નવાર દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી રેશ્માએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related posts

Leave a Comment