બેંગ્લોરનાં આઇફોન પ્લાન્ટમાં પગાર બાબતે કર્મચારીઓએ કરી હિંસા

  • iPhone બનાવતી કંપનીમાં કર્મચારીઓએ કરી ધમલ
  • પગાર બાબતે ચાલી રહેલી ચર્ચા હિંસક બની

નેશનલ: બેંગ્લોર થી 60 km. દૂર આવેલા આઇફોનનાં પ્લાન્ટમાં આજે શનિવારે સવારે હિંસા ફાટી નિકળી હતી. પ્લાન્ટનાં કામદારોનાં પગારના મામલે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

બેંગ્લોર નજીકનાં નરશાપૂરા ખાતે તાઇવાનની મહાકાઇ કંપની વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોનનો વિશાળ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં અંદાજે 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓએ પગાર અને સુવિધા મામલે આજે સવારે નાઇટ શિફટ પૂર્ણ કર્યા પછી ધમાલ શરૂ કરી હતી. પ્લાન્ટનાં ફર્નીચરનો ભૂકો બોલાવી દેવામાં આવ્યો અને કેટલાંક વાહનોને પ્લાન્ટની અંદર આગ લગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ધમાલ ને પરિણામે મેનેજમેન્ટનાં સિનિયર અધિકારીઓ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા.

પ્લાન્ટમાં થયેલી તોડફોડ વિડીયોમાં કેદ થઈ છે. કર્મચારીઓનું મોટું ટોળું કંપની ઓફિસોનાં સંખ્યાબંધ કાચ અને દરવાજાઓ તોડતા વિડીયોમાં દેખાઇ રહ્યા છે. કેટલીક કારને ઊંધી વાળી દેવામાં આવી હતી. વિવિધ વિભાગોનાં કામદારોનાં પગારોમાં ઘટાડો કરવામાં આવ્યા પછી આ બબાલ થઇ હોવાનું કહેવાય છે.

તાઇવાનની કંપનીએ રૂપિયા 2900 કરોડના ખર્ચે આ પ્લાન્ટની સ્થાપના કરી છે. આ ઉદ્યોગ સિધી અને આડકતરી રીતે અંદાજે 10,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. સમગ્ર પ્લાન્ટ 43 એકરમાં પથરાયેલો છે. આ સ્થળે એપલનાં સ્માર્ટફોન આઇફોન એસઇ ઉપરાંત ઇન્ટરનેટ ઓફ થીંગ્સ અને બાયોટેક સાધનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે સવારે આ પ્લાન્ટમાં હિંસાની ખબર મળ્યા પછી છેક બેંગ્લોરથી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

Leave a Comment