અખબાર ઉદ્યોગે સરકાર પાસેથી માગ્યું પેકેજ

નેશનલ: ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)નાં પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માંગ કરી છે. આઈએનએસ ઘણાં મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. INSનું કહેવું છે કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોવિડ-19ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશનને બહુ જ ખરાબ અસર થઈ છે. આ કારણે અનેક પ્રકાશનો બંધ થઈ ગયાં છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ર્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકનાં ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8 મહિનામાં ઇન્ડસ્ટ્રીને લગભગ 12,500 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે અને વર્ષનાં અંત સુધીમાં આ નુકસાન 16,000 કરોડ સુધી પહોંચી શકે છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચોથો સ્તંભ ધ્વસ્ત થવાથી એનાં સામાજિક અને રાજકીય ગંભીર પરિણામોની કલ્પના થઈ શકે છે. એનાથી 30 લાખ શ્રમિકો અને સ્ટાફ પર પણ અસર થશે. આ તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીઝમાં પત્રકાર, પ્રિન્ટર, ડિલિવરી વેન્ડર અને અનેક સ્વરૂપે કામ કરી રહ્યા છે. ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રી ધ્વસ્ત થવાની વિનાશકારી અસર લાખો ભારતીયો પર પડશે, જેમાં કર્મચારીઓ અને તેમનો પરિવાર તો સામેલ છે, પણ તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો, પ્રિન્ટિંગ પ્રેસ, ન્યૂઝપેપર વેન્ડર અને ડિલિવરી બોય સહિત વિતરણની સપ્લાઈ ચેઈનની એક બૃહદ ઇકો-સિસ્ટમ પર એની અસર પડશે. દાયકાઓથી આ બધા આજીવિકા માટે આ ઉદ્યોગ પર આશ્રિત છે. ભારતીય ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીએ દરેક પડકારનાં સમયમાં સત્યાપિતને તથ્યાત્મક સમાચારનાં પ્રસારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

સુપ્રીમ કોર્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ સમયાંતરે એની પ્રશંસા થતી રહી છે. આ ઉદ્યોગ સંકટમાંથી ઉગરવા સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છે અને હવે એની નજર સરકાર પર છે. સરકાર સમક્ષ માગ કરાઈ છે કે ઇન્ડસ્ટ્રીને અતિ આવશ્યક પ્રોત્સાહન પેકેજ આપવામાં આવે, જેમાં ન્યૂઝપ્રિન્ટ, જીએનપી અને એલડબ્લ્યુસી પેપર પરની સેશ 5 ટકા કસ્ટમ ડ્યૂટી હટાવવી, 2 વર્ષ સુધી ટેક્સ હોલિડે, સરકારી જાહેરાતના દરમાં 50 ટકા વૃદ્ધિ, પ્રિન્ટ મીડિયા પર સરકાર દ્વારા થતા ખર્ચમાં 200 ટકાનો વધારો અને બીઓસી તથા રાજ્ય સરકારોનાં માધ્યમ દ્વારા અપાતી જાહેરખબરોના વિલંબિત બિલની તરત ચુકવણી કરવી વગેરે સામેલ છે, કારણ કે આ સમયની માંગ છે.

Related posts

Leave a Comment