- વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા જતાં વચ્ચે બાઇક થયું બંધ, આખો દિવસ રણમાં ભૂખ્યા-તરસ્યા થયા બેભાન
- રણમાં કોઈ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા નજીકના ગામના માણસો બંને વ્યક્તિને બચાવવા દોડી આવ્યાં
ગુજરત: ધ્રાંગધ્રાના તાલુકાના દલવાડી સમાજના બે વ્યક્તિ કચ્છના નાના રણમાં વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. રણમાં રસ્તો ભુલતાં આખો દિવસ વીતી જતા ભૂખ્યાં-તરસ્યા રણમાં વલખા મારી રહ્યાં હતાં. તેવામાં નજીકના ગામમાં રણમાં કોઇ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતા કેટલાંક માણસો બંને વ્યક્તિને બચાવા દોડી આવ્યાં હતાં.
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના અને ધ્રાંગધ્રાના દલવાડી સમાજના બે વ્યક્તિ સવારે બાઇક લઈને કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ (વાછડા) દાદાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. રણમાં પહોંચતાં આગળ જતા રસ્તામાં વરસાદી પાણી ભરાયું હોવાથી રસ્તો બંધ હતો અને ઉપરથી તેમનું બાઇક પણ બંધ થઈ ગયેલું. ત્યારબાદ અજાણી ધરતી પર કોઈની આવવાની આશા સાથે રણમાં ફરતાં-ફરતાં રસ્તો ભટક્યાં હતાં. વેરાન રણમાં એવામાં પીવાનું પાણી પણ ખતમ થઈ જતાં પરિસ્થિતિ ખૂબ જ કપરી બની હતી. આમ સવારના આશરે 10 વાગ્યાથી તેઓ બંજર રણમાં પાણી વગર તરફડીયા મારી રહ્યાં હતાં. તે સમયે કુદરતનો ચમત્કાર ગણો કે વાછડાની મહેર. એવામાં નજીકના ગામમાં રણમાં કોઇ ફસાયું હોવાના ઉડતા સમાચાર આવતાની સાથે અશ્વિનભાઈ કુડેચા નામના વ્યક્તિ પોતાનું ટ્રેક્ટર લઈને સુમસાન રણમાં બે વ્યક્તિની મદદ અર્થે દોડી આવ્યાં હતા.
તેવામાં રાત્રીનો સમય થઈ જતાં બાઇક લઈને આવેલા વ્યક્તિઓને શોધવા વધુ મુશ્કેલ હતું. પરંતુ અશ્વિનભાઈ અને તેમની સાથે આવેલા માણસો દ્વારા રણના ઘમઘોર અંધારામાં મોબાઈલની લાઈટ કરી નજીકના કુડાથી 20 કિલોમીટર દૂર બે વ્યક્તિને બેભાન અવસ્થામાં શોધી લીધા હતાં. આમ તેઓને તરત જ પીવાનું પાણી આપી નાસતો કરાવ્યો હતો. ત્યારબાદ બંને વ્યક્તિને ટ્રેકટરમાં બેસાડી હેમખેમ હાલતમાં ઘરે લાવ્યાં હતાં. આમ અશ્વિનભાઈ અને તેમની સાથે મદદ કરવા આવેલા માણસોએ બંને વ્યક્તિને ઘરેથી વિદાય આપી માનવતાનો ધર્મ નિભાવ્યો હતો.