પ્રેમ…ઇશ્ક…પ્યાર…મહોબ્બત…

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો! વેલેન્ટાઇન દિવસ એટલે કે 14, ફેબ્રુઆરી- આવ્યા પહેલાંનું એક આખું અઠવાડિયું પ્રેમનું સપ્તાહ તરીકે ઉજવાય ખરું! પાછા જાત – જાતનાં દિવસો આવે અને યુવા દિલો એને હોંશે હોંશે ઉજવે!

તો આજનાં લેખમાં… અમે કરીશું પ્રેમની વાતો અને તમે કરજો પ્રેમ.. એવું કરીએ! તો બીજી કોઈ જ આડી-અવળી વાત કર્યાં વગર વિશ્વભરનાં ફિલસૂફો, લેખકો, કવિઓ, વિચારકોએ પ્રેમ વિશે શું કહ્યું છે એ જ વાંચો! તમે વિચારી રહ્યાં છો કે પ્રેમ થોડો કંઈ ચર્ચા કરવાનો- વાચવાનો વિષય છે… હાં, સાચું..ચર્ચા કરવાનો વિષય નથી..પણ છતાંય સૌથી વધારે કોઈ વિષય- વસ્તુ પર લખાયું હોય – બોલાયું હોય – ચર્ચાયું હોય – વંચાયું હોય..તો એ પ્રેમ પર..

પણ જ્યારે વેલેન્ટાઇન દિવસ આવે ત્યારે સોશીયલ મીડિયા પર એક બાજુ પ્રેમ તરફી અને એની વિરુદ્ધમાં સામ સામે ડિબેટો થાય છે. સાથે વેલેન્ટાઇન વીકની સામે, પોતાની છાપ રાષ્ટ્રવાદી તરીકે ઉભી કરવાં આઝાદી માટે લડેલા આપણાં ક્રાંતિકારીઓ – સત્યાગ્રહીઓને નક્કી કરીને એમનાં દિવસએ દિવસે ઉજવવાનું એક મોટું લીસ્ટ કરવામાં આવે છે! બુદ્ધિહીનતા દર્શાવતું કૃત્ય છે આ!

શરૂઆત, ક્રાંતિકારી ભગતસિંહથી જ કરીએ. ભગતસિંહ જ્યારે નેશનલ કોલેજમાં હતાં ત્યારે એક સહયાત્રી ભગતસિંહને જોઈને મુસ્કુરાતી..આંખોથી વાતો થતી અને એ પણ ભગતસિંહ પાછળ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પણ સામેલ થઈ હતી! ધારાસભામાં બોમ્બ ફેંકવા બાબતે ચર્ચા ચાલી રહી હતી અને ચંદ્રશેખર આઝાદે કહું કે ‘ભગતસિંહની અહીં જરૂર હોવાથી એ બોમ્બ ફેંકવા જશે નહીં’. અને એની ખરાબ પ્રતિક્રિયા સુખદેવ એ આપી. સુખદેવ એ ભગતસિંહને લખ્યું કે, ‘તું પેલી યુવતીનાં કારણે જ બોમ્બ ફેંકવા જતો નથી. તું મોતથી ડરે છે.તું એને પ્રેમ કરે છે. એ પરવશતાને લીધે જ તું આ મહાન કુરબાનીનાં કાર્યમાં સામેલ થતો નથી!’

અને સામે ભગતસિંહ સુખદેવને પત્ર લખે છે. પત્ર લાંબો છે પણ એનો નાનકડો ટુકડો અહીં વાંચીએ…

પ્રિય સુખદેવ,
મારું મન આશાઓ અને આકાંક્ષાઓથી ભરપુર છે અને હું જીવનની આનંદમય રંગીનીઓથી ઓતપ્રોત છું. પરંતુ, આવશ્યકતા પર હું બધું જ કુરબાન કરી શકું છું અને એ જ વાસ્તવિક બલિદાન છે એવી મારી સમજપૂર્વકની માન્યતા ‘ને દ્રઢતા છે!
આ ચીજો ક્યારેય મનુષ્યનનાં જીવનમાં અડચણ બની શકતી નથી. પ્રેમ તો હંમેશાં મનુષ્યનાં જીવનને ઉજાગર કરે છે. એને ઉન્નતિનો પંથ ચીંધે છે. એનું પતન કરતો નથી. સાચા પ્રેમનેને ક્યારેય ઘાટ આપવાની આવશ્યકતા હોતી નથી, એ આપમેળે જ આકાર પામે છે!
હાં, હું નિ:સંકોચ અને નિર્ભયતાથી કહી શકું છું કે એક યુવક અને યુવતી પરસ્પર પ્યાર કરે છે અને પોતાનાં પ્રેમનાં સહારે, આવેગોથી ઉપર ઉઠી શકે છે. પોતાની પવિત્રતા જાળવી રાખી શકે છે.
(અને છેલ્લે પત્રમાં સુખદેવને ટકોર કરીને કહે છે કે)તારામાં જે અતિ આદર્શવાદ છે, એને તું ઓછો કર અને એની તરફ બહું કડકાઈ કરીશ નહિ. જો કડક રહીશ તો મારા જેવી બીમારીનો શિકાર બની જઈશ! એની અવહેલના કરીને એનાં દુઃખો અને તકલીફોને વધારીશ નહીં. એને તારી સહાનુભૂતિની આવશ્યકતા છે. શું હું આશા રાખી શકું છું કે તું એ ખાસ વ્યક્તિ પ્રત્યે તું હમદર્દી રાખીશ? જેની એને સહુથી વધારે જરૂર છે! (કદાચ, આ ટકોર એ સુખદેવની કોઈ સ્ત્રી મિત્ર માટેની ટકોર હોવાનો સંભવ છે!)

(આ પત્ર ભગતસિંહે લખીને રાખી દીધેલો.. અને સુખદેવની પ્રતિક્રિયાનાં બીજા જ દિવસે બોમ્બ ફેંકવામાં ભગતસિંહે એમનું નામ સામેલ કરાવી દીધું. અને પછી બોમ્બ ફેંકવા જવાના આગલા દિવસે આ પત્ર ભગતસિંહ સુખદેવને આપેલો)

વિચારો! કેટલી સરળ ભાષામાં ભગતસિંહ માનવીય સંવેદનાની વાત કરી છે!

વિવેકાનંદ લખે છે કે, ‘લવ નેવર ફેઇલ્સ માય સન!’ તો જર્મન અસ્તિત્વવાદી ફિલોસૉફર સોરેન કર્કગાર્ડ કહે છે કે, ‘પ્રેમ એ બધું જ છે. સર્વસ્વ. પ્રેમ બધું જ આપી દે છે અને પ્રેમ બધું જ લઈ લે છે!’ અને એવું પણ કહે છે કે, ‘જ્યારે પ્રેમમાં પડો ત્યારે બહુ વિચારી-વિચારીને પ્રેમમાં પડશો નહીં. પ્રેમમાં તો ખાબકવાનું હોય અને ઘવાઈ જઈને જિંદગીભર વલોવાયા કરવાનું હોય છે!’

બાપુભાઈ ગઢવી લખે છે:
તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી?

ઓશો વારંવાર કહેતાં કે..પ્રેમ એ જ મારો સંદેશ છે!

સદગુરુ જગ્ગી વાસુદેવે કહેલું કે : ‘જગતમાં કે ભારતમાં યુદ્ધ હોય કે ન હોય, પણ આપણે ડરેલા રહીએ છીએ. દુ:ખથી ભાગીએ છીએ. તમારા મનમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખો એટલે તમામ સમસ્યા ઊકલી જાય છે. પ્રેમનું જ સામ્રાજ્ય ફેલાવા દો.’

ફિલસૂફ અનાતોલે ફ્રાંસએ કહેલું:
‘તમે કોઈપણ ક્ષેત્રમાં હો, જે પ્રવૃત્તિ હાથમાં લીધી હોય, જે વ્યક્તિને પ્રેમ કરતા હો, તેને હમણાં, આજે, અત્યારે રાત્રે અને દિવસે, શિયાળા કે ઉનાળામાં પ્રેમ કરતા રહો. તમે જગતમાં આ માટે જ પેદા થયા છો. બાકી જિંદગીમાં કંઈ નથી. પ્રેમ સિવાય અને પ્રેમનાં ડિવોશન સિવાય જિંદગી માત્ર એક ભ્રમ છે, બનાવટ છે અને બધું જ વ્યર્થ છે.’

મહાન ફિલસૂફ પ્લેટો પ્રેમને ‘સિરિયસ મેન્ટલ ડિસીઝ’ કહેતા અને એમનાં જ શિષ્ય એરિસ્ટોટલ કે જે સાડત્રીસમાં વર્ષે પરણ્યા! તે કહે છે કે : ‘સ્ત્રીનાં પ્રેમ વગર અને પ્રેમમાં ઘવાયા વગર પુરુષ જીવી શકે નહીં!’

ઘણાં કહે છે કે પ્રેમ એ એક-દમ અટપટો છે. ઘણાં કહે છે કે પ્રેમ એ એક દમ સહેલો છે. બધાનાં પોત પોતાનાં અનુભવ મુજબ! ગીતકાર શૈલેન્દ્ર એ લખેલું.. ‘ અજીબ દાસ્તાં હૈ યે, કહા શુરૂ કહા ખતમ!’ અને સંતોષ આનંદ લખે છે કે, ‘એક પ્યાર કા નગ્મા હૈ..મૌજો કી રવાની હૈ.. જિંદગી ઔર કુછ ભી નહિ…તેરી મેરી કહાની હૈ!’

પ્રેમમાં એકબીજા સાથે એકબીજા માટે જીવી જવાની વાત આવે..એકબીજાં માટે ફના થઈ જવાની વાત આવે. અમેરીકન એક્ટર માઈકલ મોરિયાર્ટી કહે કે, ‘જ્યારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે જીવન શ્રેષ્ઠ છે. તો માર્ટિન લુથર કિંગ કહે છે કે મેં પ્રેમ સાથે વળગી રહેવાનું નક્કી કર્યું છે. નફરત – ધિક્કાર સહન કરવું એ ખૂબ મોટો ભાર છે!’

પણ પ્રેમમાં તકલીફોની કોઈ સીમા નથી હોતી. અંગતથી લઈને સામાજિક. રજનીશજી કહે છે કે, ‘ફેમીલી ઇઝ ઓલવેયઝ અગેઇન્સ્ટ લવ!’ કેમ કે પ્રેમ એ એક ઉર્જા ઉત્પન્ન કરે છે. જે તમારા પર કોઈના આધિપત્ય પર સવાલ ઊભો કરે છે! અને આધિપત્યનું સામ્રાજ્ય જતું રહે એ અહંકારીઓને પસંદ પડે તેવી વાત નથી.

ઘણી વખત પ્રેમને છુપાવવો પડે! પણ મરીઝ કહે છે..
એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે!

મિર્ઝા ગાલિબ લખે છે..
ઇશ્ક પર જોર નહીં હૈ યે વો આતિશ ગાલિબ,
કી લગાયે ન લગે, બુજાયે ન બને!

સૂફીગુરુ હજરત ઈનાયત ખાં કહે છે કે:
‘જીવનમાં મેં પ્રેમ કર્યો છે અને પ્રેમ મેળવ્યો પણ છે અને પ્રેમનાં હાથે મેં વિષની પ્યાલી અમૃત માનીને પી લીધી છે!
જીવનના હર્ષ અને શોકથી ઉપર ઊઠી શક્યો છું. ક્યારે? જ્યારે મને ભરપૂર પ્રેમ મળ્યો છે અને સામે એનાથી બમણો પ્રેમ મેં આપ્યો છે ત્યારે!
મારા પ્રેમ પ્રજ્વલિત હૃદયે જ કોઈ હૃદયને મેં સ્પર્શ કર્યો છે. મારું હૃદય કોઈને પ્રેમ આપીને જરૂર ચિરાયું છે, પણ એ પછી ફરી એટલું બધું મજબૂત રીતે જોડાયું છે કે મને પ્રેમભંગ થયાનો અનુભવ જ થયો નથી! મારાથી પ્રેમનો રિશ્તો તોડનારને પણ મેં પ્રેમ કર્યો છે!
મારું હૃદય ઘાયલ થયું છે અને ફરી-ફરી રૂઝાય છે. મારું હૃદય હજાર વાર મૃત્યુ પામ્યું છે અને પ્રેમની કૃપાથી હજીયે હજાર વાર પ્રજ્વલિત છે. હું નરકમાંથી પસાર થયો છું ત્યારે મેં પ્રેમની ધધકતી આગ જોઈ છે!’

એટલે જ જીગર મુરાદાબાદી એ લખ્યું હશે ને..
યે ઇશ્ક નહીં આસાં ઇતના સમજ લીજીયે,
ઇક આગ કા દરિયા હૈ, ઔર ડૂબકે જાના હૈ!

અને અમીર ખુશરો કહે છે..
ખુશરો દરિયા પ્રેમ કા સો ઉલ્ટી વાકી ધાર,
જો ઉબરા સો ડૂબ ગયા, જો ડૂબા સો પાર!

કેટલી અજીબ વાત! કે જેને બહાર આવવાની કોશિશ કરી એ ડૂબી જશે અને જે ડૂબશે એ પાર થઈ જશે!

પ્રેમ ક્યારે થાય? કોની સાથે થાય? કેમ થાય? એની કશી ખબર પડતી નથી! એનું એનેલીસિસ કરવાની તસ્દી પણ પ્રેમીઓએ લેવાની ના હોય. એ બસ થવા દેવાનો હોય અને એનાં પ્રવાહમાં તરતાં જવાનું હોય! તુષાર શુક્લની એક કવિતા યાદ આવે છે..
‘ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી!’

પત્રકાર-લેખક કાંતિ ભટ્ટનાં જમાઈ જિત થેઇલ લખે છે: ‘ઈશ્વર સર્વત્ર છે. જ્યાં બે પ્રેમી ભેગાં મળી, રોટલો પક્વીને જમે ત્યાં ઈશ્વર છે.તમે પ્રેમાળ હો તો શ્વાસે શ્વાસે પીડા છે. બ્યુટી એવી સ્ત્રીમાં છે જે તમને પ્રેમની પીડા આપે છે. તમને શોષી લે છે અને એ શોષણ સહન કરી લો છો ત્યારે જ સ્ત્રી અતિ દિવ્ય આહ્લાદ આપે છે, પણ તમારામાં આવી ધીરજ છે?’ (વ્હેર ઇઝ બ્યુટી, ઈટ ઇઝ ઇન વાઈન ધેટ લવ્સ અસ, એન્ડ ગોડ? ઇન ધ બ્રેડ વીચ ઇઝ ઇન ઓવન, વ્હેર ઈઝ સોરો? ઇન ઇચ માઉથફુલ ઓફ એર, એન્ડ બ્યુટી? ઇન ધ વુમન હુઝ લોટ ઈટ ઈઝ, ટુ વીયર અસ ડાઉન એન્ડ ધેન ડિલાઈટ અસ, એડ : હીયર ઈઝ એવરી વ્હેર.)

મેક્સ લુકાડો કહે છે : ‘કાલ આવવાની જ ના હોય તેમ પ્રેમ કરો, અને જો કાલ આવે તો ફરીથી પ્રેમ કરો!’

તો ખલીલ જિબ્રાન લખે છે કે: ‘પ્રેમ વિનાનું જીવન ફૂલો કે ફળ વિનાના વૃક્ષ જેવું છે!’

ફોકલ્સનું સૂત્ર હૃદયની દિવાલમાં લખી રાખવાં જેવું છે,:
‘વન વર્ડ ફ્રીઝ અસ ઓફ ઓલ વેઈટએન્ડ પેઈન, ધ વર્ડ ઈઝ ‘લવ!’ અર્થાત ‘એક શબ્દ જે સોને મઢવા જેવો છે તે આપણી જીંદગીની તમામ ચિંતાઓ અને પીડાથી મુક્ત કરે છે અને શબ્દ એટલે ‘પ્રેમ!’’

પ્રેમમાં ઘણી વાર એવું પણ લાગે કે આપણે અલગ છીએ.. આપણાં સ્વભાવ – આપણી આદતોથી વિરૂદ્ધ. મહાન ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ફિલસૂફ બ્લેઇઝ પાસ્કલ કહે છે કે : ‘જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતને પહેલાંની તુલનામાં તદન અલગ ફેરફાર જોતાં હોઈએ છીએ!’

મહાન પર્શિયન સૂફી કવિ રૂમી કહે છે: ‘પ્રેમ માટે બધો જુગાર ખેલો, જો તમે ખરેખર સાચા મનુષ્ય છો તો! બાકી આ બધો મેળાવડો છોડો, અર્ધ-દિલતા (Half-Heartedness) ક્યારેય મહિમા-પ્રાર્થનાની ઊંચાઈ સુધી પહોંચી શકતી નથી!’

ઘણી વાર આપણો પ્રેમ કોઈ સ્વીકારે નહીં એવું પણ બને! અને પછી? જેને આપણે એક તરફી પ્રેમ એવું નામ આપ્યું છે , ત્યારે?
અમૃતાજી લખે છે કે, ‘ જીંદગી તમારાં એવાં જ ગુણોની પરીક્ષા લે,જે તમારી અંદર મોજૂદ છે.. મારી અંદર ઇશ્ક હતો!’

અને ફિરાક ગોરખપુરી શું લખે છે?
મેં હૂં, દિલ હૈ, તન્હાઈ હૈ;
તુમ ભી હોતે તો અચ્છા હોતાં!

જ્યારે જેની સાથે જીવવું છે – અથવા તો જીવવાની ઈચ્છા હતી, પણ જીવી શકાયું નથી- એવું બને ત્યારે સાહિર લુધિયાનવીની નઝ્મ યાદ આવે:
કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ,
કી જિંદગી તેરી ઝુલ્ફો કી નર્મ છાવ મેં
ગુઝરને પાતી તો શાદાબ હો ભી સકતી થી!

પણ ફૈઝ અહમદ ફૈઝ કહે છે કે,
મુજસે પેહલી સી મહોબ્બત મેરે મેહબૂબ ન માંગ!

લ્યો બોલો! કરો વાત! વિચારો ફૈઝ સાહબ આવું કેમ કીધું હશે!?

પ્રેમમાં એકલતાનું સ્થાન અવગણી શકાય તેમ નથી. પ્રસિદ્ધ હિરોઈન મીનાકુમારી લખે છે..
ચાંદ તન્હા હૈ, આસમાન તન્હા, દિલ મિલા હૈ કહાં કહાં તન્હા!
જિંદગી ક્યાં ઇસિકો કહતે હૈ, જીસ્મ તન્હા ઔર જહાં તન્હા?

અને જ્યારે પ્રેમમાં દુઃખ, પીડા, વેદનાની વાત મીરાં બાઇ કરે છે…
હે રી મેં તો પ્રેમ દિવાની મેરો દરદ ન જાણે કોઈ,
ઘાયલ કી ગતી ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય!

અને ફૈઝ સાહબ કહે છે કે,
કર રહા થા ગમ-એ-જહાં કા હિસાબ,
આજ તુમ યાદ બે-હિસાબ આયે!

અને ફ્રેન્ચ ફિલસૂફ ડો.અલેન બાદુ કહે છે કે: ‘જે પ્રેમમાં પડીને ઘવાઈ જવા તૈયાર નથી તે પ્રેમ માટે લાયક નથી!’

રશિયન નવલકથાકાર દોસ્તોયવસ્કી કહે છે કે..’વિથ-લવ વન કેન લિવ ઈવન વિધાઉટ હેપ્પીનેસ! પ્રેમ હોય તો માણસ ખુશ થયા વગર પણ જીવી શકે?’

પણ છતાંય પ્રેમને પામવાની ઉત્કટ ઝંખના જતી નથી. અને સતત પ્રેમી/પ્રેમિકાનો સતત ઇન્તજાર રહે છે અને એ મળવાનું પણ નથી.. એ બાબતે ફૈઝ અહમદ ફૈઝ લખે છે કે..
ન જાને કિસ લિયે ઉમ્મીદ-વાર બેઠા હૂં,
એક એસી રાહ પે જો તેરી રહગુઝર ભી નહીં!

અને કવિ કમલ હસન લખે છે…
કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હૈ,
કહાં હો તુમ કી દિલ યે બેકરાર આજ ભી હૈ!

રમેશ પારેખ કહે છે..
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં!

અને જ્યારે આખું જીવન ભરપૂર પ્રેમથી જીવાય જાય ત્યારે ફરી ફેઝ અહમદ ફૈઝ યાદ આવે:
ઔર ક્યાં દેખને કો બાકી હૈ?
આપસે દિલ લગા કે દેખ લિયા!

કાંતિ ભટ્ટ ડાહ્યા લોકોને સલાહ આપતાં કહે છે કે..જ્યારે કોઈ કહે કે મને આની સાથે પ્રેમ થયો છે કે મારે ફલાણી વ્યક્તિ સાથે પરણવું છે ત્યારે દુનિયાના ડાહ્યા લોકોએ ખસી જવું જોઈએ!

તણખો:


શું કામ? શું કામ?
આટલો શોરબકોર?
શું કામ આટલો ઉત્પાત?
ઈશ્વરની એક ભેટની તો કદર કરો
તમને હૃદય શું કામ આપ્યું છે?
હૃદયની ફરજ હૃદયને બજાવવા દો
હૃદયની ફરજ હૃદય જાણે છે
એની ફરજ છે પ્રેમ
પ્રેમ એ જ હૃદયનો પોર્ટફોલિયો છે
હૃદયનાં એ કીમતી ખજાનાને સંભાળો
પ્રેમ આપીને પ્રેમનો પટારો છલકાવો…


-હલફનામા

ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment