સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી!

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી, પણ જીવંત સ્ત્રી, ખાસ કરીને પોતે પોતાને જ લાક્ષણિકરૂપે વ્યક્ત કરતી હોય તેવી સ્ત્રી, મારે માટે રસનો વિષય છે.

ગયાં અઠવાડિયે અલગ-અલગ રાજ્યની ભારતીય કવયિત્રીઓની કવિતાઓ વાંચી હતી. હવે આ અંકમાં દેશના વિદેશની કવયિત્રીઓએ લખેલી કવિતાઓનો આસ્વાદ લઈએ.

ઇસાડોરા ડંકન નામની અમેરિકન કવયિત્રી એ એક શૃંગારિક કવિતા લખી છે:
મારી તો પરમાર પાતળી, શ્વેત સુંવાળા હાથ;
હૈયું રાજી-રાજી કરતી એવી છે તહેનાત!

ફૂટ્યાં સ્તનના બે ગલગોટા ગોળગોળ મધમીઠા;
ભૂખ્યા મારા મુખને દેતાં આમંત્રણ અણદીઠા!

ખિલખિલ ઊઠી દીંટડીઓ બે તી અને ગુલાબી;
તરસ્યો મારો આતમ એનો શોખીન અને શરાબી!

એની હેઠળ છાનુંછપનું થાનક કશું હૂંફાળું;
તાજમતાજો મારો ચહેરો સ્તનથી હું પંપાળું!

મધમાખીના ટોળાં જેવાં ચુંબન મારા સાથળ વચ્ચે પેઠા;
નિતંબ નાજુક બેઉ ભીંસીને હોઠ થયા છે એઠાં!
(અનુ: મહેશ દવે)

ઓગણીમી સદીમાં થઈ ગયેલી કવયિત્રી એન્જેલિના વેલ્ક ગ્રીમક કહે છે:
હું રડું છું
જુવાનીયાઓની જેમ ઘોંઘાટિયું નહીં
વયોવૃદ્ધના જેવું કંટાળેલું નહીં
પણ શાંત.
મહાન આંસુનાં પડે બિંદુ પર બિંદુ
છબછબે મારા હાથ પર.
તને ઉગારી લઉં હું એને જોવામાંથી
તું જાણશે પણ નહીં
હું રડું છું!
(અનુ. ઉત્પલ ભાયાણી)

એવેલીન મોરાલ્સ લખે છે:
મારે મારા બનવું નથી.
મમ્મી કહીને કોઈ મને બોલાવી જ નહીં શકે.
પછી ભલે એ દીકરો હોય કે દીકરી,
એથી ઝાઝો ફરક પડતો નથી –
માતાના હાલ તો હંમેશા ભુંડા જ થાય છે!
(અનુ. દીપક મહેતા)

ગવેન્ડોલિન બ્રૂક્સ બળાપો કાઢે છે:
ગર્ભપાતો ભૂલવા દેશે નહીં તને
તને યાદ છે તને મળેલાં બાળકો જે તને મળ્યાં નહીં,
ભેજવાળા નાનકડા ગર્ભ, થોડાંક અથવા વાળ વગરનાં!
(અનુ. દિનેશ દલાલ)

અને મારિયન મુર કહે છે:
કોને કહીશું નિર્દોષ?
કોને ગણીશું ગુનેગાર?
બધાંય છે નગ્ન
કોઈ નથી સલામત!

મેરી જો સાલ્ટર લખે છે:
પથારીમાં શરીર અને આત્મા વચ્ચે
કોઈ સીધું ને સટ વિભાજન હોતું નથી:
શરીરરચના એ જ બની જાય છે
આત્મલક્ષણશાસ્ત્ર.
ચૂમું છું તારા પ્રત્યેક અંગને,
અરે ભૂલી! આખા ને આખા તને!
(અનુ. મહેશ દવે)

વીસમી સદીની અમેરિકન કવયિત્રી લિલિઆના ઉર્સુ કહે છે:
પેલી વાંસિદુ વાળે છે. પેલો છાપું વાંચે છે.
પેલી વાસણ ધુએ છે. પેલો છાપું વાંચે છે.
પેલી રડે છે. પેલો છાપું વાંચે છે.
પેલી ચીસો પાડે છે. પેલો છાપું વાંચે છે.
પેલો મરી જાય છે. પેલી છાપું વાંચે છે!
(અનુ. પન્ના નાયક)

વીસમી સદીની મહાનતમ અમેરિકન કવયિત્રી સિલ્વિયા પ્લાથ લખે છે:
હું રૂપેરી છું અને સ્વાયત છું
મારી પાસે કોઈ પૂર્વખ્યાલો નથી
હું જે કાઈ જોઉં છું
તેને તરત જ
જેમ છે તેમ જ ગળી જાઉં છું,
પ્રેમ કે અણગમાના ધુમ્મસ વિના.
હું ક્રૂર નથી
કેવળ સત્યભાશી છું.
(અનુ. સુરેશ દલાલ)

ઓગણીસમી સદીની ઇંગ્લેન્ડની કવયિત્રી કહે છે:
જૂના પુરાણા વિચારમાંથી તમારે બહાર નીકળી જવું જ જોઈએ
જેમ નીકળે છે બી તેના ફોતરામાંથી,
તમારે ઓળંગી જવી જોઈએ શૂન્યતાને
તમારા પોતાના તરુણમનની પેલે પાર!

તમારે વિંધવી જ જોઈએ ભાષા જૂની
જેમ ફણગો નવો વીંધે છે
જીર્ણ થયેલાં ખરતા પાનને
જે હતું; જે છે તેને!

તમારે તમારી પોતાની જરૂરિયાત જાણવી જ જોઈએ,
તમારે ખુલ્લંખુલ્લા કરવી જોઈએ હિંમત,
એક કર્મ સંપૂર્ણ સાકાર કરવા,
એક સુંદર આભાને કરવા ફલિત.
(અનુ. દિનેશ દલાલ)

જુલિયા કોપસ લખે છે:
પ્રેમમાં કાઈ આપણે પડતા નથી;
પ્રેમ તો આપોઆપ, સંગીત કે કથાકાવ્યની જેમ,
આપણામાં થઈ પ્રગટે છે!
(અનુ. શ્રીકાંત પટેલ)

સત્તરમી સદીમાં થઇ ગયેલી ઈરાનની કવયિત્રી ઝેબ ઉન્નીશા કહે છે:
હું પર્શિયન રોમાન્સની લયલા છું
તોપણ મારું હ્રદય
નિષ્ઠુર મજનુની જેમ ચાહે છે
મારે રણમાં જવું છે
પણ લજ્જા મારા પગની જંજીર થઈ ગઈ છે
ફૂલોના બાગમાં એક બુલબુલ આવ્યું,
કારણ કે એ મારી શિષ્યા
પ્રેમની બાબતમાં હું ભારે નિષ્ણાંત છું
શમાનો પરવાનો પણ મારી પાસેથી કંઇક શીખી શકે છે!
(અનુ. નિયતિ પરીખ)

વધું આવતાં લેખમાં.

તણખો:


હું છું અઢારની
ને એ છે નવનો.
રાતે મુકું છું એને તેડીને
હાથીદાંતનાં પલંગમાં.
વર કરતાં તો જાજો લાગે દીકરા જેવો.
નખ્ખોદ જજો લગન જોડનાર ગોરનું
જેણે શોધ્યો મારે માટે પતિ,
નખ જેવડો.
અડધી રાતે કરે છે એ મારા પર લઘુશંકા!
~ચીની કહેવત
(અનુ. નિરવ ઇન્દ્રજીત)


© ડો.ભાવિક આઈ. મેરજા

Related posts

Leave a Comment