અને ધીમે-ધીમે દર્દ/પીડા આપણા આખાય અસ્તિત્વ પર કબજો જમાવી લે છે. દર્દ થવું એ આપણું અસ્તિત્વ જાગૃત હોવાની નિશાની છે.
ગઝલ સમ્રાટ મરીઝનો શેર છે ને:
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન;
દે એક મહાન દર્દ અને પારાવાર દે!
મરીઝ સામેથી પારાવાર દર્દ માંગવાની વાત કરે છે!
અને મીરાંબાઈએ ગાયું છે:
હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય;
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય!
સુખની શોધ આપણે હજારો-લાખો વર્ષોથી કરતાં આવ્યાં છીએ. યુ નો, પરસ્યુટ ઑફ હેપ્પીનેસ! આપણું હર એક કદમ સુખની શોધની દિશા તરફનું હોય છે. મોટાં ભાગની ક્રિયા કરવા પાછળનો આપણો ઉદ્દેશ્ય આપણને સુખ મળે એવો જ હોય છે. પણ સુખ એ મૃગજળ જેવું છે. ઝાંઝવાના પાણી જેવું છે. એ ભ્રમણા છે.
જ્યારે દર્દ એ સત્ય છે. સચ્ચાઈ છે. હકીકત છે. પોતાની જાત સાથે એકાકાર થવાનો એક ઝરિયો છે. પીડા એ પગથિયાં છે અસ્તિત્વ સુધી પહોંચવાના. સુખ એ જાત સાથે એકાકાર થવાનાં ખૂબ ઓછા મોકા આપે છે. એ ખુદથી દૂર લઈ જાય છે. અસ્તિત્વને ઓળખવા માટેની અનિવાર્ય શરતો છે: દર્દ અને એકલતા! અને આ બંને વસ્તુઓ કોઈકને પ્રેમ કર્યા વગર મળવી મુશ્કેલ છે. લખી રાખજો જે માણસ પ્રેમ નથી કરી શકતો એ બીજું કશું કરી શકતો નથી.
કતીલ શિફાઈ એ લખ્યું છે:
દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ;
ફિર ચાહે દિવાના કર દે યા અલ્લાહ!
તો અહમદ ફરાઝ એ કહ્યું છે:
યે દિલ કા દર્દ તો ઉમરોં કા રોગ હૈ પ્યારે;
સો જાએ ભી તો પહર દો પહર કો જાતા હૈં!
‘હું દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખું છું!’ જેવું તોફાની સ્ટેટમેન્ટ આપનાર વિખ્યાત અને વિવાદાસ્પદ ચિત્રકાર એમ.એફ. હુસેન સાહેબનો એક અંતરંગ કિસ્સો જાણવા જેવો છે.
હુસેન સાહેબને બાળપણમાં સોળ વર્ષની ઉંમરે સુરૈયા નામની છોકરી સાથે પ્રેમ થયેલો. સુરૈયા એમનો જ બાળપણનો મિત્ર હમિદની નાની બહેન હતી. પણ હુસેન સાહેબ અલગારી જીવ. એટલે સુરૈયાના પપ્પા માન્યા નહિ અને એમને બીજે પરણાવી દીધી. ઘણાં વર્ષો પછી એમ.એફ.હુસેન જ્યારે હુસેન સાહેબ બની ગયાં ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાનને ત્યાં મેહમાન બન્યાં હતા. લગભગ પંચોતેર વર્ષની ઉમરે. અને પછી ત્યાં સુરૈયાની ઘરે ગયા. સુરૈયા તો ખુદાને પ્યારી થઈ ચૂકી હતી. પણ એના મોટાં દીકરાએ એમને સુરૈયાનો એક ફોટો આપ્યો. હુસેન સાહેબે એક કવરમાં સુરૈયાનો ફોટો સાચવીને રાખી મૂક્યો હતો. અને આ કવર પર એમણે લખ્યું હતુંઃ
‘ઓલ માય લાઈફ આઈ હેવ વેઈટેડ ફોર યુ, એન્ડ વ્હાઈલ વેઈટિંગ, હાઉ મેની આઈ હેવ લવ્ડ!’ એટલે કે મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા-જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે!
પિડામિશ્રિત લાગણીઓનું પણ કેવું સૌંદર્ય હોય છે!
બર્ટ્રાન્ડ રસેલ આત્મકથામાં લખે છે: ત્રણ જુસ્સા/ઉત્કટતા, સરળ પણ એકદમ મજબૂત- મારા જીવનને સંચાલિત કર્યું છે: પ્રેમની ઝંખના, જ્ઞાનની શોધ અને માનવજાતની વેદના માટેની અસહ્ય કરુણા! આ ઉત્કટતા, મહાન પવનની જેમ, મને અહીં અને ત્યાં ફંગોળીને, એક માર્ગ તરફ, એક વેદનાના મહાસાગર પર, નિરાશાની ધારે પહોંચાડ્યો છે!
સૌ પ્રથમ, મેં પ્રેમની શોધ કરી છે- કારણ કે તે પરમાનંદ લાવે છે- પરમાનંદ એટલો મહાન હતો કે મેં ઘણી વાર આ આનંદના થોડા કલાકો માટે બાકીના જીવનનો પણ ભોગ આપ્યો હોત! મેં તે વધુ ને વધુ માંગ્યું છે- ઇચ્છ્યું છે, કારણ કે તે એકલતાને રાહત આપે છે- તે ભયંકર એકલતા, જેમાં ધ્રૂજતી ચેતના વિશ્વની ધાર ઉપરથી ઠંડા અવિનાશી નિર્જીવ પાતાળમાં જુએ છે. મેં અનુભવેલા પ્રેમના જોડાણમાં- એક રહસ્યમય લઘુચિત્રમાં- સંતો અને કવિઓએ કરેલી સ્વર્ગની કલ્પના- મેં આખરે શોધી છે! આ તે છે જે મેં શોધ્યું છે- અને તે માનવીય જીવન માટે ખૂબ સારું લાગે છે!
રજનીશે કહ્યું છે કે મારો એક જ સંદેશ છે: પ્રેમનો સંદેશ!
અને જ્યોર્જ બર્નાડ શો કહે છે કે: સુખ ક્યારેય મારો આદર્શ હતો જ નહિ. આઈનસ્ટાઇનની જેમ હું સુખી નથી, અને હું સુખી થવા માંગતો નથી. આવી મૂર્છા પ્રાપ્ત કરવા માટે મારી પાસે સમય પણ નથી અને મારો ટેસ્ટ પણ નથી. આ તો અફીણ’ની એક પાઈપ ફૂંકો કે એક ગ્લાસ વ્હીસ્કી પી લો તો પણ મળી જાય છે!
જીવન અધૂરું છે બેઇન્તિહા દર્દ વગર અને તોડી નાખે એવી એકલતા વગર. કોઈ માણસે આપેલા દર્દ વગર. અને એના કારણે આવેલી એકલતા વગર. કોઈથી છૂટા પડી જવાનું દર્દ, કોઈ ગમતું હતું અને ના મળ્યું એનું દર્દ, કોઈક મળ્યું હતું પણ સાથે ના રહી શકાયુ એનું દર્દ. આ દર્દનું ય એક સૌંદર્ય છે. હવે આસપાસ કોઈ નથી એ એકલતા. ના જીરવી શકાય એવી ભયંકર એકલતા. એકલતાની ય એક મજા છે. જે બધાનાં ભાગે આવતું નથી. બધાનાં નસીબમાં ય હોતું નથી. બધાં એને ભોગવી પણ શકતાં નથી. અને બધાં એને પચાવી પણ શકતાં નથી.
કવિમિત્ર સ્નેહી પરમારનો એક શેર છે:
એક અર્થ છે પીડાનો તારી ગેરહાજરી;
‘ને લાખ અર્થ પીડાના તારી હાજરી નથી!
ક્યાંક ઘવાયાં પછી સમજાય છે કે ઘવાવું એ શું છે. કોઈકની પાછળ રઘવાયા થયાં પછી સમજાય છે કે પાગલપન એ શું છે. દિલ તૂટ્યા પછી સમજાય છે કે દિલ શું ચીજ છે. એટલે જ કદાચ બશીર બદ્રએ લખ્યું હશે કે:
હર ધડકતે પત્થર કો લોગ દિલ સમજતે હૈ;
ઉમ્ર બિત જાતી હૈ દિલ કો દિલ બનાને મેં!
ગુલઝાર સાહેબે લખ્યું છે ને:
દિલ હૈ તો ફિર દર્દ હોગા;
દર્દ હૈ તો ફિર દિલ ભી હોગા!
મતલબ કે સીધો જ સંબંધ છે દર્દને અને દિલને. ઊંડો. અતૂટ. અસહ્ય. પણ છતાંય એકબીજા વગર એકેયને ચાલે નહિ એવો!
અને ગુલઝારજી બીજા એક શેરમાં કહે છે કે:
ઝખ્મ કહતે હૈં દિલ કા ગહના હૈં;
દર્દ દિલ કા લિબાસ હોતાં હૈ!
તો જાં નિસાર અખ્તર દર્દનો મહિમા કરતાં લખે છે:
અબ યે ભી નહીં ઠીક કી હર દર્દ મિટા દે;
કુછ દર્દ કલેજે સે લગાને કે લિએ હૈં!
અમુક પીડાઓ દિલ સાથે લગાવવાની હોય છે!
એટલે જ મહાન સૂફી સંતકવિ રૂમી ટકોર કરતાં કહે છે કે તમારે તમારા હૃદયને ત્યાં સુધી તોડવાનું ચાલું રાખવું પડશે, જ્યાં સુધી એ પૂરેપૂરું ખુલી ન જાય!
તણખો:
દર્દ ઓ ગમ દિલ કી તબિયત બન ગયે;
અબ યહાં આરામ હિ આરામ હૈં!
~જીગર મુરાદાબાદી
-ડો. ભાવિક આઈ. મેરજા