સ્વતંત્રતાની લડત લડેલા અને જેના વિશે સૌથી વધારે લખાયું છે, બોલાયું છે કે ચર્ચાયું છે એવા કોઇ ત્રણ નામો હોય તો ગાંધીજી, સરદાર અને નહેરૂ. ગાંધીજી, નહેરૂ અને સરદારને આપણી નજરથી આંકવામાં ક્યાંક ભુલ થાય જ. આ વિરાટ પુરુષોને સમજવા-જોવા માટે નજર નહી દ્રષ્ટિ જોઇએ, જે આપણી પાસે નથી.
કોઇ એક-બેને નીચા બતાવીને કોઇ એકને ઉંચા બતાવવા એમાં આપણું પાપ છે. સરદારને ઉંચા બતાવવા માટે ગાંધીજી અને નહેરૂને નિચા બતાવવા કે આવી જ હરકત ગાંધીજી અને નેહરૂને ઉંચા બતાવવા માટે કરે તો આપણી અજ્ઞાનતા છતી કરે છે. ત્રણેય પ્રતિભાઓ એ પોતાના મત કે આદર્શોથી બનેલી અલાયદી પ્રતિભાઓ છે.
રાજમોહન ગાંધી એ સરદાર પર લખેલાં પુસ્તકનું નામ ‘સરદાર:એક સમર્પિત જીવન’ એવું આપ્યુ છે. સરદારને પોતાનું કંઇ જીવન નથી. સરદાર જાહેર જીવનમાં આવ્યા પછી જે કાંઇ કર્યુ એ લોકોના હિત માટે અને દેશના હિત માટે.(જો ગાંધીજી ન હોત તો સરદાર જાહેર જીવનમાં આવ્યા જ ના હોત એ દાવામાં ક્યાંક ભુલ છે. ગાંધીજીને મળ્યા પહેલા સરદાર અમદાવાદ મ્યુનીસીપાલીટીની ચુંટણી લડેલા અને પ્રમુખ બનેલા. પણ સરદારના જાહેર જીવનના ઘડતરમાં ગાંધીજીનો ફાળો અપ્રતિમ છે.) સરદાર વિશે મત બાંધવામાં ક્યારેક આપણે સંપુર્ણપણે ખોટા ઠરીએ એવું ય બને. કેમ કે સરદારે ક્યારેય ના તો પોતાના વિશે વાત કરી છે, ના તો પોતાના મંતવ્યો કિધા છે કે ના તો ક્યારેય પોતાના કોઇ નિર્ણયનો તર્ક રજુ કર્યો છે. ગાંધીજી અને નહેરૂ એ તો આત્મકથા ય લખી, ઘણાં બધા પત્રો ય લખ્યા પણ સરદારે આવું કર્યું નથી.
સરદારની પ્રતિભા, વહીવટીય કુશળતા, ત્વરિત નિર્ણય શક્તિ કે આવડત પર કોઇ જ શંકા નથી. ગાંધીજીએ સ્વિકારેલું કે,’વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.’
કવિવર રવિન્દ્રનાથ ટાગોરે નહેરૂ વિશે કહેલું કે,’જવાહરલાલ ઇઝ ધ ઋતુરાજ રિપ્રેઝન્ટીંગ ધ સિઝન ઓફ યુથ એન્ડ ટ્રાયમ્પન્થ જોય.ઇન્વિન્સિબલ સ્પિરિટ ઓફ ફાઈટ.’
તો બર્નાડ શો એ કહેલું કે,’એશિયામાં સૌથી દક્ષ, સમજદાર અને પ્રબુધ્ધ રાજનેતા નેહરૂ છે!’
વાક્કુશળતા, વક્તૃત્વ, જ્ઞાન-વિજ્ઞાન અને આંતરરાષ્ટીય સંબંધોની બાબતોમાં નહેરૂની હરોળમાં બેસી શકે એવો બીજો કોઇ રાજનેતા એ વખતે નહોતો. ઘણાં વિદ્વાનો એ તો તેમની સરખામણી એથેન્સનાં ‘પેરીક્લીસ’ સાથે ય કરી છે!
નહેરૂએ એક વાક્ય કિધેલું તે યાદ આવે છે: ‘મારો દેશ એટલી પ્રગતી કરે કે મને ડુચો વાળીને કચરાના ડબ્બામાં ફેંકી દે!’ આ માત્ર નહેરૂ જ કહી શકે.અમુક વાતોમાં મતભેદો થતાં ત્યારે નહેરૂ ગાંધીજીની વિરૂદ્ધમાં ય બોલતાં પણ ગાંધીજી કહેતાં કે અત્યારે ભલે જવાહર મારી વિરૂદ્ધ બોલે પણ મારા ગયા પછી એ મારી ભાષા બોલશે!
ગાંધીજી વિશે તો શું કહેવું? કેટલું કહેવું?
ગાંધીજીની રાષ્ટ્રભાવના, દેશ પ્રેમ, લોકો પ્રત્યેની માનવતા અને સંવેદનશીલતાની ઉંચાઇ સુધી પહોચવા માટે આપણે તો બહું વામણા માણસો છીએ!
નગીનબાપા કહે છે કે ગાંધીજીએ સારા સારા લોકોને પકડીને મહાન માણસોનો એક આખો હિમાલય ઉભો કર્યો! સરદાર, નહેરૂ, રાજેન્દ્ર પ્રસાદ, રાજાજીથી લઇને વિનોબા ભાવે સુધીના બધાં જ.
લોર્ડ માઉન્ટબેટને તો ગાધીજીને ‘વન મેન આર્મી’ કહ્યાં!
એરિક એરિક્સને ગાંધીજીનું મનોવિસ્લેષણ કરતું એક પુસ્તક લખ્યુ છે:Gandhi’s Truth! અને એરિક્સન ગાધીજીના વ્યક્તિત્વને જિસસના વ્યક્તિત્વ સાથે સરખાવે છે!
આઈન્ટાઇને કહેલું કે, ‘Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth!’
ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં જે નિખાલસતા ભાગ્યે જ કોઇની આત્મકથામાં છે. પોતે જેવા છે એવા સમાજ સમક્ષ પ્રગટ થવાની જે જંખના ગાંધીજીમાં હતી એ બીજા કોઇ નેતામાં નહોતી કે આજે ય નથી!
આખરી દિવસોમાં ગાંધીજીએ મનુબહેન ગાંધીને કહેલુ કે, ‘જો રોગથી પીડાઇને પથારીમાં મરું તો જગત સમક્ષ જાહેર કરવું કે હું જુઠ્ઠો મહાત્મા હતો!’ ગાંધીજી સિવાય બિજું કોઇ આવું કહી શકે ખરું?
આ બધાની વચ્ચે એક વિવાદ શમવાનું નામ નથી લેતો. અને એ છે સરદારને વડાપ્રધાન કેમ ના બનાવ્યા? એની પાછળના અલગ-અલગ ચાર-પાંચ મત-તર્ક પ્રવર્તે છે. જેમાંના અમુક ગળે ઉતરે એવા છે અમુક નહી. ભુતપુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇએ એક તર્ક આપ્યો છે એ થોડો વધું ગળે ઉતરે તેવો છે. પણ એની વાત પછી ક્યારેક. આ મુદાની ચર્ચા આપણે તદ્ન નિષ્પક્ષ રહીને કરવી જોઇએ પણ એ ખુબ અઘરું છે.
ગુજરાતીયોને સૌથી વધારે અણગમતાં રાજનેતાનાં ચહેરામાં એક નામ આવે: જવાહરલાલ નહેરૂ. એનું કારણ પણ એ જ છે.
રા.વિ.પાઠક એ ‘સ્વૈરવિહાર ભાગ-૧’માં આપણા માટે કહેલું: ‘આપણે જેમ વ્યક્તિપૂજક છીએ એમ વ્યક્તિધિક્કારક પણ છીએ.એક માણસ સારો તેનું બધું સારું. એક માણસ નઠારો તો તેનું બધું નઠારું.’આવું આપણે ગાંધીજી,સરદાર અને નેહરૂનાં કિસ્સામાં બન્યુ છે.
અને જો વાત ભુલની આવે તો ભુલો તો થાય માણસથી. અને ગાંધીજી તો ભુલ કરે એવા મહાત્મા હતાં. પણ માણસ જેટલો મહાન એવડી મોટી એની ભુલ લાગે એ સ્વાભાવિક છે.
ઘણાં કહે છે કે ગાંધીજીને સરદાર સાથે ઇ.સ ૧૯૩૯-૪૦માં થયેલી તકરારનું વેર વાળવા ગાધીજીએ સરદારને એનું નામ પ્રમુખ પદેથી પાછું ખેચવાનું કહ્યું. અને એના બદલે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દેશ આઝાદ થતાં પ્રથમ વડાપ્રધાન બન્યા. પણ આ વાતમાં એટલું તથ્ય લાગતું નથી. કેમ કે ગાંધીજી કોઇ દિવસ પોતાનું વેર વાળે, બદલો લે, કે પોતાના અંગત સ્વાર્થથી દોરવાઇને કોઇ નિર્ણય લે અને ઉતારી પાડવા કશું કરે એ પણ તેમના અત્યંત નિષ્ઠાવાન અને ભક્ત કહી શકાય એવા સરદાર માટે એ વાત માનવામાં આવે એવી નથી!
આઝાદીના સિતેર વર્ષથી આ ચર્ચા ચાલે છે, હજુંય ચાલશે. પણ ગાંધીજીએ આ નિર્ણય કેમ લિધો એ ક્યારેય કિધું નથી. કે ના તો પોતાને અન્યાય થયો છે કે પોતાને ખોટું થયું છે એવી વાત પોતાના અંગત હોય એને કે ક્યાંય કરી હોય એવું મારા ધ્યાનમાં નથી! એક વાત એ પણ છે કે દેશના હિતની વાત હોય અને કશુંક નજર સામે જ ખોટું થતું હોય ‘ને સરદાર મૌન રાખીને બેસી રહે એ વાત માની શકાય નહીં. પણ છતાંય સરદારે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી!
સરદારનું આ મૌન શું સુચવે છે?
સરદારનું આ મૌન આપણને કશોય ઇશારો કરી રહ્યું છે?