ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો ‘MAN VS WILD’નાં હોસ્ટ બેર ગ્રીલ્સ ફરી એકવાર ભારતનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા જોવા મળી શકે તેમ છે. આ વખતે, તેમનું સ્થાન એશિયાઇ સિંહો માટે જાણીતા ગુજરાતનું ગીર જંગલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ એપિસોડમાં ગ્રીલ્સ સાથે જોવા મળી શકે છે.
ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીનાં ત્રણ એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યો છે. આ વખતે ડીસ્કવરી ચેનલનાં “MAN VS WILD” પ્રોગ્રામ હેઠળની “ઇન ટુ ધ વાઈલ્ડ” સીરીઝનાં એપીસોડનું શુટિંગ ગીર નેશનલ પાર્કમાં અમિતાભ બચ્ચન સાથે થાય તેવી પુરેપુરી સંભાવનાઓ છે.
અગાઉ બેયર ગ્રીલ્સે ‘MAN VS WILD’ સિરીઝ માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ ગ્રીલ્સે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર સાથે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં પણ શૂટિંગ કર્યું હતું. છેલ્લે અક્ષયકુમાર સાથેના એપિસોડનું 11 સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રસારણ કરાયું હતું.