સાહસ અને શૌર્યની મશાલ છત્રપતિ શિવાજી મહારાજ!

19 ફેબ્રુઆરી એટલે શિવાજી જયંતિ. ઇતિહાસકારોમાં શિવાજીની જન્મતારીખ બાબતે મત-મતાંતરો છે. અમુક ઇતિહાસકારો 6, એપ્રિલ કે 10, એપ્રિલને શિવાજીની જન્મતારીખ તરીકે ઉજવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર 19, ફેબ્રુઆરીને શિવાજીની જન્મદિવસ તારીખ માને છે, એ જાણવું જરૂરી બને છે.

માતા જીજાબાઇ અને શિવાજી

પૂણેથી 60 કિ.મી. અને મુંબઇથી 100 કિ.મી. દુર સન 1627માં શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ. પિતા શહાજી અને માતા જીજાબાઇ. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિનાં ભોંસલે વંશનાં હતા અને પુના જિલ્લાનાં હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોનાં મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. એ વખતે ઉત્તરમાં હતો ક્રૂર શાસક ઓરંગઝેબ અને દખ્ખણમાં બિજાપુર, અહમદનગર અને ગોલકોંડાનો નિઝામ. મુઘલ અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો.

શિવનેરી કિલ્લો, શિવાજીનું જન્મ સ્થળ

શિવાજીનાં જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતનાં તાબામાં કામ કરતા હતા. જેમાંના એક શહાજી હતાં. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેને 1636માં હરાવ્યા હતા. ના છુટકે તેમણે પુણેનો ત્યાગ કરવો પડ્યો. અને આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી.

શિવાજીનાં પિતા શહાજી

શહાજીએ યુવાન શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા. માતા જીજાબાઇ એ રામાયણ મહાભારતનાં પાઠોનું ચિંતન-મનન કરાવ્યું. તો યુદ્ધ અભ્યાસ અને લશ્કરી તાલીમ માટે મંત્રીઓની નાની મંડળી રોકી. આ મંડળીમાં હતા- પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને લશ્કરી તાલીમ માટે રોકેલા. અને તાલીમની બધી જ દેખરેખ રાખતાં હતાં, દાદાજી કોંડદેવ.

દાદાજી કોંડદેવનાં મૃત્યુ બાદ શિવાજીને જાગીર આપવામાં આવી. પરંતુ એનાં પહેલાં જ રાયગઢ, કોંડાણા, અને તોરણા અને પુરંદરનો કિલ્લો જીતી લીધાં હતાં. અને ત્યારે શિવાજીની ઉંમર હતી માત્ર ઓગણીસ વર્ષ! શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. એક રાજચિહ્ન બનાવીને શિવાજીને આપવામાં આવ્યું; જેમાં લખ્યુ હતું કે “આ શહાજીનાં પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજનાં ચંદ્રની માફક વધશે!”

રાયગઢ કિલ્લાનો મુખ્યદ્વાર

શિવાજીની યુદ્ધની પદ્ધતિ તદ્દન અનોખી હતી. ઓછા સૈનિકોની સહાય સાથે વધું લાભ કેમ લેવો એ પદ્ધતિ હતી શિવાજીની! અને એના માટે તેમને ગોરીલા યુદ્ધ પદ્ધતિ અપનાવી. શિવાજીએ તેમનાં રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિનો મહતમ ઉપયોગ કર્યો. ખુલ્લાં મેદાનમાં લડવાને બદલે…પહાડોમાં, ખીણો, કોતરો કે ઘનઘોર જંગલમાં જ આંતર્યા! જરૂર લાગ્યે પીછેહઠ પણ કરી અને ફરી યુદ્ધમાં ત્રાટક્યા હોય એવુંય બન્યું.

છત્રપતિ શિવાજી મહારાજ

તોરણાનો કિલ્લો જીત્યાં બાદ શિહલગઢ અને જવાલીનો કિલ્લા જીત્યાં. અને પોતાની ભવાની તલવારની આણ હેઠળ સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને માવલા પ્રદેશ પર સતા સ્થાપિત થઈ.

શિવાજીએ નૌસેનાનું મહત્વ સમજીને નાના જહાજોનો એક બેડો બનાવવામાં આવ્યો. મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જંજીરાનાં સીદીઓથી રક્ષણ કરવું અને એમને આગળ કૂચ કરતાં રોકવા.

શિવાજીનાં વધતાં જતાં પ્રભુત્વથી બિજાપુરનો સુલતાન આદિલશાહ દાજી ઉઠ્યો. અને તેને અફઝલખાં જેવાં બાહોશ સેનાપતિને શિવાજીને મારવા માટે મોકલ્યો. બન્ને એક જ તલવાર સાથે લઈને મળશે એવી વાત થઈ હતી. પરંતુ શિવાજીને આદિલશાહની કપટની બૂ આવી ગઈ. એટલે શિવાજી કવચ પહેરીને, જમણા હાથમાં વાઘનખ અને ડાબા હાથમાં કટાર લઈને જ ગયાં હતાં! અને અફઝલખાં કંઇક હોશિયારી કરવાં ગ્યો કે શિવાજી એ તેનો વાઘ નખ અફઝલખાનનાં શરીરમાં ભોંકી દીધો! અને પ્રતાપગઢનું યુદ્ધ થયું, જેમાં શિવાજી જીત્યાં. અને મોટી સંખ્યામાં શસ્ત્રો, ઘોડાં, અન્ય લશ્કરી વસ્તુઓ મળતાં શિવાજીનું સામ્રાજ્ય મજબૂત બન્યું અને મરાઠા શક્તિનો ખરો ઉદય થયો.

અને એની તીવ્ર અસર ઓરંગઝેબ પર થઈ. શરૂઆતમાં મુઘલ સતા સાથે શાંતિપૂર્ણ સંબંધો રહ્યાં હતાં. પરંતુ શિવાજીના બે અધિકારીઓએ અહમદનગર પર હુમલો કર્યો. પછી શિવાજીએ જુનાર પર હુમલો કર્યો અને લગભગ ત્રણેક લાખ સિક્કા હાથ લાગ્યા! ત્યાંથી મુઘલ સતા સામે સંઘર્ષની શરુઆત થઈ.

ઓરંગઝેબે તેમના દખ્ખણના ગવર્નર શાઇસ્તાખાનને સન 1660માં શિવાજી વિરૂદ્ધ યુદ્ધ માટે મોકલ્યો. જેમાં શિવાજી હાર્યા અને પૂના ગુમાવવું પડ્યું. પરંતુ એપ્રિલ, 1663માં શિવાજીએ લગભગ માત્ર ચારસો જેટલા સૈનિકોને લઈને શાઇસ્તાખાનનાં કેમ્પ પર હુમલો કર્યો, જેમાં શાઇસ્તાખાન ઘવાયો અને તેનાં છોકરાની હત્યા થઈ. તેનાં પરિણામે ઓરંગઝેબે તેને પાછો બોલાવી લીધો.

શિવાજીનાં ઉલ્લેખ સાથે એક ઘટનાં વારંવાર ચર્ચા જગાવે છે. શિવાજીની સુરત લૂંટ! સન 1664માં શિવાજીએ સુરત શહેર પર હુમલો કર્યો. શિવાજીને ઔરંગઝેબ સાથે વેર હતું અને એ વેર સુરતની લૂંટનું કારણ બન્યું. ઇતિહાસમાં કોઈ પણ યુદ્ધ કે આક્રમણ પાછળ મુખ્ય ચાર કારણ હોય છે: આર્થિક, રાજકીય, ધાર્મિક કે સાંસ્કૃતિક. સુરત એ મુઘલ સલ્તનતનું બહુ મોટું શહેર અને બંદર હતું. ઘણાં ઇતિહાસકારોનાં મતે સુરતની સંપત્તિ એ આક્રમણનું સૌથી મોટું કારણ હોવાની શક્યતાઓ ઘણી છે. (આશરે એક કરોડથી અધિક રાશિ અને બહુમૂલ્ય વસ્તુઓ આ લૂંટમાં મળેલી!) પરંતું સુરતની લૂંટ વખતે શિવાજીએ સામાન્ય લોકોને લૂંટ્યા હોય કે રંજાડ્યાં હોય એવાં બનાવ ઇતિહાસનાં પાનાઓ પર નોંધાયા નથી.

શિવાજીનાં આક્રમણ સામે રક્ષણ મેળવવા બનાવાયેલ દીવાલનો ભાગ, સુરત

અને ફરી સન,1679માં બીજી વખત સુરત પર હુમલો કર્યો. અને તેમાં પાંસઠ લાખ કિંમતની વસ્તુ પર કબ્જો કર્યો.

ત્યારપછી દક્ષિણમાં મુઘલોની રાજધાની ઓરાંગાબાદનાં બહારના ક્ષેત્રો પર હૂમલા કર્યાં. જેમાં બિજાપુરની સેના શિવાજીને રોકવામાં નિષ્ફળ રહી.

શિવાજી એ ઓરંગઝેબને આંખનાં કણાની જેમ ખૂંચવા લાગ્યાં. મુઘલ સામ્રાજ્યનાં સૌથી અનુભવી સેનાપતિ જય સિંહને – શિવાજી સાથે લડવા અને બિજાપુરને કબ્જે કરવા પૂરી સૈન્ય શક્તિ સાથે ઓરંગઝેબે મોકલ્યો. જયસિંહે શિવાજીનાં ઘણાં ખરાં સેનાપતિને પ્રલોભનો આપ્યા. પૂનાની જાગીરની આજુબાજુનાં ગામને રંઝાડવામાં આવ્યા. અને સન 1665માં પુરંદરના કિલ્લાની ઘેરાબંદી કરી, જેના લીધે મરાઠાઓએ જુકવું પડ્યું! અને પરિણામ આવ્યું પુરંદરની સંધી!

પુરંદરની સંધી અનુસાર કુલ પાંત્રીસમાંથી ત્રેવીસ જેટલાં કિલ્લા અને તેને અનુલક્ષીને ક્ષેત્રો છોડવાં પડ્યાં! કે જેની આવક દર વર્ષે ચાર લાખ જેટલી હતી!

પરંતુ થોડાં સમય પછી જ સન 1669માં ફરી સિંહગઢ, પુરંદર, રોહિદા, લોહગઢ અને માહુલી જેવા કિલ્લા પર કબજો કરી લીધો!

સન 1647માં શિવાજીએ પોતાને સ્વતંત્ર હિન્દુ રાજાનાં રૂપમાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. છત્રપતિનું બિરૂદ મળ્યું અને મુઘલ સતાનાં વિરુદ્ધમાં હિન્દુ રાજતંત્રની ઘોષણા કરી!

છત્રપતિ શિવાજી મહારાજ

શિવાજી ઘણાં મહિના સુધી ચિપુલણ અને પરસરામ મંદિર અને પ્રતાપગઢનાં ભવાની મંદીરમાં પૂજા કરતાં હતાં. અને પોતાનાં રાજ્યમાં પ્રશાસનનાં પ્રાચીન આદર્શોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો.

પ્રતાપગઢનો કિલ્લો

વર્ષ 1679માં, માત્ર 53 વર્ષની ઉંમરે માંદગીના લીધે શિવાજીનું મૃત્યુ થયું. અને શૂરવીરતાનાં એક યુગનો અંત આવી ગયો!

તણખો:


‘છત્રપતિ શિવાજી મહારાજ’, આ શબ્દો નથી, મંત્ર છે!
~અમિતાભ બચ્ચન (ટ્વીટ:19, ફેબ્રુઆરી, 2020)


ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment