- સ્વિફ્ટ કારમાં બેઠેલા ચારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત, અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો
- ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરની ઉમિયા ભવાની હોટલ આગળ સર્જાયો અકસ્માત
ગુજરાત: ગઈકાલે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ સ્વિફ્ટ કાર અને મીની એસ. ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત થયેલો. તેમાં સ્વિફ્ટ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગત રવિવારે સાંજના આસરે સવા પાંચેક વાગ્યે સોલડી ગામનાં રહીશ હિતેન્દ્રભાઈ ભીખાભાઈ રાઠોડ પોતાનાં બાઇક પર ધ્રાંગધ્રા જઈ રહ્યા હતા. ત્યારે હાઇવે પર તેમનાં મિત્ર ભરતભાઈ રેવરની સફેદ સ્વિફ્ટ કાર તેમના ભાઈ રાજુભાઈ રેવર લઈને નીકળ્યાં હતા. સ્વિફ્ટ કારમાં તેમની સાથે સોલડી ગામનાં વિપુલભાઈ ગોવિંદભાઈ વાઢેર, ધ્રાંગધ્રાનાં દીપકભાઈ ટોકરભાઈ રાઠોડ અને દલપતભાઈ મોતીભાઈ જાદવ ધ્રાંગધ્રા જવા નીકળ્યાં હતા. આ દરમિયાન સાંજે સાડા પાંચ વાગ્યે ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ (મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ) મીની એસ. ટી. બસથી સફેદ સ્વિફ્ટ કારને પાછળથી ટક્કર વગતા અકસ્માત સર્જાયો હતો. તેથી હિતેન્દ્રભાઈએ ત્યાં જઈને જોતા સફેદ સ્વિફ્ટ કાર તેમના મિત્રનાં ભાઈ રાજુભાઈની હોવાનું જાણવા મળ્યું હતું. સ્વિફ્ટ કાર સાથે મીની એસ. ટી. બસનો આગળનો ભાગ ભટકાતાં કાર દબાઈ ગઈ હતી. આમ કારમાં બેઠેલા ચારેય વ્યક્તિ પણ દબાઈ ગયા હતા. બસનાં પેસેન્જર અને અન્ય કેટલાંય માણસો ભેગા થતા 108 બોલાવામાં આવી હતી. ત્યારબાદ બસની નીચેથી કારને ક્રેન દ્વારા કાઢવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનેલા ચારેય વ્યક્તિને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયાં હતા. ત્યાં ડોક્ટરે જણાવેલું કે રાજુભાઈ રેવર, વિપુલભાઈ વાઢેર અને દીપકભાઈ રાઠોડનું મૃત્યુ થયું છે અને દલપતભાઈ જાદવને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.