શ્રમિક શબ્દનો અર્થ જ થાય છે શ્રમ કરનાર. દુનિયામાં શ્રમ કરનાર તો બધા જ છે. કોઈ શારીરિક શ્રમ કરે તો કોઈ માનસિક શ્રમ. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ એમ બન્નેનું તાલમેલ કરીને જે આજીવિકા અને ઘર ચલાવી રહ્યા છે તેઓનું નામ છે સમીમબાનું શેખ. તો ચાલો, આપને હું લઇ જઉં આવી જ એક સાહસી, કુશળ, સહનશીલ અને મૃદુભાષી મહિલા સમીમબેનનાં જીવન સફર પર…
સમીમબેન આસ્ટોડિયા ખાતે આવેલ એક ચાલીનાં રહેવાસી. તેમનાં પતિનું નામ આબિદભાઈ શેખ. તેમનાં ત્રણ બાળકોમાં અનુક્રમે દીકરો, દીકરી અને ફરી દીકરો એમ કરીને ઘરમાં કુલ પાંચ જણ. સમીમબેનનાં પતિ ટ્રાવેલ્સની દુકાનમાં એક સામાન્ય પગાર ધરાવનાર એજેન્ટનું કામ કરતા. જેમાં તેઓ વિરમગામ, ભડિયાદ, ધોળકા, ધંધુકા વગેરે જેવા સ્થળો પર જતી મીની વેન/બસ માટે બુમો પાડી પાડી ને મુસાફરોને બોલાવતા અને જે તે મુસાફરને એ ટ્રાવેલ એજન્સીની બસમાં બેસાડવાનું કામ કરતા. કોરોના પહેલા આ કામ માટે તેઓને દર ગ્રાહક કે મુસાફર પર અલગથી કમિશન પણ મળતું હતું, પરંતુ કોરોનાના કારણે ધંધો ઠપ્પ થતા તેમના માલિકે કમિશન બંધ અને પગાર કાપ કર્યો. ઘરમાં અનાજ પાણી અને બાળકોનાં ભણતરને જોતા ઘરમાં મદદ કરવાનું બિડું ઉપાડ્યું સમીમબેને. ઘરમાં સિલાઈ મશીન પહેલાથી જ હતી એટલે તેમણે તેમનાં સગા સંબંધીઓને જાણ કરી અને સિલાઈનું કોઈપણ કામ હોય તો તેમને આપવા જણાવ્યું. શરૂઆતમાં સગા-વહાલાઓ જાણતા હતા કે તેમનું સિલાઈ કામ અત્યંત સારું છે એટલે નાનું મોટું સિલાઈનું કામ આપી જતા,જેમાં બાળકીઓના ફ્રોક, પંજાબી ડ્રેસ વગેરે. પછી ધીરે ધીરે તેમની આ કળા ની જાણ અન્યોને પણ થઇ. આસપાસનાં લોકો પણ પોતાના આવા નાના-મોટા સિલાઈ કામો તેમને આપવા લાગ્યા. લોકડાઉન ખુલવાની શરૂઆત થઈ ત્યારે તેમના એક સગાનાં માધ્યમથી હોલસેલનાં વેપારીને તેમની આ સિલાઈ વિશે ખબર પડી અને તે વેપારીએ સમીમ બેનની મુલાકાત લીધી. સમીમબેને સિવેલ બુરખા, પંજાબી ડ્રેસ, ફ્રોક, ઓશિકાના કવર, પરદા વગેરે નમૂના રૂપે જોયા અને તે વેપારીએ સમીમ બેન ને રોજનાં એક હજાર ઓશિકાનાં કવર સિવવાનું કામ આપ્યું. સમીમ બેનનાં જણાવ્યા અનુસાર, વેપારીએ પહેલાં તો રોજનાં ૧ હજાર કવર સિવી શકશે કે કેમ! તે અંગે શંકા વ્યક્ત કરી હતી, પણ ‘ડૂબતે કો તિનકે કા સહારા’ની જેમ સમીમબેને એ વેપારી ભાઈને પાકી ખાતરી કરાવી કે તે તેમનાં વિશ્વાસ પર ખરા ઉતરશે. બસ..પછી શું હતું! સમીમબાનું અને તેમની મેહનત. સમીમબેને દિવસ રાત એક કરીને પહેલાં દિવસનાં ૧ હજાર નંગ સીવીને, વેપારીભાઈએ(અબુભાઈ) આપેલ ટાર્ગેટ પૂરો કરી બતાવ્યો. આ લક્ષ્ય પૂરું કરવા માટે તેઓ સવારે 4 વાગે ઉઠતા, બધા સુઈ રહેતા ત્યારે તેઓ તેમના નાનકડા મકાનનાં બીજા રૂમમાં મુકેલ સિલાઈ મશીન(મોટર વાળી)ચલાવતા અને સતત સવારનાં 6:30 વાગ્યા સુધી નંગ સિવતા, ચાલી હોવાથી સવારે 6:30 એ સરકારી પાણી આવવાનો સમય હોવાથી પાણી ભરવા અને બીજી અન્ય દિનચર્યા નિત્યક્રમનાં કામો પતાવતાં, ત્યારબાદ તેઓ નાસ્તો અને જમવાનું બન્ને જોડે જ બનાવી નાંખતા, જેથી સમયની બચત થાય અને છોકરાઓને શીખવાડેલ કે જમવાનું જાતે ગરમ કરીને જમવા તથા અન્ય કામોમાં પણ મદદ કરતા. આટલું કામ પૂરું કરતા તેમને સવારનાં ૮ વાગી જતા અને તેઓ ફરી સિલાઈ કરવા બેસી જતા. વચ્ચે બપોરે ૧ વાગ્યાનાં સુમારે જમવા અને કુદરતી ક્રિયા કરવા જ ખાલી ઉભા થતા, પછી અડધા કલાકમાં જમવાનું પતાવીને વાસણ ધોઈને ફરી સિલાઈ કરવા બેસી જતા. આખો દિવસ તેઓ તેમની સિલાઈ મશીન સાથે વ્યસ્ત રહેતા. સાંજનાં ૬ વાગ્યે વાળું બનાવવા ઊભા થતા, પતિ અને બાળકો સાથે જમીને ઘરનું બાકીનું કામ પતાવીને અને થોડોક આરામ કરીને, તેઓ રાત્રે ૮ કલાકે ફરી સિલાઈ મશીન પર પોતાની બેઠક જમાવતા અને રાતનાં ૧૨:૦૦ વાગ્યા સુધી નોનસ્ટોપ સિલાઈ કરતા. આ તેમનો નવો નિત્યક્રમ બન્યો હતો. સિલાઈ કામ શરૂ કરતાં પહેલાં તેઓ રોજિંદું કામકાજ કરીને ટીવી જોતા, બાળકોને લેસન કરવામાં થોડી ઘણી મદદ કરતા, આરામ કરતા અને ઈબાદત કરતા, પણ પતિ પર આવેલ પગારકાપની મુશ્કેલી તથા ઘરની આર્થિક સ્થિતિને કથળતી રોકવા માટે તેમણે આ હિમ્મતભેર પગલું ભર્યું. જેમાં તેમનાં બાળકો અને પતિ એ પણ એટલોજ સાથ અને સહકાર આપ્યો. રોજ ઓશિકાનાં કવરનાં એક હજાર નંગોને વેપારીથી લઈને આવવા અને સિલાઈ કરીને પરત વેપારી સુધી મોકલવા સુધ્ધાની જવાબદારી તેમનાં પતિ અને દીકરાએ ઉપાડેલ. લોકડાઉન ખૂલતાં ખૂલતાં તો તેમણે શરૂ કરેલ આ કામ એટલું ફાવી ગયું કે રોજનાં હજાર ઉપર ઓશિકાનાં કવરો સીવીને તેઓ મોકલવા લાગ્યા.
તેમનો એક પ્રકારે લીધેલ ઇન્ટરવ્યૂમાં મેં તેમને જે પ્રશ્નો કર્યા હતા તેના મોટા ભાગનાં ઉત્તર ઉપરોક્તનુસાર તેમની હાલની જીવન કથનીમાં હું વર્ણવી ચુકી છું. તદુપરાંત, મેં સમીમબાનું સાથે કરેલ સંવાદનાં અમુક રહી જતા અંશો અહીં રજૂ કરી રહી છું.
પ્રશ્ન : તમે ભણેલા છો? કેટલું ભણ્યા છો?
ઉત્તર : હા, હું ભણેલી છું. સાતમાં ધોરણ સુધી ભણી છું.
પ્રશ્ન : તો લખી વાંચી શકો છો ખરા? (ઉર્દુ માં કે ગુજરાતીમાં)
ઉત્તર : હા, લખી શકું છું. ને છાપું વાંચી શકું છું, ગુજરાતીમાં. ઉર્દુ તો આવડે જ છે.
પ્રશ્ન : તમારા પતિને કેટલો પગાર મળતો હતો અને અત્યારે કેટલો મળે છે? ( ઉમેરો: આ પુછાય તો નહીં છતાં જાણવા માંગુ છું કે ..પછી જ પ્રશ્ન પૂછ્યો)
ઉત્તર : બધું સારું હતું ત્યારે તેમનો પગાર 7 હજાર અને રોજનાં ગ્રાહકો લઈને જાય ત્યારે એમને કમિશન મળીને 10 થી 12000 થઈ જતા’તા. પણ હવે પગાર પણ કાંપી નાંખી છે અને લોકડાઉન વખતે તો એકેય રૂપિયો નહતો મળ્યો, અને લોકડાઉન પછી તો તેમની સાથે કામ કરતા બીજા લોકોને તો કાઢી જ મુકવામાં આવ્યા, અને તેમનો(આબિદ ભાઈનો) પગાર કાપ્યો એટલે અમે ચૂપચાપ સહી લીધું કેમ કે નોકરીથી હાથ ધોવા કરતા જે મળે જેટલું મળે એ લઇ લેવું. (મેં ફરી પૂછ્યું એમને કે અત્યારે કેટલો પગાર મળે છે?) અત્યારે તો તેમને 3000 રૂપિયા જ મળે છે.
પ્રશ્ન : આ ઘર ભાડાનું છે કે તમારું પોતાનું?
ઉત્તર: ભાડાનું હતું પહેલાં, પછી અમે 5 લાખ રૂપિયામાં આ બે વર્ષ પહેલાં જ ખરીદ્યું મકાન મલિક થી. ઉધાર લીધાતા પૈસા અમારા એક ઓળખીતા પાસે થી, તો એમને ટુકડે ટુકડે ચૂકવીએ છીએ.
પ્રશ્ન : અચ્છા, એટલે એમણે આટલી ઓછી કિંમતમાં મકાન કેમ કાઢી નાખ્યું? અને તમે અહીં ક્યારે રહેવા આવ્યા?
ઉત્તર: અમે પહેલાં અમારા જુના ઘરનાં મકાનમાં રેહતા’તા,પણ એ અમને બહુ દૂર પડતું હતું, આસ્ટોડિયામાં જ ધંધા પાણી અને બાળકોની સ્કૂલ એટલે તેમાં તાળું મારીને અહીં આવી ગયા. (જૂનું મકાન ક્યાં છે?કયા વિસ્તારમાં અને તાળું કેમ માર્યું? ભાડે? – જૂનું મકાન અમારું જુહાપુરા છે, ભાડુઆત સારા નથી હોતા અમારામાં, ઘરમાં કબ્જો કરીલે તો અમે તો સાવ રસ્તા પર આવી જઈએ એટલે જ ભાડે નથી આપતા…(આ એમનાં જ શબ્દો અક્ષર: લખી રહી છું.)
પ્રશ્ન : બાળકો શું કરે છે? ભણે છે ત્રણેય જણા?
ઉત્તર: મોટો દિકરો આદિલ આઠમાં માં છે, સમાયરા છઠ્ઠા માં ભણે છે અને સૌથી નાનો કોનેન એ ચોથામાં ભણે છે. અંજુમનમાં સવારે 8 થી 9 મદરસા ભણવા જાય છે પછી 10 વાગે ટ્યુશન જાય ને 12 વાગે આવે,લેશન કરે અને પછી જમીને સુઈ જાય)
પ્રશ્ન : તમને એક નંગ પર મળે રૂપિયા કે ડઝન પર મળે? અને કેટલા મળે?
ઉત્તર: ડઝન ઉપર, એક ડઝન હોય તો 6 રૂપિયા મળે, પછી મારી સિલાઈમાં ફિનિશીંગ જોઈ અને કામ શરૂ જોયું તો મને એક ડઝન ના 6 થી વધારીને 7 રૂપિયા કરી આપ્યા હતા અને હવે તેમનો ધંધો ચાલશે ફરી પેહલા જેવો તો ડઝન પર 8 9 રૂપિયા આપવાનું કેહતા’તા. (મેં ફોનમાં ગણતરી મારી દીધી..રોજના 1000નંગ એટલે લગભગ 83 84 ડઝન થયા દિવસ ના, 84×7=588 રૂપિયા પ્રતિ દિન)
પ્રશ્ન : તમે એક દિવસનાં લગભગ હજાર નંગ સિવો છો, એટલે એ હિસાબે મહિને 17-18000 રૂપિયા કમાવી લો છો, આટલું તો ભણેલા પણ નથી કમાતા ક્યારેક(મેં હસીને કહ્યું)
ઉત્તર: હા, તમારી વાત સાચી છે બેન, પણ એકહજાર નંગ પણ છે ને સામે, એટલી સિલાઈ કરવી અઘરી છે રોજની, પણ આ ઉધાર દેવું, દૂધ, શાક, અનાજનાં પૈસા, બાળકોની ટ્યૂશન ફી, અને લાઈટ બિલ જેવા કેટલાય ખર્ચાઓ રોજ ઉભા હોય છે. આ તો મકાન ભાડે હતું ત્યારે તો અમે બહુ હેરાન થયા હતા, પૈસા પાણીની જેમ વપરાઈ જતા, અને અધૂરામાં પૂરું, મારા પતિને જુગાર રમવાની ટેવ પડી ગઈ આ કોરોનામાં, એટલે જીવન અઘરું થઈ ગયું, 3000રૂપિયા બહાર ઉડાવી આવે, મારે દૂધનાં પૈસા પણ ક્યાંથી આપવાના? મકાનની ઉધારી પણ ચુકવવાની. (જુગાર ની લત ઉપર પણ ઘણા બધા સવાલ જવાબ થયા હતા પણ હું અહી તેને ટાંકવા નથી માંગતી. પણ આપને જણાવવા માંગીશ કે, સમીમબેન તેમનાં પતિની આ લત છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, અમુક અંશે તેઓ સફળ પણ થયા છે… તથા કોરોનાની આ મહામારી ન હોત તો હું તેમનો ઇન્ટરવ્યૂ લેવા ઉપરાંત એક પૂરો દિવસ પસાર કરત અને તેમનું રૂટિન સાંભળવા નહિ પણ જોવા, જાણવા, સમજવા અને જીવવા મળ્યું હોત! છતાં બે અઢી કલાક ચાલેલ આ વાતચીતથીય ઘણું જાણવા મળ્યું. )
પ્રશ્ન : એટલે તમને આ બધી ચિંતા સિલાઈ કરવા મજબૂર કરે છે?
ઉત્તર : ના ના બેન, મજબૂર નહીં! મારી મરજી થી કરું છું, મારે મારા ઘર પરિવારને સાચવવા છે, બધાને સારું ભોજન ભણતર આપવું છે, હું વધુ ભણેલી હોત તો ક્યાંક ટીચર બની હોત અને હું નથી ઇચ્છતી કે મારા બાળકોને આવી કોઈ તકલીફનો સામનો કરવો પડે. એ ભણીને ક્યાંક નોકરી કરશે તો મને શાંતિ જ છે ને પછી. એટલે હું અત્યારે “આ લોકોનાં ભવિષ્ય માટે મેહનત કરી રહી છું.”
(આ છેલ્લા શબ્દો…વાક્ય સાંભળ્યા પછી હું કઈ આગળ પૂછી ના શકી. એમની આંખમાં એક અલગ જ પ્રકારનો તેજ, ઉત્સાહ, લાગણી અને અશ્રુ દેખાયા…મા તે મા…બાકી બધા વગડાના વા..આ કહેવતને સત્ય ઠરતા નજરે જોયાં પછી મારા શબ્દો પણ જાણે ખૂટી પડ્યા. સ્ત્રી શક્તિનો દાખલો રૂબરૂ જોયા બાદ બીજું કાંઈ કહેવું કે લખવું કદાચ મારા માટે શક્ય નથી)
આ હતી તેમની સંઘર્ષ ગાથા…જેમાં તેમણે કપરી પરિસ્થિતિમાં પોતાની જાતને, પોતાના પરિવારને નાસીપાસ થવાની જગ્યાએ હિંમતથી અને ધીરજપૂર્વક આવી પડેલ મુશ્કેલીઓને પોતાની કળાથી આજીવિકા કમાવવાની તકમાં બદલી લીધી.
આભાર.
(વિશેષ નોંધ: હું સમીમબેનનો ફોટો મુકવા ઇચ્છતી હતી,(સિલાઈ કરતા) એટલે મેં તેમનો એક ફોટો લેવાનું કહ્યું પણ તેઓ ગભરાઈ ગયા અને મને ફોટો લેવાની ના પાડી. તેઓએ મને જણાવ્યું, કે બેન અહીં ચાલીમાં લોકો બધા ખરાબ છે, અહીં જૂઠું બોલીને આવે ને તમારા અને તમારા ઘરના ફોટો પાડીને AMCમાં ફરિયાદ કરી નાંખે છે. પછી અમે હેરાન થઈએ, આ ચર્ચા પણ ખૂબ ચાલી હતી પણ ટૂંકમાં, તેઓ વિનંતી કરવા લાગ્યા એટલે હું તેમનું મન દુઃખ ન કરીને તેમની કોઈપણ તસવીર/ફોટો ના લઈ શકી.)