આપણે સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરી શક્યા છીએ ખરાં?

8, માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વર્ષ 1908માં હજારો મહિલાઓએ ન્યુયોર્કમાં રેલીઓ કાઢી. માંગ હતી- કામનાં ઓછા કલાકો અને યોગ્ય વેતન, પુરુષ સમાન હકો અને મતાધિકાર! અને તેમાં સપોર્ટ કર્યો અમેરિકન સોશિયાલિસ્ટ પાર્ટીએ. અને વર્ષ 1909માં પ્રથમ વખત મહિલા દિવસ ઉજવાયો.

અને આ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર હતો ક્લૅરા ઝૅટકિનનો. કે જે જર્મની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના મહિલા વિભાગનાં અધ્યક્ષ હતાં. વર્ષ, 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને પ્રસ્તાવ રજૂ કરતી વખતે પ્રવચનમાં તેમણે કહ્યું કે , વર્ષમાં એક દિવસ એવો હોવો જોઈએ કે મહિલાઓ પોતાની માંગણીઓ જાહેરમાં સૌની સમક્ષ રજૂ કરે. અને એ કૉન્ફરસન્માં હાજર રહેલાં સતરેક દેશોનાં આશરે સોએક મહિલા પ્રતિનિધિઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો, અને દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું નક્કી થયું.

ક્લૅરા ઝૅટકિન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં વર્ષ 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોમાં કરવામાં આવી.

અને એના થોડાંક વર્ષમાં જ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં થતાં માનવસંહાર વિરુદ્ધ કેટલાંય મહિલા સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા. અને એ વખતે તેને મહિલા અધિકારો સાથે જોડી દઈને 8 માર્ચને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. અને થોડાક વર્ષો પછી વર્ષ 1975માં આ વિચારને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ મહોર મારી અને મહિલા વિકાસના કાર્યક્રમો ઉજવવા વિશ્વ આખાને આહ્વાન કર્યું. આમ, શ્રમિક ચળવળથી શરૂ થયેલી કુચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે પરિણમી.

વર્ષ, 2021ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની થીમ છે- નેતૃત્વમાં મહિલાઓ: COVID-19 વિશ્વમાં સમાન ભવિષ્ય પ્રાપ્ત કરવું.

સ્ત્રી પુરુષ સમાનતાની વાતો આદિકાળથી ચાલી આવે છે અને હજું વર્ષો સુધી ચાલવાની છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચે સરખામણી કરવી પડે છે, એ જ આપણામાં માનસિક સ્તરે રહેલા ભેદને દર્શાવે છે. અને પૌરાણિક ગ્રંથોથી લઈને આધુનિક સમયમાં પણ સ્ત્રીઓ પરના જુલમ અને એના સોલ્યુશનની ચર્ચાઓ થતી રહે છે. તકલીફ એ છે કે માત્ર ચર્ચાઓ જ થતી રહે છે!

પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી લઈને ગ્રીક જેવી મહાન સભ્યતામાં સ્ત્રીઓ અત્યાચારો થયેલાં છે. સ્ત્રીઓને અધિકારો આપવાની બાબતમાં પિતૃસત્તાત્મક સમાજે હંમેશા સ્ત્રીઓને અન્યાય કર્યો છે.

સ્ત્રી પુરુષની બાબતમાં ભારતીય સમાજમાં જેટલો વિરોધાભાસ જોવા મળે છે એટલો વિરોધાભાસ વિશ્વના બહું ઓછાં સમાજમાં જોવા મળે છે. ભારતમાં વર્ષોથી દેવીઓની પૂજા થતી હોવા છતાંય સ્ત્રી બાબત અત્યાચારોમાં આપણે કશું બાકી રાખ્યું નથી. પુરાતનકાળથી સ્ત્રીઓને શિક્ષણથી લઈને મિલકતના અધિકારો સુધી વંચિત રાખવામાં આવી છે.

નારીમુક્તી આંદોલન ચલાવવું પડે એ જ દર્શાવે છે કે સ્ત્રીઓને મુક્તિ આપવાની જરૂર છે. સ્ત્રી સશકિતકરણની વાતો કરતી વખતે દલીલ કરવામાં આવે છે કે સ્ત્રી સશકત જ છે, તમારે ફક્ત એ સ્વીકારવાની જરૂર છે. આવી વાતમાં સ્ત્રીઓ પ્રત્યે અહોભાવ વધારે અને સત્યનો અંશ ઘણો ઓછો છે.

રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે અનુસાર વર્ષ 2017માં 46.1% સ્ત્રીઓ અને વર્ષ 2019માં 66.4% સ્ત્રીઓ એનીમિયાથી પીડિત છે. એનીમિયા એટલે ટુંકમાં લોહતત્વની ખામી. દિવસે દિવસે જાગૃતિ આવવાની સાથે અને મેડિકલ ક્ષેત્રે પ્રગતિ થવાની સાથે એનીમિયાનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે! પોષકતત્ત્વોની ખામી ધરાવતી સ્ત્રી તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે નહિ એ સામાન્ય વાત છે.

સેન્સસ ઑફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ, 2011માં સ્ત્રીઓનો સાક્ષરતા દર હતો 65.45% હતો!

અને 27% જેટલી છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર થઈ જાય તેના પહેલાં જ થઈ જાય છે.

અને આ બધાં આંકડાઓ પર નજર નાંખતા એવું થયા વગર રહે નહીં કે બધી જ સ્ત્રીઓ સશકત નથી.
સામાજિક માળખું અને કુદરતી ભેટ અનુસાર તેમનાં દીકરી દીકરાને ઉછેરવાની મોટાં ભાગની જવાબદારી સ્ત્રીઓને ભાગે આવતી હોય છે. અને સ્ત્રી શારીરિક રીતે મજબૂત હોય, અને શૈક્ષણિક રીતે આગળ હોય તો એ તેમનાં દીકરી દીકરાનો ઉછેર વધુ સારી રીતે કરી શકે એ વાત સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એવી છે. પરંતુ, એ બાબતમાં આ સરકારી આંકડાઓ નિરાશાજનક છે.

અમુક નારીવાદીઓ નારીમુકિતના આંદોલનને પુરુષવિરોધી ચીતરી દે છે પણ એવું કરવા દેવું આપણને પોસાય તેમ નથી. સ્ત્રી અને પુરુષને એકબીજા વગર ચાલે એમ નથી. શારીરિક અને માનસિક એમ બન્ને સ્તરે!

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનો દરજ્જો બહું ઊંચો હતો એવી વાત કરતી વખતે આપણામાં તલસ્પર્શી અભ્યાસની ખામી હોય એવું વર્તાય છે. આખા વિશ્વ ઉપર છવાય ગયેલાં બે મહાન ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારતના મહત્ત્વના બે સ્ત્રી પાત્રો સીતા અને દ્રોપદીની મનોસ્થિતિ જાણવાની કોશિશ કરવી જોઈએ. સ્ત્રીને શક્તિના પ્રતીક તરીકે માનીને પૂજવામાં આવે છે, પરંતુ તેનો ખરો અમલ સમાજમાં થયો નથી.

સ્ત્રીઓને મતાધિકાર આપવાની બાબતમાં વિશ્વ આખાનાં દેશોએ નીચું માથું કરી લેવું પડે એવું વર્તન કર્યું છે. અને ભારત આમાં અપવાદ છે! વર્ષ, 1789માં લોકશાહીનો ખ્યાલ આપનાર ફ્રાન્સની ક્રાંતિ પછી ફ્રાન્સ જ્યારે લોકશાહી બન્યું પછી સ્ત્રીઓને મતાધિકાર ક્યારે મળ્યો? વર્ષ, 1946માં!
અને ઇંગ્લેન્ડે ક્યારે આપ્યો? આંશિક રીતે વર્ષ 1922માં, અને સંપૂર્ણ રીતે વર્ષ 1930માં!
દુનિયાની સૌથી જૂની અને સૌથી શ્રેષ્ઠ લોકશાહી એવું સ્વિટ્ઝર્લૅન્ડ એ ક્યારે આપ્યો? વર્ષ 1970 પછી!
અને અમેરિકાએ? વર્ષ 1920માં!
આઝાદ થયાની સાથે જ કે લોકશાહી સ્થાપિત થવાની સાથે જ સ્ત્રીઓને-પુરુષોની સાથે જ મતાધિકાર આપવામાં આવ્યો હોય એવા દેશો આંગળીના વેઢે ગણી શકાય એવાં છે. અને એમાં એક નામ હિન્દુસ્તાન છે!

પુરુષસતાત્મક વિચારસરણીનાં મૂળ ખૂબ ઊંડા છે. વ્યવહારુ રીતે જોવા જઈએ તો એક જ ઝાટકે કોઈ વિચારસરણી જળમુળથી બદલાય શકે નહિ. જેમ કોઈ વિચારસરણીને બનતાં અપનાવતાં જેટલી વાર લાગી હોય એટલી જ અને અમુક વાર રૂઢિગત થઈ ગયેલી વિચારસરણી બદલાતા બહું વાર લાગે.

માસિક દરમિયાન સ્ત્રીઓએ દીવો નહિ કરવાથી લઈને પલંગ પર નહિ સુવાનું અને નિજમંદિરમાં પ્રવેશ કરવો નહિ સુધીની કુપ્રથા મોટાં ભાગનાં ઘરોમાં પ્રચલિત છે. માસિક દરમિયાન દેવીને દીવો કરી શકાય નહિ એવું મોટાં ભાગની સ્ત્રીઓ માને છે. અને એ પોતાની દીકરી કે પુત્રવધૂને પણ એનું અનુસરણ કરવા માટે શિખામણ આપે છે.

સંસદમાં સ્ત્રીઓ માટે તેત્રીસ ટકા બેઠકો અનામત રાખવાની વાત બધાં પક્ષો અને બધાં નેતાઓ કરે છે. પણ વાત વહેવારમાં મૂકવાની આવે ત્યારે કોઈ હાલતું ચાલતું નથી.

સ્ત્રી સશક્તિકરણની વાતો ઉપર ઉપરથી ખૂબ સારી લાગે છે. અને આ મુદ્દો પણ સામાન્ય હોય એવું લાગે છે. પણ ખરેખર એટલું આસાન નથી. પુરુષોની- સ્ત્રીઓની અને સમાજની- સમસ્યાઓ ખૂબ જટીલ અને એક-બીજા સાથે ખૂબ જ ગૂંથાયેલી- ગૂંચવાયેલી છે. યોગ્ય દિશામાં તલસ્પર્શી અભ્યાસ કરી- અસરકારક પગલાં લઈને વ્યક્તિગતથી લઈને સમાજ અને સરકાર બન્નેના પ્રયત્નો દ્વારા જ્યારે એક અભિયાન શરૂ થશે ત્યારે સાચા અર્થમાં મહિલા દિવસની ઉજાણી કરી એવું કહેવાશે.

તણખો:


यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।।५६।।
અર્થાત્, જ્યાં સ્ત્રી પ્રત્યે આદર સન્માન હોય છે, તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી થાય છે, ત્યાં દેવો, સમાજ અને કુટુંબ ખુશ થાય છે. જ્યાં આવું થતું નથી અને તેમની સાથે તિરસ્કાર કરવામાં આવે છે, ત્યાં દેવકૃપા રહે નહીં અને ત્યાં કરેલું કાર્ય સફળ થતું નથી.

शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् ।
न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा ।।५७।।
અર્થાત્, જે કુટુંબમાં- કુટુંબની મહિલાઓ ગેરવર્તનને કારણે શોક કે દુઃખમાં રહે છે, તે પરિવારનો જલ્દીથી નાશ થાય છે, તેનું પતન શરૂ થાય છે. એનાથી ઉલટું, જ્યાં તેવું બનતું નથી અને સ્ત્રીઓ ખુશ રહે છે, તે સંપૂર્ણ પ્રગતિ કરે છે.

जामयो यानि गेहानि शपन्त्यप्रतिपूजिताः ।
तानि कृत्याहतानीव विनश्यन्ति समन्ततः ।।५८।।
જે ઘરોમાં કુટુંબની મહિલાઓ અનાદરને લીધે અસંતોષ રહીને શ્રાપ આપે છે, એટલે કે કુટુંબના અધોગતિની અનુભૂતિ તેમના મનમાં ઉદ્ભવે છે, તે ઘર કાર્યો દ્વારા બધી રીતે બરબાદ થઈ જાય છે.

મનુસ્મૃતિ


ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment