વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ


૧૨ જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ અને એટલે આપણો દિવસ! આખા ભારતમાં એવો કોઈ વ્યક્તિ નહિ મળે કે જેને સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું ન હોય.

જન્મ કલકત્તા ખાતે શિમલા પાલ્લી ગામમાં થયો હતો અને નામ પાડવામાં આવ્યું નરેન્દ્રનાથ દત્ત. પિતા વિશ્વનાથ દત્ત. અને તે કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની. અભ્યાસ ઘરેથી શરૂ કર્યો પરંતુ પછીથી તેઓ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની સંસ્થામાં દાખલ થયા.

સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો અને બીજા વર્ષે કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ. ભારતીય દર્શન, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર, સમાજતંત્ર, સાહિત્ય, સંગીત, કલા, વિજ્ઞાન-આ દરેક વિષયોનું ઊંડાણથી અધ્યયન કર્યું. સાંખ્ય, વેદાંત, યોગ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રો પણ વાંચ્યા. સાથે-સાથે તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપનાં રાષ્ટ્રોનાં ઇતિહાસનો અભ્યાસ કર્યો. ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિન જેવાં વિદેશી ફિલસૂફને પણ વાંચ્યાં. અને આ વિભિન્ન દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરી, તુલનાત્મક વિચારો વડે સત્યનું અવલોકન કરવાની ટેવ પાડી. જેથી કરીને સર્વ પ્રકારની ધર્માંધતાનો સંપૂર્ણ નાશ થઈને એક સમુજ્જવલ સત્યનો પ્રકાશ સર્વેની નજરે પ્રસરી શકે. નરેન્દ્રનાથ માનતા કે, ‘દુર્બળને માટે ન તો ઇહલોક, ન તો પરલોક છે!’ આથી નિયમિત યોગ-આસન કરતાં થયાં અને ધીમે-ધીમે એ માન્યતા દૃઢ બની કે સર્વ પ્રકારની દુર્બળતા-દૈહિક, માનસિક કે આધ્યાત્મિક- વિષતુલ્ય ગણીને ત્યાગવી જોઈએ!

આ વર્ષોમાં જ બ્રહ્મસમાજનાં સંપર્કમાં આવ્યા. દેવેન્દ્રનાથ ટાગોર(રવીન્દ્રનાથ ટાગોરનાં પિતા) અને કેશવચંદ્ર સેનને મળ્યાં અને ઈશ્વરનાં અસ્તિત્વ વિશે ચર્ચા કરી. પરંતુ, સંતોષકારક જવાબ મળ્યો નહિ.

નવેમ્બર, ૧૮૮૧માં મિત્ર સુરેન્દ્રનાથનાં ઘરે નરેન્દ્રનાથની મુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ. રામકૃષ્ણએ નરેન્દ્રનાથને સંગીત ગાવા માટે કહ્યું.(બાય ધ વે, નરેન્દ્રનાથ શાસ્ત્રિય સંગીત અને ગાયકી વાદ્ય પણ શિખ્યા હતાં!) એમની ગાવાની કળા જોઈને રામકૃષ્ણએ નરેન્દ્રનાથને દક્ષિણેશ્વર આવવાં માટે કહ્યું. અને ત્યાંથી નરેન્દ્રનાથની યાત્રા શરૂ થઈ. નરેન્દ્રનાથ અજીબ સ્થિતિમાં મુકાયેલા! તે રામકૃષ્ણનાં વિચારોને સ્વીકારી પણ નહોતાં શકતાં અને ઉપેક્ષા પણ નહોતાં કરી શકતાં!

માત્ર ઓગણીસ વર્ષનાં વિવેકાનંદ ખુબ જ તાર્કિક બુદ્ધિશાળી અને જુસ્સાથી ભરપુર હતા. તેમને બધા પ્રશ્નનો યોગ્ય જવાબ જોઈતો હતો. તેઓ રામકૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું, ‘તમે આખો દિવસ ભગવાનની અને ભગવાન સાથે વાતો કરો છો. તો તેનું પ્રમાણ શું? મને સાબિતી આપો.’
રામકૃષ્ણ એકદમ સરળ હતાં. તે શિક્ષિત ન હતાં. તેઓ સાધક હતા, વિદ્વાન ન હતા તેથી તેમણે કહ્યું કે, ‘હું જ પ્રમાણ છું.’
રામકૃષ્ણએ કહ્યું, ‘ભગવાન છે એનું પ્રમાણ હું જ છું!’
વિવેકાનંદ અસમંજસમાં પડ્યા! શું કહેવું એ કંઈ સમાજ ન પડી કારણ કે તેમને આ બાબત એક્દમ નિરર્થક-તુચ્છ લાગી. નરેન્દ્રને કંઇક બૌદ્ધિક જવાબની આશા હતી. રામકૃષ્ણે આપેલો જવાબ એનાથી તદ્દન વિરોધી હતો, પણ રામકૃષ્ણએ તો કહ્યું કે ‘ભગવાન હોવાનું પ્રમાણ હું છું! હું જે રીતે છું એ ભગવાન હોવાની સાબિતી છે!’ વિવેકાનંદને કંઈ સમજ ન પડી અને તેઓ જતા રહ્યા.

ત્રણ દિવસ પછી તેઓ પાછા આવ્યા અને પૂછ્યું, ‘તમે મને ભગવાન બતાવી શકો?’
રામકૃષ્ણ એ સામે સવાલ કર્યો, ‘તારામાં જોવાની હિંમત છે?’
નરેન્દ્રનાથ એ હા પાડી. રામકૃષ્ણએ તેમનો પગ વિવેકાનંદની છાતી પર મુક્યો અને વિવેકાનંદ થોડા સમય માટે સમાધીની અવસ્થામાં જતા રહ્યા. અને લગભગ બારેક કલાક સુધી તેઓ આમાંથી બહાર આવ્યા નહિ!

સન ૧૮૮૪માં બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. એવામાં તેમના પિતાનું હૃદય એકાએક બંધ પડવાથી અવસાન પામ્યા. નરેન્દ્રનાથ મુશ્કેલીમાં આવી ગયા. નોકરી માટે બહુ ફર્યા, પણ ન મળી. અનાજ પણ ખૂટ્યું. એ અરસામાં જ એક દિવસ ભગવાનનું નામ લઈ રહ્યા હતા એવે વખતે તેમની દુખિયારી માતા ગુસ્સે થઈને બોલી ઊઠી,”ભગવાન, ભગવાન શું કરે છે ? ક્યાં છે તારો ભગવાન ?” આ સાંભળીને વિવેકાનંદ વિચલિત થઈ ગયા.

ક્યાંક સાંભળેલી બીજી એક ઘટના પણ યાદ આવે છે. એકવાર તેમના માતા ખૂબ બીમાર હતા અને મરણ પથારીએ હતાં ત્યારે એકાએક તેમને યાદ આવ્યું કે તેમની પાસે પૈસા નથી અને તેથી તે તેમને જરૂરી દવા કે ભોજન લાવી આપી શકે તેમ નથી. આનાથી તેઓ ખૂબ ગુસ્સે થયા.

તેઓ રામકૃષ્ણ પાસે ગયા –બીજે જવાય તેમ પણ ક્યાં હતું?
તેમણે રામકૃષ્ણ ને કહ્યું કે, ‘આ બધું વાહિયાત છે. આ આધ્યાત્મિકતા મને ક્યાં લઇ જઈ રહી છે? જો હું કમાતો હોત તો આજે મારી માતાની સંભાળ લઇ શક્યો હોત. હું તેના માટે ભોજન લાવી શક્યો હોત, તેને દવા આપી શક્યો હોત, હું તેને આરામ આપી શક્યો હોત. પણ એમાંનું કશું જ હું કરી શકતો નથી! આ આધ્યાત્મિકતા મને ક્યાં લઇ જઇ રહી છે?’

રામકૃષ્ણ કાલી માતાના ભક્ત હતાં અને ઘરમાં મૂર્તિ પણ રાખી હતી.
તેમણે કહ્યું, ‘શું તારી માતાને દવા અને ભોજન જોઈએ છે? તેમને જે જોઈએ છે એ માટે તું જઈને કાલી માતાને જ શા માટે પૂછતો નથી?’ વિવેકાનંદને આ વિચાર ગમ્યો અને તેઓ મંદિરમાં ગયા.
એક કલાક પછી તેઓ બહાર આવ્યા અને રામકૃષ્ણએ પૂછ્યું, ‘શું તે તારી માતાની દવા કે પૈસા વિષે પૂછ્યું?’
વિવેકાનંદે જવાબ આપ્યો, ‘ના, હું ભૂલી ગયો!’

રામકૃષ્ણ એ કહ્યું, ‘તું અંદર જા અને આ વખતે પૂછવાનું ભૂલતો નહિ.’
વિવેકાનંદ ફરી અંદર ગયા અને લગભગ ત્રણેક કલાક બાદ તે બહાર આવ્યા.
રામકૃષ્ણએ ફરી પૂછ્યું, ‘તે પૂછ્યું?’
વિવેકાનંદે કહ્યું, ‘ના, હું ફરી ભૂલી ગયો!’
ફરી રામકૃષ્ણએ કહ્યું કે, ‘ફરી જા, હવે ના ભૂલતો.’

વિવેકાનંદ ફરી અંદર ગયા અને લગભગ આઠેક કલાક બાદ તે બહાર આવ્યા.
રામકૃષ્ણએ ફરી પૂછ્યું, ‘શું તે પૂછ્યું?’
વિવેકાનંદે કહ્યું, ‘ના , હું પૂછીશ નહિ. હવે મારે પૂછવાની જરૂર નથી!’
રામકૃષ્ણએ કહ્યું કે, ‘સારું, જો તે આજે મંદિરમાં કઈ પણ પૂછ્યું હોત તો આજનો દિવસ તારી અને મારી વચ્ચેનો છેલ્લો દિવસ હોત. હું તારૂ મોઢું ક્યારેય ના જોત! કારણ કે, આવાં સવાલ પૂછતો મુર્ખ જીવન શું છે તે જાણતો હોતો નથી. એ જીવનના મૂળભૂત સારને સમજ્યો હોતો નથી!’

અને માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે પોતાનાં ગુરુથી પ્રેરિત થઇને એમણે સાંસારિક મોહ-માયાનો ત્યાગ કર્યો અને સન્યાસી બની ગયા.

રામકૃષ્ણને નરેન્દ્રનાથ તરફ થોડો અલગ-વધારે લગાવ હતો. કારણકે તેમનાં સંદેશને વિશ્વમાં ફેલાવનાર એક વાહક તરીકે તેઓ તેમને જોતા હતા. રામકૃષ્ણ જાતે આ કામ કરી શકે એમ ન હતા તેથી તેઓ નરેન્દ્રને એક માધ્યમ તરીકે જોતાં હતાં.

રામકૃષ્ણની આસપાસનાં લોકો સમજી શકતાં ન હતાં કે શા માટે તેઓ નરેન્દ્ર પાછળ આટલાં ઘેલા હતાં! જો નરેન્દ્ર એક દિવસ પણ મળવા ના આવે તો રામકૃષ્ણ જાતે જ તેમને શોધવા જતાં કારણકે તેઓ જાણતાં હતાં કે આ છોકરા પાસે જ મારા સંદેશને વહન કરવાની જરૂરી દ્રષ્ટિ અને હિંમત છે. નરેન્દ્રને પણ એટલો જ લગાવ રામકૃષ્ણ પ્રત્યે. તેમણે રોજગારી માટે કોઈ શોધ કરી નહિ, તેમનાં જેટલી સરખી ઉંમરના છોકરાઓ સામાન્ય રીતે જે કરતા હોય તેવું કશું જ તેમણે કર્યું નહિ અને તેઓ માત્ર રામકૃષ્ણને જ અનુસર્યા!

ત્યારબાદ નરેન્દ્રનાથને રામકૃષ્ણએ પોતાનાં અનુગામી પટ્ટશિષ્ય તરીકે પ્રતિષ્ઠિત કર્યા અને ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬નાં દિવસે રામકૃષ્ણ પરમહંસ મહાસમાધિમાં લીન થઈ સ્વર્ગે સીધાવ્યા. એ જ સમયે નરેન્દ્રનાથ એ નરેન્દ્ર મટી સ્વામી વિવેકાનંદ બની ગયાં!

તિખારો:


જો કોઈની પાસે શ્રદ્ધા હોય તો તેની પાસે બધું જ હોય છે!
-રામકૃષ્ણ પરમહંસ


©ડૉ. ભાવિક મેરજા

(વધું ગુરુવાર)

Leave a Comment