વસંત-રજબ : કોમી એકતાની મિશાલ

હિંદુઓનો પવિત્ર તહેવાર અષાઢી બીજ અને મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અજહા (બકરી ઈદ) હમણાં જ ગયો. અને ફરી હિંદુ-મુસ્લિમ એક્તા અને હિંદુ-મુસ્લિમ કટ્ટરતાની વાતો થઈ.

શરમજનક સત્ય એ છે કે ધર્મ-ધર્મ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે એક્તાની- સોહાર્દની વાતો એ ઘણે-ખરે અંશે વાતો જ રહી ગઈ છે. ધાર્મિક કટ્ટરતા કે જ્ઞાતિવાદ એ રાષ્ટ્રનાં શરીરની અંદર થયેલી કેન્સરની ગાંઠ સમાન છે, અગર તેને જલ્દીથી દૂર કરવામાં આવે નહીં તો આખા શરીરમાં ફેલાય જાય, અને છેવટે ભોગ લે.

હિંદુસ્તાને જોયેલાં-અનુભવેલા કોમી હિંસા- હુલ્લડોથી એક પણ ભારતીય અપરિચિત નથી. આઝાદીથી લઈને આજ સુધી જ્ઞાતિ-કોમી હિંસાઓ છતી થતી રહે છે. ખૂન થતાં રહે છે. લાલ રંગ જમીન પર ઊડતો રહે છે. અને મિટ્ટીમાં ભળતો રહે છે.

દર વર્ષે અષાઢી બીજનાં દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. જૂના અમદાવાદ વિસ્તારમાંથી આ રથયાત્રા પસાર થાય છે. ઘણી વાર ઈદ અને અષાઢી બીજ બન્નેની તિથિ સાથે ય આવી હોય એવું ય બન્યું છે. પોલીસ સતર્કતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ એની ઘણી કાળજી લેવામાં આવે છે. છતાંય ભૂતકાળમાં ઘણી વાર એ દિવસ હત્યાકાંડનો દિવસ બન્યો છે.

વર્ષ હતું, 1946. એ પ્રથમ ઘટના હતી જ્યારે રથયાત્રામાં હિંસક તોફાનો થયાં.

કાલુપુરના રાજમહેલ હોટલ પાસે જ્યારે રથયાત્રા પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ શરૂ થયું. આ ઘર્ષણે કોમી હિંસાનું રૂપ ધારણ કર્યું. અને હિંસા અને આગ આખા શહેરમાં પ્રસરી ગઈ! રતનપોળ અને માણેકચોકમાં સોના-ચાંદીની દુકાનો લૂંટાઈ. તેમ જ રાયખડ અને જમાલપુર વિસ્તાર ય એનો વધુ ભોગ બન્યા.

જમાલપુરની ખાંડની શેરી પાસે ડુંગરપરામાં શ્રમજીવી કાર્યકર દુધાભાઈ તથા અન્ય લોકોના મકાનો પર તોફાની ટોળાઓએ હુમલો કરીને આગ ચાંપી છે તેવા સમાચાર મળતાં વસંતરાવ હેગિસ્ટ અને રજબઅલી લાખાણીની જોડી આગળ આવી. કોણ હતાં આ બને સપૂતો?

વસંતરવ હેગિસ્ટનો જન્મ 16 મે,1906. સ્થળ મહારાષ્ટ્ર. અને પરિવાર મરાઠી. ધર્મ હિંદુ. ગાંધીવિચારોથી પ્રભાવિત થઈ 15 વર્ષની ઉંમરે જ ભણવાનું છોડી દીધું. અને સ્વતંત્રતાની ચળવળમાં જોડાય ગયાં! અમદાવાદના કોચરબ આશ્રમમાં દલિતો માટે રાત્રિ શાળા ચલાવી. અને મહાદેવભાઈ દેસાઈ એ જેણે મહાભીનીષ્ક્રમણ જેવી ઉપમા આપી એવી દાંડીકૂચ સમયે અમદાવાદથી અસલાલી સુધીની દાંડીમાર્ગની વ્યવસ્થા ય સાંભળી. ધરાસણા મીઠા સત્યાગ્રહમાં સરોજિની નાયડુ સાથે ભાગ લીધો. હિંદ છોડો આંદોલનમાં જોડાયા. અને વર્ષ 1932, 1940, 1942માં જેલવાસ ય ભોગવ્યો.

રજબઅલી લાખાણીનો જન્મ 27 જુલાઈ, 1919. સ્થળ કરાંચી. પરંતુ વર્ષ 1935માં તેમનો પરિવાર લીંબડી આવીને વસ્યો. ધર્મ મુસ્લીમ. ગાંધીવિચારની પ્રબળ જ્વાળામાં એ પણ લપેટાયા અને અંગ્રેજોની નોકરી ન કરવાનો નિર્ણય કર્યો. વર્ષ 1938 અને વર્ષ 1942ની લડતમાં સક્રિયપણે ભાગ લીધો.

આમ તો બન્નેએ એક-બીજા સાથે એકેય લડતમાં ભાગ લીધેલો નહિ. પણ બન્નેનાં વિચારો સરખા. બન્ને કોંગ્રેસી કાર્યકર. અને સાંજના સુમારે હુમલા અને હિંસાના જેવા ખબર મળ્યાં કે બન્ને કોંગ્રેસ ભવનથી હિંસાગ્રસ્ત જમાલપુર વિસ્તારમાં પહોંચીને પોતપોતાની કોમનાં લોકોને સમજાવવાના પ્રયત્નો કર્યા. પણ ટોળાઓ માનવા તૈયાર નહોતા. તો એવે વખતે અમે શાંતિ માટે આવ્યા છીએ અમને મારવાથી તમારી આગ બુઝતી હોય તો અમે મારવા પણ તૈયાર છીએ. અમે બચવાનો કોઈ પ્રયત્ન નહીં કરીએ. આવું કહી એક સાચા સત્યાગ્રહીને છાજે એમ રસ્તા વચ્ચે સૂઈ ગયા. પરંતું ઝનૂની અને ઝેરીલા મૂર્ખ ટોળાઓ પર એની કોઈ અસર થઈ નહિ. અને વસંત-રજબની હત્યા કરી દીધી! અને દિવસ હતો, 1 જુલાઈ, 1946. વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણી પર થયેલા આ હુમલા બાદ તેમની લાશ એક દિવસ બાદ મળી હતી! ત્યારે વસંતરાવની ઉંમર હતી 40 વર્ષ અને રજબઅલીની ઉંમર હતી માત્ર 27 વર્ષ! વસંતરાવને દૂધેશ્વરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, જ્યારે રજબઅલીને ગોમતીપુરમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં.

આ વખતે ગાંધીજી પૂનામાં હતાં. અને બીજું જુલાઈએ પ્રાર્થનાસભામાં ગાંધીજી એ આ બન્ને શહીદોને ભાવભીની અંજલિ આપતાં કહ્યું કે, ગણેશ શંકર વિદ્યાર્થી, વસંતરાવ અને રજબઅલી જેવાં અને યુવાનો નીકળી પડે તો કોમી રમખાણો હંમેશને માટે નાબૂદ થઈ જાય!

અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગીત લખ્યું:

વીર વીરા વસંત તમે રંગ રાખ્યો-
વીરા રજબ અલી તમે રંગ રાખ્યો!

અને વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કર્યું!

ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને લખ્યું કે, તેઓ જે પ્રતિકાર સૂચવે છે તે તેમણે કોઈપણ ઠેકાણે અજમાવી જોયો નથી. ગાંધીજી જો આ સમયે અમદાવાદ આવ્યાં હોત તો જગતને કંઈક જાણવા- ગ્રહવાજોગુ જરૂર મળ્યું હોત! અને ગાંધીજીએ એનો જવાબ આપ્યો કે, જે ઘોર હિંસા ચાલી રહી છે તેમાંથી અહિંસા પ્રગટ થાય તેને માટે મારા જેવા અનેકનાં બલિદાનોની જરૂર પડશે!

સરદાર વલ્લભભાઈ પટેલ આ ઘટનાથી ખૂબ વ્યથિત થયાં. સરદાર તો વસંતરાવને બાલ્યાવસ્થાથી ઓળખતા. સરદારની હાકલ પર પોતાના યુવા સાથીઓ સાથે તત્પર રહેતા. અને 1931માં સરદાર જ્યારે કરાંચી ખાતે ભરાયેલા અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે વસંતરાવ અમદાવાદથી કરાંચી સાયકલ લઈને ગયા હતા!

‘બંધુત્વ સ્મારક’. ગાયકવાડ હવેલીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં આવેલું વસંત-રજબનું સ્મારક. અને એ બન્યું ક્યારે? 1 જુલાઈ, 2015નાં દિવસે! બન્ને વીરની શહીદીનાં અડસઠ વર્ષ પછી! અને 1, જુલાઈ 2021એ પંચોતેર વર્ષ પૂર્ણ થયાં વસંત-રજબની શહીદીનાં.

પણ દુર્ભાગ્યવશ આજે લગભગ કોઈને ખબર ય નથી કે રજબઅલીની કબર ક્યાં છે! હિંસાઓને શાંત કરવા અહિંસક રસ્તે ઉતરી પડેલાં આ બે યુવાન ભડવીરોની કેટલાં ગુજરાતીઓને ખબર છે? અને બન્ને સપૂતોની કેટલી નોંધ લીધી આપણે? કે શહાદતને ભૂલી જવી એ ગુજરાતીઓની તાસીર છે?

તણખો:


છેલ્લાં 40,000 વર્ષોથી આપણે એક સરખાં જ પૂર્વજોના વંશજો છીએ. આ વાત સિદ્ધ થઈ ચૂકી છે! હિંદુ-મુસ્લિમ અલગ નથી, બધાં ભારતીયોનું ડીએનએ એક છે!
~મોહન ભાગવત (રવિવાર. 4,જુલાઈ 2021.)


-ડો.ભાવિક આઈ.મેરજા

Related posts

Leave a Comment