- પોલીસે ગેરકાયદેસર ભેંસોની હેરફેર કરતાં આઠ ઈસમની અટકાયત બાદ કરી FIR
- ભેંસોને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને હેરફેર કરાતી હતી
ગુજરાત: ગત રવિવારે અમીરગઢ પોલીસ સ્ટેશન સ્ટાફનાં માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહનનું ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર તરફથી આવતી એક આઈસર ગાડી પર પોલીસને શંકા થતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં ભેંસો જોવા મળી હતી. તેથી પોલીસ દ્વારા આઈસર ચાલક પાસેથી તેનું પાસ-પરમીટ માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું. આઈસરમાં ખીચોખીચ હાલતમાં 14 ભેંસોને દોરડા વળે બાંધીને રાખવામાં આવી હતી. આઈસરનાં ડ્રાઇવરને તેનું નામ પૂછતાં મીરમહમદ નૂરમહમદ સિંધી (રહે. લાલાવાડા, મહેસાણા) જણાવેલું અને ગાડીના કંડકટર હૈદરખાન સવાઈખાન બલોચે (રહે. મેફૂકાપુરા, મહેસાણા) ગાડી માલિકનું નામ જાવેદખાન હોવાનું જણાવેલું.
આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય બે આઇસરને ઊભા રાખીને તપાસ કરી હતી. તેમાં પણ ગેરકાયદેસર રીતે ભેંસો ખીચોખીચ હાલતમાં ભરેલી અને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર જોવા મળી હતી. આ બંને આઈસરમાં ચાલક પાસે ભેંસોની હેરફેરનું પાસ-પરમીટ માગતા મળી આવ્યું નહોતું. એટલે બીજા નંબરના રોકવામાં આવેલા આઇસરના ડ્રાઇવર જહાંગીરખાન બલોચ (રહે.મહેકુબપુરા, મહેસાણા) અને કંડકટર મોહીનખાન બલોચ (રહે. પાલનપુર) તેઓએ ગાડીના માલિક રફીકભાઈ સિધ્ધપુરવાળાએ 14 ભેંસો ખીચોખીચ ભરી આપી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ત્રીજા આઈસરના ડ્રાઇવર નઈમખાન બલોચ (રહે.કાકોશી, પાટણ) અને કંડકટર મહેબૂબખાન બલોચ (રહે. સિધ્ધપુર) એ અન્ય 14 ભેંસો બત્તર હાલતમાં આઈસરમાં ભરેલી હતી. આમ ત્રણેય આઇસર ગાડી મળીને કુલ 42 ભેંસોને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને હેરફેર કરાતી હોવાથી પોલીસે 42 ભેંસો અને આઈસર ગાડી સહિત રૂ.19 લાખનાં મુદ્દામાલ સાથે કબજે કરી અમીરગઢ પોલીસે આગળની કર્યાવાહી હાથ ધરી છે.