ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે કાવ્યપાઠ

ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ શ્રી. ભાવેશ ભટ્ટ, કવિ શ્રી. ભાવિન ગોપાણી, કવિ શ્રી. અનિલ ચાવડા,કવિ શ્રી. તેજસ દવે કાવ્યપાઠ દ્વારા શબ્દાંજલી આપશે. જેનું ગુજરાતી બુક ક્લબનાં ફેસબૂક પેજ પરથી લાઈવ કરવામાં આવશે.


ગુજરાતી બૂક ક્લબ ફેસબુક પેજ:https://www.facebook.com/GujaratiBookClub/


ખલીલ ધનતેજવીની રચનાઓ..

ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,
ને પછી રસ્તા માં એક પલળેલી શેહઝાદી હતી…

ને પછી એવું થયું કે બંને સપના માં મળ્યા,
એ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી…

ચંદ્ર ને પણ છત ઉપર ઉતરી જવા નું મન થયું,
ચાંદની રાતે અગાશી કેવી ઉન્માદી હતી…

હાર પેહરાવા જતા ઓચિંતી આંખ ઉઘડી ગઈ,
એ પછી સ્વપ્ના એ કીધું, રાત તકલાદી હતી.

આત્મ-હત્યા નો ગુનો દાખલ થયો દીવા ઉપર,
ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી.

ને ખલીલ, એવું થયું, લયલા કશે પરણી ગઈ,
ને પછી બીજે દિવસ મજનૂ ની પણ શાદી હતી.


ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.

હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નમાં જોયેલો ખજાનો નીકળે?
ભાઈને હું શું કહું, એ મારું ઘર ખોદી ગયો.

જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત ફહેવાનું તો હું ભૂલી ગયો.


બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર,
જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર…

હું ખલીલ, પરબીડિયા પર એના અક્ષર જોઈ ને,
પત્ર નો સારાંશ સમજી જાઉં છું વાંચ્યા વગર…


લય વગર, શબ્દો વગર, મત્લા વગર…
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર…

તેં તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર…


બોલવા ટાણે જ ચુપ રહેવું નથી ગમતું મને,
પણ બધા ની રૂબરૂ કહેવું નથી ગમતું મને!

એકલો ભટક્યા કરું છું એનું કારણ એ જ છે,
ભીડ વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખ માં આવી ને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુઃખ સહેવું નથી ગમતું મને.


આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.


ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.


રોજ આવે છે સ્વપ્ના પગને,
બોલાવે છે રસ્તા પગને.

તારા તરફ ફંટાઉં ત્યારે,
થાય છે જલસા જલસા પગને.

રસ્તે તારી યાદ આવે તો,
ભીના લાગે તડકા પગને.

ફૂલને ચૂંટે હાથ એ પહેલાં,
પ્રેમથી ચૂમે કાંટા પગને.

મારી સાથે છાલાં પડશે,
તારા પોચાપોચા પગને.

હોય ખલીલ અંધારું તોપણ,
મારગ ચીંધે ઇચ્છા પગને.


ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?

પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું?


ચાલ પર્વત પર ચઢી ને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ.

એક ચાંદો આભ માં બીજો અગાશી માં ઉગ્યો,
બેઉં માં થી કોને સાચો, કોને ખોટો પાડીએ.

બાળપણ, યૌવ્વન, બુઢાપો, વેશ સહુ ભજવી ચુક્યા,
થઇ ગયું પૂરું આ નાટક, ચાલ પરદો પાડીએ.

હા, ખલીલ એવું કશું કરીએ સહુ ચોંકી ઉઠે,
થઇ શકે તો ચાલ પરપોટા માં ગોબો પાડીએ.


જીવન નું તેજ માંડવાના તેજ માં નથી,
સંદર્ભ સાત ફેરા તણો દહેજ માં નથી.

ધારે તો એ દિવાલો ધરાશય કરી શકે,
છાલક ઉડાડવાનું ગજું ભેજ માં નથી.

ખુદ આખું ગામ લઇને ફરે છે ખભા ઉપર,
ને તે છતાં ધનતેજવી ધનતેજ માં નથી.


કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે.

હિંદુ મુસ્લિમ બંને સલામત,
માનસ વારંવાર મરે છે.


ત્યાગ માં ક્યાં કંઈ મહિમા જેવું લાગે છે?
સહુ ને એમાં હસવા જેવું લાગે છે!

આજે કોઈ જોઈ રહ્યું છે મારા તરફ,
આજે કઈ જળહળવા જેવું લાગે છે.

ક્યાંક અચાનક ખાબોચિયાએ પૂછ્યું મને,
મારા માં કઈ દરિયા જેવું લાગે છે?

જો, આ તો છે મંદિર મસ્જીદ જેવું કશુક,
પાછો વળ ભઈ ખતરા જેવું લાગે છે!

આપણો દેશ ને રાજ પણ આપણું પોતા નું,
સાચું છે પણ અફવા જેવું લાગે છે!

ચાલ ખલીલ, આ અંધારા ને ખોતરીએ,
આમાં કઈ અજવાળા જેવું લાગે છે!


હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

Leave a Comment