૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ

૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ


એકવીસમી સદીની શરૂઆત એકદમ ઝડપી વિકાસની સદીની શરૂઆત છે. આ સદીમાં થયેલી અમુક શોધોએ પુરા વિશ્વનો તખ્તો પલટાવી નાખ્યો. પરંતુ સદીની શરૂઆતમાં જ કોરોના જેવી મહામારી આપણાં બારણે ટકોરા મારતી ઉભી રહી. સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય એવી સ્થિતિ આવી પડતાં સમગ્ર વિશ્વમાં અસંતુલન સર્જાયુ. અલ્પવિકસિત રાષ્ટ્રોથી માંડીને વિકાસશીલ રાષ્ટ્રો અને વિકસિત રાષ્ટ્રો કોરોના મહામારી સામે લાચાર થઈ ગયા.

ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનનાં વુહાન પ્રાંતમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસને એક વર્ષ પુરું થાય એ પહેલાં જ વિશ્વનાં ૨૦૦થી પણ વધુ દેશોમાં ફેલાઈને પુરી દુનિયાને એનાં ભરડામાં લઇ લીધી. (આવી આગાહી કોઈ જ્યોતિષ એ કરી હતી કે નહીં?)

આરોગ્યકર્મીઓથી લઈને ,વહીવટીય કાર્યકર્તાઓ, અમલદારો સુધીનાં બધા જ આ કોરોનાને કેમ નાથવો એની અસમંજસમાં પડ્યા. મહાસત્તા ધરાવતા જગતજમાદાર અમેરિકામાં સૌથી વધુ કેસો તો નોંધાયા, સાથે-સાથે સૌથી વધુ મૃત્યુ પણ ત્યાં થયાં! આપણા દેશમાં અધધધ.. વસ્તી અને વસ્તીગીચતા હોવા છતાં કોરોનાનાં કેસ હજુ એક કરોડથી વધુ હમણાં થયા. (આમ તો આ પણ બહુ કહેવાય પણ અહીં વાત સરખામણીની છે) બહુ નવાઈ પમાડે એવી વાત એ છે કે આટલી વસ્તીગીચતા હોવા છતાય કોરોના કેસમાં એટલો જંગી વધારો જોવા મળ્યો નથી.(જો કે લોકોને સરકારી આંકડાઓ પર એટલો વિશ્વાસ નથી એ જમીની વાસ્તવિકતા છે!) એનું કારણ શું હોઈ શકે? ઇમ્યુનીટી? રહેણીકરણી? ડોન્ટ નો!

વણસેલી સ્થિતિને પહોંચી વળવા માટે મોટાભાગનાં દેશોએ લોકડાઉનનો સહારો લેવો પડ્યો અને આવશ્યક જરૂરીયાતો સિવાય બધું જ થોભાવી દેવું પડ્યું. આખું વિશ્વ રોકાઈ ગયું..ઊભુ રહી ગયું..પરંતુ કોરોના અટક્યો નહીં અને ભયંકર તારાજી સર્જી. બરાબર એક સદી પહેલાં જ ફાટી નીકળેલો ‘સ્પેનિશ ફ્લૂ’ બધાને યાદ આવ્યો.

એક તો પહેલેથી જ દેશની અર્થવ્યવસ્થાની ખરાબ પરિસ્થિતિ હોય એમાંય કોરોનાનાં લીધે પરિસ્થિતિ એકદમ વિકટ બની. પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનાં ટાર્ગેટ સુધી પહોંચવા હરણફાળ ભરતી આપણા દેશની અર્થવ્યવસ્થા એકદમ ભાંગી પડી… અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી અને પરિસ્થિતિ હજુ પણ થાળે પડી નથી.

કોરોના મહામારીનાં લીધે વિશ્વમાં કુલ સવા આઠ કરોડ જેટલા કેસો નોંધાયા અને એમાંથી અઢાર લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા…જ્યારે ભારતમાં એક કરોડથી પણ વધુ કેસો નોંધાયા અને એમાંથી દોઢ લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા. આ સ્થિતિએ આપણને રહેણી-કરણી, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, કે માળખાગત સુવિધીઓ માટે વિચારતાં કર્યાં.

ધર્મસ્થાનકોમાં લાખો રૂપિયા દાન કરતાં લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓમાં રોકાણનું મહત્વ સમજાયું (ખરેખર..સમજાયું?) ધર્મસ્થાનકોને તાળાં લાગી ગયા પરંતુ દવાખાનાઓ ૨૪ કલાક ખુલ્લા રહ્યા(૨૪×૭). (આધુનિક દવાખાનાઓને આધુનિક ધર્મસ્થાનકો ગણી લેવા જોઈએ? જેમ આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આધુનિક-જંગી કારખાનાઓને આધુનિક મંદિર ગણાવ્યા હતા એમ!)

ભાગ-દોડીવાળા આધુનિક જીવનમાં લોકડાઉનનાં લીધે આપણને આપણા કુટુંબનાં સભ્યો-મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો તો બીજી બાજુ દેશની મહત્તમ વસ્તીનાં આવક સ્ત્રોતો બંધ થવાના લીધે આર્થિક સંકડામણ પણ અનુભવી. પરંતુ, એકંદરે દેશનાં મોટાભાગનાં લોકોએ થોડી-ઘણી અગવડ પણ વેઠીને મહામારીને પહોંચી વળવામાં વહીવટીય કાર્યકર્તાઓનાં આદેશોનું પાલન કરીને પોતાનું યોગદાન આપ્યું. આરોગ્યકર્મીઓ,વહીવટદારો તેમજ પોલીસ-જવાનો રાત દિવસ પોતાની ફરજો નિભાવી સેવા કરતા રહ્યા. સાથે-સાથે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓએ આગળ આવી, સેવાકીય પ્રવૃત્તિ માનવતાની મશાલ બની. વ્યક્તિગત રીતે પણ થઈ શકતી તમામ મદદ બધાએ કરી, તો સામેની બાજુ સરકારી દવાખાનામાં નોકરી પર રહેલાં ડોકટરોની નકારાત્મક ઈચ્છાશક્તિ, ખાનગી પ્રેક્ટિસ કરતાં ડોકટરોનો સ્વાર્થી નકાબ, પોલીસનું અમાનવીય વર્તન, સરકારની બેવડી નીતિ, વહીવટી અધિકારીઓની અકુશળતા વગેરે જેવી ખામીઓ બહાર આવી.

આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા લીધેલાં પગલાંઓની ચકાસણી માટે સાંસદ વધુ એક્ટિવ રહેવી જોઈએ પરંતુ એવું થયું નહીં અને હાલમાં શિયાળુ સત્ર પણ મુલત્વી કે મોકૂફ રાખવામાં આવ્યું. બિહારમાં ચૂંટણી થઈ શકે, ગુજરાતમાં પેટા-ચૂંટણી થઈ શકે, પરંતુ સાંસદનાં સત્રને ચાલુ રાખવામાં કંઇક વાંધો આવી રહ્યો છે!

કોરોના મહામારી સિવાય પણ વર્ષ દરમિયાન બીજી ઘણી બધી ઘટનાઓએ પણ આપણું ધ્યાન દોર્યું. જેમ કે, સિટીઝનશિપ બિલ અને એના લીધે થયેલો વિરોધ. પેટ્રોલ-ડિઝલનાં બેફામ વધેલા ભાવો. લોકડાઉનનાં લીધે મજૂરોની હિજરત. એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા, શોન કેનેરી, ઈરફાન ખાન, ઋષિ કપૂર, સૌમિત્ર ચેટર્જી, એસપી બલાસુબ્રમનીયમ, સરોજ ખાન, બાસુ ચેટરજી, અને આપણી ગુજરાતની લોકલાડીલી બેલડી મહેશકુમાર અને નરેશ કનોડિયા તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની વિદાય. એક બાજુ લગ્નમાં સો-બસો લોકોની મંજૂરી અને બીજી બાજું ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનાં હજારો લોકોનાં જમાવડા! મહારાષ્ટ્રનાં રણજીતસિંહ દિસાલેને ૨૦૨૦નો ગ્લોબલ ટિચરનો એવોર્ડ અને દસ લાખ ડોલરનો પુરસ્કાર મળ્યો. ભારત અને ચીનની બોર્ડર પર થયેલાં તણાવમાં મીલીટરી ફોર્સનાં વીસેક જેટલાં જવાનો શહીદ થયા અને વાતચીતના પાંચેક રાઉન્ડ થઇ ગયા હોવા છતાં સમાધાન સુધી આવી શકાયું નથી અને હજુ પણ સ્થિતિ સામાન્ય કહી શકાય એવી થાળે પડી નથી. તેમજ સમગ્ર લોકડાઉન દરમિયાન કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંબંધોમાં તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેનાં સંબંધોમાં પણ ઘણો બધો તણાવ જોવા મળ્યો અને સહકારી સંઘવાદ જેવાં મુદ્દે ચર્ચાઓ જાગી. મજૂરોનાં આવવા-જવા પર રાજ્યો-રાજ્યો વચ્ચે અને જીએસટી કંપન્સેશન બાબતે કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં તિરાડ પડી. અને હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરીકન સરકાર દ્વારા(ટ્રમ્પ ગિફ્ટ) ‘લિજન ઑફ મેરીટ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

ઓસ્ટ્રેલિયામાં લાગેલા દાવાનળનાં લીધે વિસ્તારનાં વીસેક ટકા(આશરે પાંચ કરોડ હેકટર!) જેટલો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો. અમેરિકાનાં સાત જેટલાં રાજ્યોમાં પણ દાવાનળ લાગ્યો અને લગભગ દોઢેક કરોડ એકર જેટલો વિસ્તાર સ્વાહા થઈ ગયો. હોંગકોંગમાં સ્વતંત્રતા માટે વિરોધ થયાં. જ્યોર્જ ફ્લોઇડની હત્યાથી અમેરિકાનાં ૨૮ જેટલાં રાજ્યોમાં પ્રદર્શનો યોજાયા અને બ્લેક લીવ્સ મેટર જેવા સૂત્રો ગાજ્યા. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ. લેબેનોનનાં પાટનગર બૈરૂતમાં વિસ્ફોટક એમોનિયમ નાઇટ્રેટનો વિસ્ફોટ થવાનાં લીધે પુષ્કળ નુકશાન થયું. મૂળ ભારતીય પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યુઝીલેન્ડનાં પ્રથમ મંત્રી બન્યા. અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે જો બિડન અને ઉપરાષ્ટ્રપતિ તરીકે પ્રથમ એશિયન-અમેરીકન અને પ્રથમ અશ્વેત મહિલા તરીકે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુંટાઇને આવ્યા.

Human development index તેમજ Global economic freedom indexમાં ભારતનું સ્થાન ઉતરોત્તર નીચે જતું જાય છે. તેમજ ઘણા બધા રાજ્યોએ એવાં કાયદા બનાવ્યા જેનાથી સમાજમાં ધ્રુવીકરણ વધુને વધુ થઈ રહ્યું છે! અમીરો ગરીબો વચ્ચે ખાઈ વધું પહોળી થઈ.

હવે જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે ગયા વર્ષનું સરવૈયુ કાઢીને થયેલી ભૂલો શોધીને ફરી બીજી વખતે એવું ના બને એની કાળજી લેવી આવશ્યક છે. નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે અને આપણે બધા જ હવે આમ કરવાનું છે-તેમ કરવાનું છે, અહીં જવાનું છે-ત્યાં જવાનું એવા પ્લાન કરવામાં લાગી જતા હોઈએ છીએ. પરંતુ આ નવા વર્ષમાં આપણે કરેલા પ્લાનને એકાદ-બે વર્ષ મહિનામાં જ ભૂલી જતાં હોઈએ છીએ.

નવાં વર્ષે આપણને કોરોનાની રસીની ગિફ્ટ મળી. પરંતુ એટલેથી પુરું નથી થતું. એ રસીનું જંગી ઉત્પાદન (કમ સે કમ આપણી વસ્તી છે એટલી રસી તો જોઈશે ને? પણ રસી બે ડોઝમાં આપવાની છે! એટલે વસ્તી કરતાં ડબલ જોઈશે!), એની સાચવણી, પહેલાં રસી કોણે આપવી?, સૌથી છેલ્લે રસી કોને આપવી?, જેવા પ્રશ્નો અને ખાસ તો એની અસરકારકતા અને રસીનું કોઈ રીએકશન આવે છે કે નહીં…લાખો કરોડો લોકો કે જેને લોકડાઉનનાં લીધે નોકરીઓ ગુમાવી એમનું ફરી સ્થાયીકરણ..ભારત-ચીન બોર્ડર વિવાદનું નિરાકરણ.. આંદોલન કરી રહેલા ખેડૂતોનાં પ્રશ્નોનું નિરાકરણ, જળ-વાયુ પરિવર્તન અને એનું નિરાકરણ, જેવાં પ્રશ્નો આપણી સમક્ષ ઉભા છે એ આપણે ભૂલવું ન જોઈએ!

તણખો:
હમ કો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કી ગાલિબ યે ખયાલ અચ્છા હૈ!
-મિર્ઝા ગાલિબ

 

-ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment